કેજરીવાલના વચનથી પોલીસ ખુશ: સોશ્યલ મીડિયા સ્ટેટસમાં મુકી ‘હરખ’ વ્યક્ત કરતાં જવાનો !

11 August 2022 03:27 PM
Rajkot Gujarat
  • કેજરીવાલના વચનથી પોલીસ ખુશ: સોશ્યલ મીડિયા સ્ટેટસમાં મુકી ‘હરખ’ વ્યક્ત કરતાં જવાનો !

‘આપ’ની સરકાર બને તો પોલીસનો પગાર વધારશે : અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને કરેલી જાહેરાતનો વીડિયો રાજકોટ સહિત આખા ગુજરાતના જવાનોએ વૉટસએપ, ઈન્સ્ટાગ્રામ સહિતના સ્ટેટસ ઉપર મુક્યો: અમુકે વીડિયો મુક્યા બાદ તુરંત ડિલિટ કરી નાખતાં તર્ક-વિતર્ક

રાજકોટ, તા.11 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલમાં ‘ગરમાવો’ આવી રહ્યો છે. શાસક પક્ષ ભાજપ પાંચ વર્ષ દરમિયાન પોતે કરેલા કામોને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યો છે તો કોંગ્રેસ સરકારની ખામીઓ ગણાવીને લોકોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હોય ત્રિ-પાંખીયો જંગ ખેલાવાનો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ કરતાં અત્યારે આમ આદમી પાર્ટી સૌથી એગ્રેસીવ હોય તેવી રીતે દરરોજ નવા નવા મુદ્દે ગેરંટી અને વચનો આપી રહી છે.

ગુજરાત ચૂંટણીની કમાન મુખ્યત્વે અરવિંદ કેજરીવાલે સંભાળી હોવાથી તેમની ગુજરાત મુલાકાતમાં પણ વધારો થઈ ગયો છે. દરમિયાન ગત સાંજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે પોલીસના ગ્રેડ-પેનો મુદ્દો ઉઠાવીને આપેલા વચનથી પોલીસ ખુશ થઈ ગઈ હોય તેવી રીતે અનેક જવાનોએ સોશ્યલ મીડિયા સ્ટેટસ પર કેજરીવાલના સંબોધનનો વીડિયો અપલોડ કરીને પોતાનો ‘હરખ’ વ્યક્ત કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગુજરાત પોલીસના એક જવાનની દીકરીએ તેમને ગુજરાતી ભાષામાં એક પત્ર લખ્યો છે.

તેમને ગુજરાતી વાંચતાં આવડતું ન હોવાથી તેમણે ગોપાલ ઈટાલિયાને પત્ર વાંચવા માટે કહ્યું હતું. આ પછી ગોપાલ ઈટાલિયા પત્રનું વાંચન કરતાં કહે છે કે એક દીકરીએ એવો પત્ર લખ્યો છે કે તેમના પિતાની નોકરીના કલાકો વધુ છે અને પગાર અત્યંત ઓછો છે. આ ઉપરાંત તેમના ભથ્થા પણ ઓછા છે એટલા માટે તેમનું રીતસરનું શોષણ થઈ રહ્યું છે. આ પછી કેજરીવાલે સંબોધન કરતાં કહ્યું કે અત્યારે ગુજરાત પોલીસનો પગાર દેશના અન્ય રાજ્યોની તુલનાએ અત્યંત ઓછો છે એટલા માટે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ પોલીસના ગ્રેડ-પેમાં વધારો કરશે.

તેમણે એવું વચન પણ આપ્યું કે દેશના જે રાજ્યની પોલીસને સૌથી વધુ પગાર મળતો હશે તે રાજ્ય પ્રમાણે જ ગુજરાતમાં જવાનોને પગાર ચૂકવવામાં આવશે. આ સંબોધન સાંભળીને પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને અનેક જવાનોએ આ વચન સાંભળ્યા બાદ કેજરીવાલ સંબોધન કરતાં હોય તેવો વીડિયો પોતાના વોટસએપ, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરના સ્ટેટસમાં અપલોડ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આશ્ર્ચર્યજનક રીતે અમુક જવાનોએ આ અંગેનો વીડિયો અપલોડ કર્યાની થોડી જ વારમાં ડિલિટ પણ કરી નાખતાં અનેક તર્ક-વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement