રાજ્યમાં સામૂહિક બદલીઓના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.એ.એસ. કેડરના અધિકારીઓ બદલાયા

11 August 2022 01:08 PM
Jamnagar Gujarat
  • રાજ્યમાં સામૂહિક બદલીઓના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જી.એ.એસ. કેડરના અધિકારીઓ બદલાયા

આર.એ.સી., નાયબ કલેકટર, ડેપ્યુટી ટીડીઓની બદલી

જામ ખંભાળિયા, તા. 11
ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા ગઈકાલે ડેપ્યુટી કલેકટર કક્ષાના 79 અધિકારીઓ તથા જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 64 જી.એ.એસ. કક્ષાના અધિકારીઓના સામુહિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા અધિકારીઓની બદલીઓ પણ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે પોણા ત્રણ વર્ષથી નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા અને કોરોના કાળ દરમિયાન તેમજ વિવિધ ક્ષેત્રમાં સુંદર કામગીરી કરનારા અધિકારી કે.એમ. જાનીની બદલી ગાંધીનગર સ્થિત રમત ગમત વિભાગમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી થોડા સમયમાં તેઓ નિવૃત્ત થનાર છે. તેમના સ્થાને ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી બી.એમ. જોગણીયાની નિયુક્તિ કરવામાં આવી છે. જામનગરના અધિક નિવાસી કલેકટર એમ.પી. પંડ્યાની બદલી ભુજ- કચ્છ ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને દ્વારકા જિલ્લાના ડીઆરડીએ વિભાગના ડાયરેક્ટર બી.એન. ખેરને મુકવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી સુંદર કામગીરી કરી રહેલા અધિકારી જી.કે. રાઠોડને ડીઆરડીએના ડાયરેક્ટર તરીકે કચ્છ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા મધ્યાન ભોજન યોજનાના નાયબ કલેક્ટર કુંજલ કે. શાહની બદલી મહીસાગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર તરીકે કરવામાં આવી છે.

જામનગર શહેરના પ્રાંત અધિકારી આસ્થા ડી. ડાંગરની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે થઈ છે. જામનગર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર એચ.કે. આચાર્યની બદલી હળવદ પ્રાંત અધિકારી તરીકે, દ્વારકાના ડેપ્યુટી ટીડીઓ વાય.ડી. શ્રીવાસ્તવની બદલી ગીર સોમનાથ ખાતે, જામનગરના ડેપ્યુટી ટીડીઓ આર.એમ. રાયજાદાને સુરેન્દ્રનગર ડીઆરડીએ વિભાગમાં કરવામાં આવી છે.

જામનગરના ડેપ્યુટી ટીડીઓ કે.એ. રાઠોડની બદલી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ અધિક નિવાસી કલેકટર અને છેલ્લા ત્રણેક વર્ષથી નર્મદા જિલ્લાના નર્મદા પ્રોજેક્ટના વિકાસમાં કાર્યરત એચ.કે. વ્યાસની બદલી ગાંધીનગર શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. આગામી થોડા સમયમાં મામલતદાર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ પણ થનાર હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement