રાજકોટમાં રાષ્ટ્રભક્તિનો જનસૈલાબ : વિરાટ તિરંગાયાત્રા

12 August 2022 11:17 AM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટમાં રાષ્ટ્રભક્તિનો જનસૈલાબ : વિરાટ તિરંગાયાત્રા

► ભારત માતા કી જય, વંદેમાતરમ જેવા ગગનચુંબી નારાઓની ગૂંજ

રાજકોટ,તા. 12 : આઝાદી કા અમૃત મહોત્સવ-હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારના સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાયેલ વિરાટ તિરંગા યાત્રામાં એક લાખની જનમેદની ઉમટી પડતાં રાષ્ટ્રભક્તિનો જબરો માહોલ રચાવાની સાથે જનસૈલાબ ઘૂઘવાયો હતો. શહેરના બહુમાળી ભવન ખાતે લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ ફલેગઓફ આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. બે કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ જોડાયા હતા.

► મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં બે કિલોમીટર લાંબી યાત્રા

તિરંગા યાત્રામાં મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદો, ધારાસભ્યો,કોર્પોરેટરો, શહેર ભાજપના હોદેદારો, શાળા-કોલેજોના વિદ્યાર્થી-વિદ્યાર્થીની, ઔદ્યોગિક એસોસિએશનો, ચેમ્બર ઓફ કોમર્સ, જીઆઈડીસી એસોસિએશન તેમજ સેવાકીય અને ધાર્મિક સંગઠનોનાં પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. યાત્રામાં ભારત માતા કી જય અને વંદેમાતરમના ગગનચુંબી નારાઓથી ગુંજી ઉઠી હતી. સરકારી કર્મચારીઓ અધિકારીઓ સહિતના પદયાત્રિકો આ યાત્રામાં દેશદાઝ અને જમણા હાથમાં તિરંગો પકડી સામેલ થયા હતા.

► સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્કુલના બાળકો, કોલેજોના વિદ્યાર્થીઓ સહિત જનસમૂહ ઉમટ્યો

બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધીની બે કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ દળના જવાનો સામેલ થયા હતા. આ ઉપરાંત પોલીસ બેન્ડે ચાર ચાંદ લગાવી હતી. યાત્રા પૂર્વે બહુમાળી ભવન ચોક ખાતે ખાસ ઉભા કરાયેલા સ્ટેજ પરથી સવારનાં 8 થી 9 કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ હતાં. યાત્રાના રુટ પર જિલ્લા પંચાયત ચોક, રામકૃષ્ણ આશ્રમ, માલવિયા ચોક સહિતનાં સ્થળો પર ખાસ સ્ટેજ ઉભા કરી દેશભક્તિને ઉજાગર કરવા માટે વિવિધ ફલોટ રજૂ કરવામાં આવેલ હતાં.

► સવારે 8 વાગ્યાથી અદ્દભૂત માહોલ : હાથમાં તિરંગા સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત : ચુસ્ત બંદોબસ્ત

યાત્રા દરમિયાન દેશભક્તિ ગીતોના સૂરોની ગુંજ છવાયેલી રહી હતી. તેમજ શહીદોને નમન સાથે શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આગામી તા. 13 થી 15 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન આયોજીત કરવામાં આવેલ છે જેના ભાગરુપે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે સવારના યોજાયેલ આ તિરંગા યાત્રા ભવ્ય બની રહી હતી. યાત્રા દરમિયાન સજ્જડ સુરક્ષા-વ્યવસ્થા પોલીસ દ્વારા જાળવવામાં આવી હતી તેની સાથોસાથ જાહેરનામાનાનો પણ ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement