પાકિસ્તાની ટીવી એન્કરે આશિષ નેહરાને ગણાવ્યાં ભારતના ભાલાફેંક ખેલાડી !!

11 August 2022 11:46 AM
Sports
  • પાકિસ્તાની ટીવી એન્કરે આશિષ નેહરાને ગણાવ્યાં ભારતના ભાલાફેંક ખેલાડી !!

જોતજોતામાં ટવીટ વાયરલ થઈ જતાં લોકોએ કાઢી બેફામ ઝાટકણી: સેહવાગે ટવીટ કરીને કહ્યું, નેહરા તો અત્યારે બ્રિટનના વડાપ્રધાનપદની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે !

નવીદિલ્હી, તા.11 : ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના એક ટીવી એન્કરને ટવીટર પર જોરદાર રીતે ઝાટક્યો છે. જૈદ હમીદ નામના આ એન્કરે તાજેતરમાં પોતાના એથ્લીટ અરશદ નદીમના વખાણ કરતું એક ટવીટ કર્યું હતું. આ ટવીટમાં તેણે નીરજ ચોપડાની જગ્યાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહેરાને ભારા ફેંક ખેલાડી ગણાવીને અરશદ સાથે તેની તુલના કરી હતી.

જૈદ હમીદના આ ટવીટ બાદ સોશ્યલ મીડિયા પર તે બેફામ ટ્રોલ થયો હતો અને હવે ભારતમાં તેના ટવીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કૉમનવેલ્થ ગેમ્સમાં 90 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતનારા અરશદ નદીને લઈને હમીદે ટવીટ કરતાં લખ્યું કે એક એવી વાત જે આ જીતને વધુ મધુર બનાવે છે અને તે વાત એ છે કે આ પાકિસ્તાની એથ્લીટે ભારતીય ભાલા ફેંકના હિરો આશિષ નેહરાને તબાહ કરી નાખ્યો છે...! પાછલા મુકાબલામાં આશિષ અરશદ નદીમને હરાવ્યો હતો...કેટલો પ્યારો બદલો લીધો...

જૈદ હમીદના આ ટવીટ બાદ ભારતીય ચાહકોએ તેને આડેહાથ લેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન વીરેન્દ્ર સેહવાગે ટવીટ કરતાં લખ્યું કે ચાચા, આશીષ નેહરા અત્યારે બ્રિટનના વડાપ્રધાનની ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સંપન્ન થયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાનના અરશદ નદીમે 90.18 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ તેણે ભારતીય એથ્લીટ નીરજ ચોપડાના રેકોર્ડને પણ તોડ્યો હતો. નદીમ હવે 90 મીટરનું માર્ક પાર કરનારો ઉપમહાદ્વિપનો એકમાત્ર એથ્લીટ છે. નીરજ ચોપડાનો રેકોર્ડ 89.94 મીટરનો છે જે તેણે તાજેતરમાં જ ડાયમંડ લીગમાં બનાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement