એક માસમાં કોરોનાના 974 કેસ : ટેસ્ટીંગ એકાએક ઘટયું!

11 August 2022 04:47 PM
Rajkot
  • એક માસમાં કોરોનાના 974 કેસ : ટેસ્ટીંગ એકાએક ઘટયું!

કોરોના ઘરે આવતો નથી, લાવવામાં આવે છે : લોકોએ જ સજાગ રહેવું પડશે : રાજકોટમાં 30 દિવસમાં ખતરનાક વાયરસે ફરી તહેવારો પર લોકોને ધુ્રજાવ્યા: 307 દર્દી સારવારમાં : ડેંગ્યુ, સ્વાઇન ફલુ, વાયરલ રોગચાળાનો પણ ભય

રાજકોટ, તા. 11 : રાજકોટ શહેરમાં તહેવારના દિવસો પૂર્વે જ ફરી કોરોનાએ માથુ ઉંચકતા તહેવારના દિવસોમાં ફરી ચિંતા વધી છે. શ્રાવણ માસ, લોકમેળો, સ્વાતંત્ર પર્વના કાર્યક્રમો ઉપર જ કેસમાં વધારો થતા છેલ્લા એક મહિનામાં 974 કેસ નોંધાઇ ગયા છે. આ સામે ઓછામાં ઓછું હોસ્પિટલાઇઝેશન અને ઘરે જ દર્દીઓ સ્વસ્થ થવાથી સામે રાહત પણ છે. પરંતુ એ સિવાય સિઝનલ રોગચાળા અને હવે જામનારી ભીડ વચ્ચે લોકોએ જ સતર્ક રહેવું પડે તેમ છે. કારણ કે સરકાર દ્વારા માસ્ક સહિતના તમામ નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે.

આ દરમ્યાન છેલ્લા બે ત્રણ દિવસથી સરેરાશ કરતા કોરોનાના કેસ થોડા ઘટી રહ્યા છે. તે સામે ટેસ્ટીંગની સંખ્યા પણ ઘટીને ત્રણ આંકડામાં આવી ગઇ હોય, ઓછા ટેસ્ટીંગના કારણે તો ટેસ્ટ ઘટતા નથી ને તેવો પ્રશ્ન જાગૃત લોકોમાં ઉઠી રહ્યો છે. વધુમાં આ વખતે લગભગ ખુબ હળવી અસરવાળા વાયરસ હેઠળ પણ 307 દર્દી સારવારમાં છે. તો ઓગષ્ટમાં બે વૃધ્ધાના જીવ પણ (અન્ય બિમારી સહિત) ગયા હતા તે નોંધનીય છે. જુલાઇ માસથી રાજકોટમાં જાણે કોરોનાની નવી લહેર શરૂ થઇ ગઇ હોય તેવી સ્થિતિ હતી. એકાએક કેસમાં ઉછાળો આવતા લોકો ધ્રુજયા હતા. પરંતુ દર્દીઓને દાખલ કરવા પડે તેવી સ્થિતિ બહુ આવી નથી. એક દિવસ તો 24 કલાકમાં 84 કેસ નોંધાઇ ગયા હતા. 40 ઉપર તો ઘણા દિવસ કેસ નોંધાતા રહ્યા છે. તા. 8 જુલાઇથી તા. 10 ઓગષ્ટ સુધીમાં કોરોનાના 975 જેટલા કેસ નોંધાઇ ગયા છે.

આ સામે દર્દીઓ સ્વસ્થ પણ થતા જાય છે. ગઇકાલે માત્ર 26 કેસ સામે 84 દર્દી સ્વસ્થ બન્યા હતા. રાજકોટમાં કોરોના કેસની એરીયા વાઇઝ પેટર્ન પણ જુની છે. બુધવારે પણ સૌથી વધુ કેસ વોર્ડ નં.8માં 7 નોંધાયા હતા. મવડીના વોર્ડ નં.11માં 5 દર્દી અને રેલનગરના વોર્ડ નં.3માં 4 કેસ આવ્યા હતા. પશ્ચીમ ઝોનમાં દર્દીઓની સંખ્યા વધુ દેખાઇ રહી છે. પોશ એરીયામાં અને લકઝરીયસ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં પણ દર્દીઓના નિદાન થતા રહે છે. જોકે જાગૃતિ, વાયરસની હળવી અસર અને દવા સહિતની તકેદારીના કારણે દર્દીઓને બહુ અસર થતી નથી. વળી મોટા ભાગના દર્દીઓએ ઓછામાં ઓછા બે બે વેકસીન ડોઝ લીધા હોય તેનાથી પણ રક્ષણ મળી રહ્યાનું આરોગ્ય વિભાગ કહે છે. બુધવારે 20 વર્ષના યુવાનથી માંડી 70 વર્ષના વૃધ્ધ, સ્ત્રી પુરૂષોને કોરોના વળગ્યાનું જાહેર થયું હતું.

બુધવારે નવા 26 કોરોના કેસ સામે 84 ડિસ્ચાર્જ
પોલીસ કવાર્ટર સહિતના વિસ્તારોમાં નવા દર્દી નોંધાયા
રાજકોટ, તા.11 : રાજકોટ શહેરમાં ગઇકાલે ફરી કોરોના ટેસ્ટીંગ અને પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો દેખાયો હતો! બુધવારે મનપા અને ખાનગી લેબમાં કુલ મળીને માત્ર 855 ટેસ્ટ કરવામાં આવતા 2.70 ટકા એટલે કે 26 રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જે સામે 84 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

આ સાથે રાજકોટમાં કુલ દર્દીઓનો આંકડો 64954, કુલ ડિસ્ચાર્જ 64146 પર પહોંચ્યો છે. રીકવરી રેટ 98.66 ટકા પર અને એકટીવ કેસની સંખ્યા 307 થઇ છે. ગઇકાલે શહેરમાં એસઆરપી કેમ્પ, પોલીસ કવાર્ટર, આકાશવાણી કવાર્ટર, માધવ વાટિકા, વૈકુંઠધામ, આસ્થા રેસિડેન્સી, સુંદરમ ફ્લેટ, મુરલીધર - 1, વસંત કુંજ, જીવરાજ પાર્ક, ક્રિસ્ટલ મોલ નજીક, સવંત સંગીત, પ્રયાગ સોસાયટી, રેલનગર, શ્રોફ રોડ, મનહર પ્લોટ, ગીત ગુંજન સોસાયટી, બાબરીયા કોલોની, રણછોડનગર અને પેડક રોડ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement