બોલિવુડની ફિલ્મોનો બોક્સ ઓફિસ બિઝનેસ જ નહીં, સિતારાઓની બ્રાન્ડ પણ સાઉથના સ્ટાર ખેંચવા લાગ્યા

11 August 2022 02:42 PM
Entertainment India
  • બોલિવુડની ફિલ્મોનો બોક્સ ઓફિસ બિઝનેસ જ નહીં, સિતારાઓની બ્રાન્ડ પણ સાઉથના સ્ટાર ખેંચવા લાગ્યા

અલ્લુ અર્જુન કોકાકોલા, કેએફસી, ઝોમેટો અને રેડબસ સહિતની અનેક કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો : રોજના રૂા.7.5 કરોડની ફી પણ વસૂલે છે : બોલિવુડના સિતારાઓ માટે હવે બ્રાન્ડ માટે સાઉથના સિતારાઓ સાથે જંગ કરવો પડશે

મુંબઈ,તા. 11
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં બોલીવુડ વિરુધ્ધ સાઉથની ફિલ્મોના જંગમાં એક તરફ હિંદી ફિલ્મો બોક્સ ઓફીસ કલેકશન ગુમાવી રહી છે અને વધુને વધુ સાઉથ ફિલ્મો હિંદી પટ્ટાના દર્શકોને પણ આકર્ષી રહી છે તે સાથે હવે દક્ષિણની ફિલ્મના અભિનેતા તથા અભિનેત્રીઓ પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં હિંદી ફિલ્મના સીતારાઓની આવક છીનવી રહ્યા છે અને આગામી દિવસોમાં દક્ષિણ ભારતના ફિલ્મ સીતારાઓ અબજો રુપિયાની કમાણી આપતા બ્રાન્ડ બિઝનેસ પર પક્કડ જમાવી લે તેવા સંકેત છે.

ગત વર્ષે હિંદી ફિલ્મોની ગેરહાજરીમાં સાઉથની ડબ ફિલ્મ ‘પુષ્પા’એ હિંદી ભાષી પ્રદેશોમાં પણ જંગી કમાણી કરી લીધી હતી અને તેનો અભિનેતા અલ્લુ અર્જુન ઉપરાંત અનેક સાઉથના સિતારાઓ હવે વધુને વધુ ડબ ફિલ્મો સાથે આવી રહ્યા છે. તથા આજે જ રિલીઝ થયેલી ‘લાલસિંહ ચઢ્ઢા’ તથા ‘રક્ષાબંધન’ બંને ફિલ્મોના પ્રથમ દિવસના કલેકશન પણ આમીર ખાનને ચિંતા કરાવે તેવા છે.

તે વચ્ચે અલ્લુ અર્જુનએ બોલીવુડના સિતારાઓ પાસેથી કોકાકોલા, કેએફસી, ઝોમેટો સહિતની બ્રાન્ડ પણ આંચકી લીધી છે અને આગામી દિવસોમાં તે આ બ્રાન્ડ માટે એડમાં ચમકશે. માર્કેટીંગ નિષ્ણાંતો કહે છે કે અલ્લુ અર્જુનએ ફક્ત સાઉથ નહીં સમગ્ર દેશમાં સૌથી મોંઘો બ્રાન્ડ એમ્બેસેડર બની જશે. 40 વર્ષનો અભિનેતા હાલ ભારતમાં સૌથી વધુ ફી વસૂલતો કલાકાર છે. તે પોતાની બ્રાન્ડસ માટે રોજના રુા. 7.5 કરોડની ફી વસૂલી રહ્યો છે.

ચાલુ વર્ષે ‘પુષ્પા’ની સફળતા બાદ તેને કોકાકોલા, એસ્ટ્રલ, કેએફસી, રેડબસ, અને ઝોમેટો જેવી બ્રાન્ડ દ્વારા એન્ડોર્સ કરાયો હતો અને દરેક બ્રાન્ડ તેને રુા. 75 થી 100 કરોડની ફી ચૂકવશે. અને વર્ષમાં અંદાજે 10 દિવસ તે દરેક બ્રાન્ડ સાથે જોડાયેલો રહેશે. માર્કેટીંગ નિષ્ણાંતો કહે છે કે અલ્લુ અર્જુનની લોકપ્રિયતાના કારણે તેની અગાઉની ફિલ્મો પણ ડબ થઇને હવે યુટ્યુબ અને સેટેલાઇટ ટીવીમાં રજૂ થવા લાગી છે.

પુષ્પાએ ભારતભરમાં જે બિઝનેસ કર્યો તેની સામે અનેક ફિલ્મો પીટાઇ ગઇ. અલ્લુ અર્જુનની સાઉથમાં જે સ્ટારડમ છે તેને તો કોઇ રોકી શકે તેમ નથી પરંતુ હવે તે સમગ્ર દેશમાં બ્રાન્ડ સર્કિટ બની ગયો છે. આ ઉપરાંત રેડબસ દ્વારા એપ્રિલ માસમાં જ અલ્લુ અર્જુનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોકાયા બાદ વધુને વધુ કંપનીઓ હવે અલ્લુ અર્જુન પાસે એન્ડોર્સમેન્ટ માટે લાઇનમાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement