ગુજરાતના 171 તાલુકામાં હળવો-ભારે વરસાદ : સિઝનનો 80.48 ટકા વરસી ગયો

11 August 2022 02:27 PM
Rajkot Gujarat
  • ગુજરાતના 171 તાલુકામાં હળવો-ભારે વરસાદ : સિઝનનો 80.48 ટકા વરસી ગયો

સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક પાણી વરસ્યું

રાજકોટ,તા. 11
ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ જ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન મુખ્યત્વે દક્ષિણના જિલ્લાઓમાં જોર માલુમ પડ્યું હતું. રાજ્યમાં સિઝનનો 80.48 ટકા વરસાદ વરસી ગયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 29 જિલ્લાના 171 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાનાં ઉમરપાડામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. બારડોલી, કામરેજ તથા પલસાણામાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. માંડવીમાં બે ઇંચ વરસાદ થયો હતો.

તાપી જિલ્લાનાં સોનગઢ તથા વ્યારામાં અઢી-અઢી ઇંચ પાણી વરસ્યું હતું. નર્મદા જિલ્લાના સાગબારામાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વલસાડ, ડાંગ, નવસારી તથા ભરુચ જિલ્લામાં સર્વત્ર બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

કચ્છમાં પણ ફરી મેઘસવારી શરુ થઇ હોય તેમ લખપતમાં બે ઇંચ તથા અબડાસામાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉતર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરામાં અઢી ઇંચ તથા અન્ય ભાગોમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતનાં અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના બાવળામાં બે ઇંચ પાણી વરસ્યું હતું. અમદાવાદ શહેરના પણ અનેક ભાગોમાં મુશળધાર ઝાપટા પડ્યા હતા. દાહોદ, મહીસાગરમાં બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 80.48 ટકા વરસાદ થઇ ગયો છે. ઝોન વાઇઝ વરસાદમાં કચ્છમાં 127 ટકા, ઉતર ગુજરાતમાં 68.14 ટકા, મધ્ય ગુજરાતમાં 69.27 ટકા, સૌરાષ્ટ્રમાં 76.16 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.63 ટકા વરસાદ નોંધાયો છે.આ સાથે રાજ્યનાં 12 તાલુકામાં 5 થી 10 ઇંચ, 89 તાલુકામાં 10 થી 20 ઇંચ, 111 તાલુકામાં 20 થી 40 ઇંચ તથા 39 તાલુકામાં 40થી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement