ચૂંટણી પહેલાં બદલી શરૂ: રાજકોટના ચાર સહિત રાજ્યના 79 ડેપ્યુટી, 67 એડીશનલ કલેક્ટરોની બદલી

11 August 2022 01:23 PM
Rajkot Gujarat
  • ચૂંટણી પહેલાં બદલી શરૂ: રાજકોટના ચાર સહિત રાજ્યના 79 ડેપ્યુટી, 67 એડીશનલ કલેક્ટરોની બદલી

► એક જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતાં અધિકારીઓની બદલી કરવાના નિર્ણયનો અમલ શરૂ: રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ, પી.એમ.મોણગરા, જસદણના પ્રાંત અધિકારી કે.વી.બાટી અને એ.ડી.જોશીની બદલી

► ભાવનગરના પૂરવઠા અધિકારી સૂરજ સુથારને રાજકોટ, નવસારીના નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંકને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે મુકાયા

રાજકોટ, તા.11
સરકાર દ્વારા તાજેતરમાં જ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓ-અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવે. આ નિર્ણય લેવાયાના થોડા જ દિવસોમાં તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને સૌથી પહેલાં પીઆઈની બદલીઓનો ઘાણવો નીકળ્યો હતો. દરમિયાન હવે સરકારે રાજ્યના 67 એડિશનલ કલેક્ટર અને 79 ડેપ્યુટી કલેક્ટરની બદલીઓનો હુકમ કર્યો છે.

આ બદલીઓમાં રાજકોટના ચાર ડેપ્યુટી કલેક્ટર સહિત રાજ્યના 79 જીએએસ કેડરના અધિકારીઓ સામેલ છે. આ ઉપરાંત 67 જેટલા એડિશનલ કલેક્ટરોની પણ બદલી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તે પહેલાં જ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓનો ઘાણવો નીકળવાનું શરૂ થયું છે. રાજકોટની વાત કરવામાં આવે તો ગ્રામ્યના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈને અમરેલી, પી.એમ.મોણપરાને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના જનરલ મેનેજર, જસદણના પ્રાંત અધિકારી કે.વી.બાટીને ગોંડલ, એ.ડી.જોશીને અમદાવાદ જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે બદલી આપવામાં આવી છે.

જ્યારે ભાવનગરના પૂરવઠા અધિકારી સૂરજ સુથારને રાજકોટના ડેપ્યુટી કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો નવસારીના નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંકને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે બદલી આપવામાં આવી છે.આ ઉપરાંત સરકાર દ્વારા રાજકોટ, ભરુચ, છોટાઉદેપુર, વલસાડ, વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં નવા રેસિડેન્ટ એડિનાલ કલેક્ટર (આરએસી)ની નિમણૂક પણ કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ડીઆરડીએ તેમજ ટ્રાઈબલ એરિયા સબ પ્લાન પ્રોજેક્ટ ઑફિસરોની જગ્યા હવેથી સંપૂર્ણ રીતે ભરવા એડિશનલ કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે.

15 ઑગસ્ટ પછી આઈપીએસની મોટાપાયે બદલીઓ: પીઆઈની બદલીઓનો બીજો ઘાણવો નીકળશે
જાણવા મળતી વિગતો પ્રમાણે સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ફરજ બજાવતાં અધિકારીઓની બદલીઓ શરૂ કર્યા બાદ હવે 15 ઑગસ્ટ પછી આઈપીએસ અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરવામાં આવશે. આ ઉપરાંત પીઆઈની બદલીઓનો બીજો ઘાણવો પણ નીકળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બે વેરા કમિશનરની બદલી, આઠની બઢતી: રાજકોટના એલ.જે.દફ્તરીને સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી
ડેપ્યુટી અને એડિશનલ કલેક્ટરોની બદલી સાથે જ સરકાર દ્વારા રાજ્ય વેરા કમિશનરની બદલીનો ગંજીપો પણ ચીપવામાં આવ્યો છે. સરકારે બે વેરા કમિશનરની બદલી કરી છે તો આઠને બઢતી આપતો હુકમ કર્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો નાયબ રાજ્ય વેરા કમિશનર તરીકે ફરજ બજાવતાં અલ્પેશ જયંતીલાલ દફ્તરીને સંયુક્ત રાજ્યવેરા કમિશનર (વિવાદ-1) તરીકે રાજકોટમાં જ બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત નાયબ રાજ્ય વેરા કમિશનર (કાયદા) તરીકે અમદાવાદમાં ફરજ બજાવતાં રિદ્ધેશ પ્રિતમલાલ રાવલને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-10 રાજકોટમાં બઢતી કરવામાં આવી છે.

ડીઆરડીએ-ગીર સોમનાથના ડાયરેક્ટર એસ.જે.ખાચરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઑફિસર તરીકે રાજકોટમાં બદલી
સરકાર દ્વારા જીએએસ ઉપરાંત જીએડીમાં પણ બદલીઓ કરવામાં આવી છે ત્યારે આ બદલીઓમાં ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી (ડીઆરડીએ)-ગીર સોમનાથમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં એસ.જે.ખાચરની રાજકાષટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઑફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એસ.જે.ખાચર ઉપરાંત અન્ય બે અધિકારીઓની પણ આ રીતે બદલી કરતો હુકમ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement