100 બોલની મેચમાં 100 રન બનાવી 20 વર્ષના વીલ સ્મિડે રચ્યો ઈતિહાસ

11 August 2022 11:36 AM
Sports
  • 100 બોલની મેચમાં 100 રન બનાવી 20 વર્ષના વીલ સ્મિડે રચ્યો ઈતિહાસ

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં બર્મિંઘમ ફિનિક્સ વતી રમતાં સ્મીડે 50 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ઝૂડ્યા અણનમ 101 રન

નવીદિલ્હી, તા.11
ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટની બીજી સીઝનમાં 20 વર્ષના વીલ સ્મીડે ઈતિહાસ રચી દીધો છે. આ ખેલાડી 100 બોલની આ ટૂર્નામેન્ટમાં 100 રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો છે. બર્મિંઘમ ફિનિક્સ વતી રમતાં સ્મીડે આ કારનામું સાઉધર્ન બ્રેવ વિરુદ્ધ કર્યું હતું. 50 બોલમાં 101 રનની આ અણનમ ઈનિંગમાં સ્મીડે 8 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા.

આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 202નો રહ્યો હતો. સ્મીડની આ ધમાકેદાર ઈનિંગના દમ પર ફિનિક્સે 53 રને જીત મેળવી હતી. સાઉધર્ન બ્રેવે આ મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. મેચના પહેલાં બોલથી જ સ્મીડે હરિફ ટીમના નિર્ણયને ખોટો પાડી દીધો હતો. ક્રિસ બેન્ઝામીન (17 રન) સાથે બેટિંગની શરૂઆત કરતાં સ્મીડે પહેલાં જ બોલે ચોગ્ગો લગાવ્યો હતો. સ્મીડ ઈનિંગની શરૂઆતથી જ આક્રમક રૂપમાં દેખાઈ રહ્યો હતો. સ્મીડે પોતાની ફિફટી 25 બોલમાં પૂરી કરી જ્યારે 100 રન સુધી પહોંચવામાં તેણે 49 બોલનો સામનો કર્યો હતો.

ઈનિંગના 99મા બોલે સ્મીડને સદી પૂરી કરવા માટે એક રનની જરૂર હતી અને તેણે જોર્ડનના બોલ પર એકસ્ટ્રા કવરની દિશામાં બે રન ચોરીને પોતાની સદી પૂર્ણ કરી હતી. આ સાથે જ ઈતિહાસ રચતાં સ્મીડ ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં 100 રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો છે. સ્મીડની આ ઈનિંગના દમ પર બર્મિંઘમ ફિનિક્સ નિર્ધારિત 100 બોલમાં 4 વિકેટે 176 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી જેના જવાબમાં સાઉધર્ન બ્રેવ 85 બોલમાં 123 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement