મારા બેટા ગજબ છે હો ! બર્મિંઘમ કૉમનવેલ્થમાં ગયેલા પાકિસ્તાનના બે બૉક્સર થયા ગાયબ

11 August 2022 11:47 AM
Sports
  • મારા બેટા ગજબ છે હો ! બર્મિંઘમ કૉમનવેલ્થમાં ગયેલા પાકિસ્તાનના બે બૉક્સર થયા ગાયબ

મેડલ તો ન જીતી શક્યા, લંડનમાં ઘૂસણખોરી કરવાનો રસ્તો કરી લીધો: ચાર અધિકારીઓની ટીમે શરૂ કરી શોધખોળ

નવીદિલ્હી, તા.11
કૉમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહૂતિ બાદ બર્મિંઘમમાં બે પાકિસ્તાની બૉક્સર ગાયબ થઈ ગયા છે. રાષ્ટ્રીય મહાસંઘે આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાની બૉક્સિગં મહાસંઘ (પીબીએફ)ના સચિવ નાસીર તાંગે સ્પષ્ટતા કરી કે બૉક્સર સુલેમાન બલૂચ અને નઝીરુલ્લાહ ટીમ ઈસ્લામાબાદ રવાના થાય તેના થોડા કલાક પહેલાં જ ગાયબ થઈ ગયા છે.

તાંગે કહ્યું કે આ બન્નેના પાસપોર્ટ સહિત યાત્રા દસ્તાવેજો હજુ પણ ફેડરેશનના એ અધિકારીઓ પાસે છે જે બૉક્સિગં ટીમ સાથે બર્મિંઘમ ગયા હતા. ટીમ મેનેજમેન્ટે બ્રિટનમાં પાકિસ્તાની રાજદૂત અને લંડનમાં સંબંધિત અધિકારીઓને સુલેમાન અને નઝીરુલ્લાહના લાપતા થવા અંગે જાણ કરી છે.

લાપતા બૉક્સરોના દસ્તાવેજ પાકિસ્તાનથી આવનારા તમામ ખેલાડીઓ માટેના માપદંડ સંચાલન પ્રક્રિયા (એસઓપી) અનુસાર રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન ઑલિમ્પિક સંઘ (પીઓએ)એ લાપતા બૉક્સરોના મામલાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. પાકિસ્તાન કૉમનવેલ્થ ગેમ્સની બૉક્સિગં ટૂર્નામેન્ટમાં એક પણ મેડલ જીતી શક્યું નથી. દેશે વેઈટલિફ્ટિંગ અને ભાલા ફેંકમાં બે ગોલ્ડ સહિત આ ટૂર્નામેન્ટમાં આઠ મેડલ જીત્યા છે.

બૉક્સરોના લાપતા થવાની ઘયના રાષ્ટ્રીય સ્વીમર ફૈઝાન અકબરના હંગરીમાં ફિના વિશ્વ ચેમ્પિયનશિપથી ગાયબ થયાના બે મહિના બાદ બની છે. જો કે અકબરે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો નહોતો અને બુડાપેસ્ટ પહોંચ્યાના થોડા જ કલાકો બાદ પોતાના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો જેનો પતો હજુ સુધી મળ્યો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement