10 મહિનામાં ટીમ ઈન્ડિયાએ છ શ્રેણી જીતી, હવે ‘ટાર્ગેટ’ એશિયા કપ

11 August 2022 11:40 AM
Sports
  • 10 મહિનામાં ટીમ ઈન્ડિયાએ છ શ્રેણી જીતી, હવે ‘ટાર્ગેટ’ એશિયા કપ

► ટી-20 વર્લ્ડકપમાં જે રીતે શરમજનક હાર મળી તે પછી ભારતીય ટીમે કુલ 24 મેચ રમી છે જેમાંથી 19 જીતી, 4 હારી’ને એક રહી અનિર્ણિત: એશિયા કપ એશિયન ટીમ માટે ટી-20 વર્લ્ડકપના સેમિફાઈનલની જેમ જ રહેશે

► ટીમ ઈન્ડિયા સામે સતત બીજીવાર આ ટૂર્નામેન્ટ જીતવાનો પડકાર

નવીદિલ્હી, તા.11 : યુએઈમાં એશિયા કપનું આયોજન 27 ઑગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે થશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષની પહેલી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ હશે. ત્યારબાદ ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. એશિયા કપ તેના પહેલાં એશિયન ટીમો માટે એક સેમિફાઈનલની જેમ છે. ભારતીય ટીમ સામે સતત બીજીવાર આ ટૂર્નામેન્ટને જીતવાનો પડકાર છે. રોહિત શર્માની ટીમ જે વિજયરથ પર સવાર છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા પોતાનો ખિતાબ જાળવી રાખવામાં આ વખતે સફળ રહેશે.

પાછલા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડકપમાં મળેલી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર થયા છે. કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી છે અને રોહિત શર્મા નિયમિત કેપ્ટન બન્યો છે. રવિ શાસ્ત્રીએ કોચપદ છોડ્યું તો તેમની જગ્યા રાહુલ દ્રવિડે સંભાળી છે. ત્યારપછી ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને શ્રેણીમાં હરાવ્યું છે. જ્યારે આફ્રિકા વિરુદ્ધની શ્રેણી બરાબર રહી હતી. ત્યારપછી આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝને ભારતે પરાસ્ત કરી બતાવ્યું છે. આ રીતે ભારતે 24 ટી-20 મેચ પાછલા ટી-20 વર્લ્ડકપ બાદ રમી છે

જેમાંથી 19 મેચમાં જીત હાંસલ કરી છે તો ચાર મેચમાં તેને હાર મળી છે અને એક મેચ વરસાદને કારણે રમાઈ નહોતી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમના આ ફોર્મને જોતાં એવું મનાય રહ્યું છે કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને તેને પણ જીતી લેશે. મિશન ટી-20 વર્લ્ડકપ માટે કામ કરી રહેલી ટીમ ઈન્ડિયા હવે એશિયા કપમાં રમશે. ત્યારપછી ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે શ્રેણી રમવાની છે. એશિયા કપમાં પાકિસ્તાન, શ્રીલંકા જેવી મજબૂત ટીમ સામેટક્કર મળશે. જ્યારે વર્લ્ડ ટી-20 ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા પછી મજબૂત દક્ષિણ આફ્રિકા સામે ફરી એકવાર તૈયારી ‘ધારદાર’ બનાવવી પડશે.

એશિયા કપમાં કઈ ટીમ સામે મળશે ટક્કર
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને શ્રીલંકાથી સૌથી વધુ ટક્કર મળશે. ભારતે પાછલા ટી-20 વર્લ્ડકપ બાદ 24માંથી 19 મેચ જીતી છે તો પાકિસ્તાને સાત મેચ રમી છે જેમાંથી છમાં જીત મેળવી છે. તેણે ભલે મેચ ઓછી રમી હોય પરંતુ ટીમની જીતની ટકાવારી સારી છે. હાલમાં શ્રીલંકાએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે કેમ કે તેણે ઑસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને પરાજય આપ્યો છે. શ્રીલંકાએ પાછલા ટી-20 વર્લ્ડકપ બાદ 11માંથી માત્ર બે મેચ જીતી છે પરંતુ તેના ફોર્મને નજરઅંદાજ કરવાની ભૂલ ટીમ ઈન્ડિયા કરશે નહીં.

ટી-20 વર્લ્ડકપ-2021 બાદ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
હરિફ ટીમ - પરિણામ
ન્યુઝીલેન્ડ - 3-0
વિન્ડિઝ - 3-0
શ્રીલંકા - 3-0
આફ્રિકા - 2-2
આયર્લેન્ડ - 2-0
ઈંગ્લેન્ડ - 2-1
વિન્ડિઝ - 4-1

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સામે આ પડકારો પણ રહેશે
કોહલીનું ફોર્મ
રાહુલ-રોહિતની ફિટનેસ
ટીમ પાસે માત્ર ત્રણ ફાસ્ટ બોલર


Related News

Loading...
Advertisement
Advertisement