2024 માટે પણ વડાપ્રધાન પદે મોદી : એનડીએની બેઠકો ઘટશે

12 August 2022 11:02 AM
Politics Top News
  • 2024 માટે પણ વડાપ્રધાન પદે મોદી : એનડીએની બેઠકો ઘટશે

► ભાજપ કે વિપક્ષ : નરેન્દ્ર મોદી સાથે સ્પર્ધા કરી શકે તેવા એકપણ નેતા રાષ્ટ્રીય કક્ષાએ નથી

નવી દિલ્હી,તા. 12
દેશમાં આગામી સમયનું રાજકારણ 2024ની ચૂંટણી માટે નિર્ણાયક બની શકે છે અને ફરી વખત દેશના લોકો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરે છે. ઇન્ડીયા ટુ ડે તથા સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 53 ટકા મતો સાથે દેશના સૌથી લોકપ્રિય નેતા છે.

► ઇન્ડીયા ટુ ડે-સી વોટરનો સર્વે કહે છે દેશના 54 ટકા લોકો વડાપ્રધાનપદ માટે મોદીને જ પસંદ કરશે : રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ હજુ ઘણા દૂર

જ્યારે હાલમાં જ બિહારમાં એનડીએથી અલગ પડીને 2024 માટે પડકાર સર્જવાની તૈયારી કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને માટે હજુ કોઇ ફેવરિટ વાતાવરણ બન્યું નહીં હોવાનો આ સર્વેમાં સંકેત મળી ગયો છે અને ખાસ કરીને વિપક્ષમાં એક પણ એવો નેતા નથી કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી ટક્કર આપી શકે. આ સર્વેમાં જણાવાયા મુજબ વડાપ્રધાનની રેસમાં નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરે રાહુલ ગાંધી છે પરંતુ તેમના અને મોદીનાં મતો વચ્ચે મોટુ અંતર છે અને ફક્ત 9 ટકા લોકો વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીને જોવા માગે છે

► સરકારમાં નંબર-ટુ ગણાતા અમિત શાહને ફક્ત 3 ટકા લોકો દેશના વડાપ્રધાન તરીકે જોવા માગે છે : પીએમ પદ માટે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાંચ ટકા લોકોની પસંદ

જ્યારે ગુજરાત સહિતનાં રાજ્યોમાં પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહેલ દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આ સ્પર્ધામાં ત્રીજા નંબરે છે અને તેમને છ ટકા લોકો દેશના નવા સુકાની તરીકે જોવા માગે છે. રસપ્રદ બાબત એ છે કે આ સર્વેમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની સાથે ટોપ-4માં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પણ છે

► આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ બેઠકો ઘટીને પાતળી બહુમતીની નજીક આવી જશે : વિપક્ષની તાકાતમાં વધારો થશે :

પણ હાલ તેમને 5 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવાનું પસંદ કરે છે જ્યારે સરકારમાં નંબર ટુ ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સ્પર્ધામાં 3 ટકા મત સાથે પાંચમાં નંબરે છે. દેશમાં ફરી એક વખત લોકસભા ચૂંટણીમાં એનડીએની સરકાર જ બનશે તેવો આ સર્વેમાંથી સંકેત મળ્યો છે. જો કે એનડીએની લોકસભામાં બેઠકો ઘટી શકે છે. હાલ એનડીએ પાસે 303 બેઠકો છે પરંતુ 2024માં તે ઘટીને 286 થઇ શકે છે. જ્યારે યુપીએ એટલે કોંગ્રેસ નેતૃત્વના મોરચાને 146 અને અન્ય પાસે 11 બેઠકો હશે.

દેશના લોકો માટે મોંઘવારી અને બેરોજગારી સરકારની સૌથી મોટી નિષ્ફળતા
33 ટકા લોકોએ કહ્યું મોંઘવારી મુદ્દે મોદી સરકાર નિષ્ફળ ગઇ છે, 26 ટકા લોકોએ બેરોજગારી મુદ્દે અસંતોષ દર્શાવ્યો અને કુલ 56 ટકા લોકોએ બેરોજગારીને સૌથી સમસ્યા ગણાવી
નવી દિલ્હી,તા.12 : કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિકાસની રાજનીતિ છેડવામાં આવી છે પરંતુ ઇન્ડીયા ટુડે, સી-વોટરના સર્વેમાં 1.22 લાખથી વધુ લોકોને મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા પર પ્રશ્ન પુછવામાં આવ્યો હતો અને તેમાં 33 ટકા લોકોએ મોંઘવારીને સૌથી મોટી નિષ્ફળતા માની હતી અને 26 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી સમસ્યા માની હતી.

7 ટકા લોકોએ ગરીબી, 6 ટકા લોકોએ ભ્રષ્ટાચારને સૌથી મોટી સમસ્યા માની છે તો 3 ટકા લોકોના મતે ધાર્મિક ટકરાવ એ સૌથી મોટી સમસ્યા છે. લોકોએ આ રીતે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે મોદી સરકારની નિષ્ફળતા બતાવી છે. એકંદરે 56 ટકા લોકોએ દેશમાં બેરોજગારીને સૌથી ગંભીર સમસ્યા દર્શાવી છે. પણ 17 ટકા લોકો માને છે તે સમસ્યા છે પણ બહુ ગંભીર નથી જ્યારે 9 ટકા લોકો સરકારની કામગીરીથી સંતુષ્ટ છે અને 18 ટકા લોકોએ પોતાનું કોઇ મંતવ્ય આપવાનું નકારી કાઢ્યું હતું.


આજે ચૂંટણી થાય તો કોને કેટલી બેઠક ! :નિતીશ ફેક્ટરની અસર પડશે
10 દિવસમાં થયેલા બે સર્વેમાં એનડીએની 21 બેઠકો ઘટી
આ સર્વેમાં લોકસભાની 543 બેઠકોમાંથી જો આજે ચૂંટણી થાય તો એનડીએને 286 બેઠકો મળી શકે છે. યુપીએને 146 બેઠકો અને અન્યને 111 બેઠકો મળશે. આમ આજે ચૂંટણીથાય તો ફરી એક વખત ઓછી બેઠકો સાથે સત્તા પર આવશે. એનડીએને 41.4 ટકા, યુપીએને 28.1 ટકા અને અન્યને 30.6 ટકા મતો મળશે.

આ સર્વેમાં રસપ્રદ બાબત એ છે કે 10 દિવસમાં યુપીએની બેઠકો 21 વધી ગઇ છે. ખાસ કરીને બિહારની રાજનીતિમાં જે ફેરફાર થયો તેની અસર જોવા મળી રહી છે. 1 ઓગસ્ટનાં થયેલા સર્વેમાં એનડીએને 307 બેઠકો,યુપીએને 125 બેઠકો અને અન્યને 111 બેઠકોનું અનુમાન હતું પરંતુ હવે બિહારમાં સતાપલ્ટો થયા બાદ નિતીશકુમાર એનડીએમાંથી બહાર આવી ગયા છે અને તેના કારણે એનડીએને 21 બેઠકો ઓછી મળશે. આમ નિતીશકુમાર ફેક્ટર આગામી ચૂંટણીમાં ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે.


મોદી સરકારના શ્રેષ્ઠ મંત્રીઓમાં નિતીન ગડકરી ટોચ પર, અમિત શાહ ત્રીજા ક્રમે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ટોપ-5 મંત્રીઓમાં વાહન વ્યવહાર અને હાઈવે મંત્રી શ્રી નિતીન ગડકરી પ્રથમ ક્રમે છે. તેમના કામને આ સર્વેમાં ભાગ લેનાર લોકોએ સૌથી શ્રેષ્ઠ માન્યા હતા અને તેમને 22 ટકા લોકોએ પસંદ કર્યા છે. બીજા નંબરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવે છે જેમને 20 ટકા મતો મળ્યા હતા. રાજનાથસિંહે દેશના સૈન્યને શ્રેષ્ઠ બનાવવા માટે જે કામગીરી કરી છે તે કારણે લોકો તેમને પસંદ કરી રહ્યા છે.

જ્યારે સરકારમાં નંબર ટુ ગણાતા અમિત શાહ લોકોની પસંદગીમાં નંબર ત્રણ પર આવે છે. તેમની કામગીરીને 17 ટકા લોકો મંજુરીની મહોર મારી છે. ખાસ કરીને દેશના ગૃહમંત્રી અને સરકારનાં સૌથી સક્રિય મંત્રી તરીકે તેઓએ કાશ્મીરમાં કલમ 370ની નાબુદી સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોનું પાયલોટીંગ કર્યું હતું. તેમજ ભાજપમાં તેઓ ચૂંટણી ચાણક્ય ગણાય છે. જ્યારે ચોથા નંબરે વિદેશમંત્રી એસ. જયશંકર આવે છે જે પાંચ ટકા લોકોની પસંદગી સાથે આ ક્રમ ધરાવે છે. પાંચમાં નંબરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની આવે છે. જેઓને હાલ લઘુમતી બાબતોના મંત્રાલયની કામગીરી પણ સોંપવામાં આવી છે.

મોદી દેશના સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન : નહેરુ ફક્ત પાંચ ટકા લોકોની પસંદ
આજતક-સિ-વોટરના સર્વેમાં દેશના પાંચ વડાપ્રધાનોમાં કોણ શ્રેષ્ઠ તે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો જેમાં વર્તમાન વડાપ્રધાન દેશના સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન પુરવાર થયા છે. 44 ટકા લોકોએ મોદીને સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા હતા જ્યારે અટલ બિહારી વાજપાઈને 17 ટકા, ઇન્દીરા ગાંધીને 13 ટકા, મનમોહનસિંહને 8 ટકા સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા હતાં અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ફક્ત પાંચ ટકા લોકોએ મંજૂરીની મહોર મારી છે.


અરવિંદ કેજરીવાલ વિપક્ષના સૌથી શ્રેષ્ઠ નેતા
દેશમાં 2024ની ચૂંટણીમાં વિપક્ષનો ચહેરો કોણ હશે તે પ્રશ્ન છે અને નિતીશકુમારથી લઇ મમતા બેનરજી તથા અરવિંદ કેજરીવાલ તમામ સ્પર્ધામાં છે તે વચ્ચે આજતક- સી વોટરના સર્વેમાં અરવિંદ કેજરીવાલ વિપક્ષના સૌથી શ્રેષ્ઠ નેતા તરીકે 27 ટકા લોકોએ પસંદ કર્યા હતા જ્યારે મમતા બેનરજીને 20 ટકા લોકોએ, રાહુલ ગાંધીને 13 ટકા, નવીન પટનાયકને 5 ટકા અને શરદ પવારને 4 ટકા લોકોએ પસંદ કર્યા છે.


મોદીના ઉતરાધિકારી કોણ ? અમિત શાહ અને યોગી વચ્ચે ટક્કર
દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 2024માં પણ લોકોની પસંદ છે પરંતુ હાલમાં જ આજતકના સર્વેમાં જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભાજપમાં વડાપ્રધાન પદ માટે અમિત શાહ અને યોગી આદીત્યનાથ વચ્ચે ટક્કર હશે. 25 ટકા લોકોએ અમિત શાહ, 24 ટકા લોકોએ યોગી આદીત્યનાથ, 19 ટકા લોકોએ નિતીન ગડકરીને દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.


સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ : અરવિંદ કેજરીવાલ બીજા ક્રમે
આજતક-ઇન્ડીયા ટુડેના સર્વેમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે સ્થાન અપાયું છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નંબર-ટુનું સ્થાન અપાયું છે. યોગી આદીત્યનાથને 40 ટકા લોકોએ અને અરવિંદ કેજરીવાલને 22 ટકા લોકોએ પસંદ કર્યા હતા. આ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને 9 ટકા, તામીલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનને 5 ટકા લોકોએ જ્યારે આંધપ્રદેશના મુખ્યમંત્રી વાયએસઆર જગમોહન અને ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકને 4-4 ટકા લોકોએ પસંદ કર્યા છે.

સરકાર ઇડી-સીબીઆઈ-આવકવેરાનો દુરુપયોગ કરે છે ?
આ સર્વેમાં એક પ્રશ્ન પુછાયો હતો કે સરકાર ઇડી-સીબીઆઈ-આવકવેરાનો ખોટો ગેરઉપયોગ કરે છે તો 38 ટકા લોકોએ તેમાં સંમતિ બતાવી હતી જ્યારે 41 ટકા લોકોએ ના માં જવાબ આપ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement