કોણ કહે છે ચોમાસામાં ડામર ન થાય? મુખ્યમંત્રી આવે તો બધુ થાય!

11 August 2022 03:59 PM
Rajkot
  • કોણ કહે છે ચોમાસામાં ડામર ન થાય? મુખ્યમંત્રી આવે તો બધુ થાય!
  • કોણ કહે છે ચોમાસામાં ડામર ન થાય? મુખ્યમંત્રી આવે તો બધુ થાય!
  • કોણ કહે છે ચોમાસામાં ડામર ન થાય? મુખ્યમંત્રી આવે તો બધુ થાય!
  • કોણ કહે છે ચોમાસામાં ડામર ન થાય? મુખ્યમંત્રી આવે તો બધુ થાય!

તિરંગા યાત્રાના રૂટ પર નવા રોડ કરતા પણ ટકાટક પેચવર્ક થયા : ખાડા ગાયબ : VIP રૂટ પર કામ થાય તો શહેરના અન્ય માર્ગો પર કેમ નહીં? ડિવાઇડર પણ તોડાયું

રાજકોટ, તા. 11
રાજકોટમાં આવતીકાલ શુક્રવારે ગૌરવભરી અને વિશાળ તિરંગા યાત્રા યોજાવાની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આ તિરંગા યાત્રાની આગેવાની લેવાના છે ત્યારે આ રૂટ પર મ્યુનિ. કોર્પોરેશને જે રીતે રોડ રીપેરીંગ, ખાડા બુરવા, સફાઇ સહિતની કામગીરી કરી છે તે જોતા ચોમાસામાં રસ્તા રીપેર ન થઇ શકે એ વાત માનવામાં આવતી નથી.

બુધવારે રેસકોર્ષ સહિતના ચોકમાં ભાંગેલા રોડ પર એ રીતનું ડામરનું પાકુ પેચવર્ક કરવામાં આવ્યું કે જાણે કોઇ નવા રોડનું નિર્માણ થયું હોય. આથી અહીંથી પસાર થતા લોકો ચોમાસામાં મુખ્યમંત્રી જેવા મહાનુભાવોની હાજરીમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમ થવા જોઇએ તેવી ટીપ્પણી કરતા હતા.

આવતીકાલે બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી તિરંગા યાત્રા નીકળવાની છે. ડો. યાજ્ઞિક રોડથી સળંગ આ તિરંગા યાત્રા પસાર થશે. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, સામાજીક આગેવાનો સહિત એકાદ લાખ લોકોને જોડવા કલેકટર અને મનપા તંત્ર તથા શાસક પક્ષ પ્રયાસોમાં છે. હવે આ રૂટ પર સરકાર ખુદ રાષ્ટ્ર ધ્વજ લઇને પગપાળા પસાર થવાની હોય, ડામર રોડ અને સફાઇ સહિતની કોઇ વ્યવસ્થામાં કચાશ ન રહે તેના પર તંત્રએ પહેલુ ધ્યાન આપ્યું છે.

આ વર્ષના વરસાદે પણ રાજકોટમાં ડામર રોડના ભૂકકા કાઢયા છે. આમ તો કાગળ પર પૂર્વ ઝોનના કોઠારીયા રોડ પર સૌથી વધુ નુકસાની થઇ છે. પરંતુ ખાડા વગરનો તો એકેય રોડ બચ્યો નથી. રાજમાર્ગો ઉપર પણ ઠેર ઠેર ગાબડા પડેલા છે. ચાલુ વરસાદમાં મારવામાં આવેલા થીગડા ટકતા નથી. આથી ચોમાસા બાદ જ રસ્તાની હાલત પૂર્વવત થશે તેવું તંત્ર કહે છે. ડામર અને પાણીનો કોઇ મેળ ન હોય, થીગડા મારવામાં આવે તો પણ તુટતા રહેેશે તેવું અધિકારીઓ કહે છે. જુદા જુદા બ્રીજની સાઇટથી માંડી અનેક રાજમાર્ગો પર આવી અવદશા છે. વાહન ચાલકો ત્રાસી ગયા છે. સરકારી ગાડીઓમાં ફરતા ચૂંટાયેલા લોકો, અધિકારીઓ સિવાય ટુ વ્હીલરમાં ફરતા લોકો સૌથી વધુ યાતના ભોગવી રહ્યા છે.

હવે કાલે બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધીના રૂટ પર જાણે બંદોબસ્તમાં રહીને રસ્તા રીપેરથી માંડી સફાઇની કામગીરી અધિકારીઓ કરતા હોય તેવું લાગે છે. જિલ્લા પંચાયત ચોક ફરતે તો રોડ પર એવા ખાડા પડયા હતા કે પેવિંગ બ્લોક અને પથ્થરો પણ નાખવા પડયા હતા. ઘણી વખત મોરમ ધોવાઇ જતા મેટલ બહાર આવીને પડી છે. વાહનોને પણ ઝાટકા લાગે તે રીતે ખાડા કામ કરે છે. બિમાર લોકોને તો અજાણતા ખાડો પસાર કરવો પડે તો ભય અનુભવે છે. તેવામાં મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે આ તમામ ખાડા ગાયબ થઇ ગયા છે. રેસકોર્ષ ચોકમાં તો એટલા પાકા અને ગુણવત્તાવાળા થીગડા મારવામાં આવ્યા છે કે જાણે નવો રોડ બન્યો હોય તેવું વાહન ચાલકો અનુભવે છે.

આ ચોકથી આગળ ઇમ્પીરીયલ પેલેસ હોટલ પર પણ ખાડામાં પાકા પેચવર્ક કરી નાખવામાં આવ્યા છે. પ્લાન્ટમાંથી ઉસેડીને ડામર બહાર કાઢવામાં આવ્યો છે અને આ રૂટ પર પાથરવામાં આવ્યો છે. માલવિયા ચોક સુધી આવી ટકાટક કામગીરી કરવામાં આવી છે. વૃક્ષોના ટ્રીમીંગ કરાયા છે. યાજ્ઞિક રોડથી રાષ્ટ્રીય શાળા તરફ વળતા માર્ગનું ડિવાઇડર તોડીને રસ્તો ખુલ્લો કરાયો છે.

ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલી રાષ્ટ્રીય શાળામાં સઘન સફાઇ કામગીરી કરવામાં આવી છે. આવતીકાલ સવાર સુધી રોડ પર દવા છંટકાવ, સાફ સફાઇ સહિતની કામગીરી સતત ચાલુ રહેશે તેવું મનપા સુત્રોએ જણાવ્યું હતું.

શહેરના રેસકોર્ષથી માંડી ડો. યાજ્ઞિક રોડ પર છેલ્લા 24 કલાકમાં જાણે ચમત્કાર સર્જાયો છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં કાલે આ રૂટ પરથી તિરંગા યાત્રા નીકળવાની હોય, વરસાદમાં ધોવાયેલા ડામર એકાએક સજીવન થઇ ગયા છે. જયાં ખાડા હતા ત્યાં ચકચકાટ પેવર થઇ ગયા છે. આ રૂટ પર ડિવાઇડર ખોલવા અને સફાઇ સહિતની સઘન કામગીરી ચાલી રહી છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)


Related News

Loading...
Advertisement
Advertisement