એશિયા કપમાં ‘પ્લેઇંગ ઇલેવન’ નકકી કરવા મંથન : સંતુલન હશે

12 August 2022 11:50 AM
Sports
  • એશિયા કપમાં ‘પ્લેઇંગ ઇલેવન’ નકકી કરવા મંથન : સંતુલન હશે

વર્લ્ડકપને ધ્યાને રાખીને જ ‘11’ ખેલાડીઓ ‘લોક’ થશે : રોહિત સાથે ઓપનીંગમાં કોણ ? વન-ડાઉન કોહલી કે અન્ય કોઇ ? સહિતના ગેપ પુરવા મેનેજમેન્ટની મથામણ

નવી દિલ્હી, તા.12 : માસાંતે શરૂ થનારા એશિયા કપમાં રમનારી ભારતીય ટીમ પર દરેકની ખાસ નજર છે. કારણ કે કદાચ આ જ ટીમ આગામી ટી-20 વર્લ્ડકપમાં પણ રમશે. જસપ્રિત બુમરાહ, તથા હર્ષલ પટેલ ઇજાગ્રસ્ત હોવાને કારણે એશિયા કપમાં નથી પરંતુ પછી તેઓનો ટીમમાં સમાવેશ નિશ્ચીત છે. આ રીતે 11ની પ્લેઇંગ ઇલેવનમાં 9 ખેલાડીઓનું સ્થાન પાકુ થઇ જશે.

રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, ચહલ, બુમરાહ તથા ભુવનેશ્વરના નામો ફાઇનલ છે. બે જગ્યા ખાલી રહે છે. જે બ્રેકઅપરૂપે રહેશે જરૂર પડયે ઓપનીંગ, મીડલ ઓર્ડરમાં બેટીંગ કે બોલીંગ પણ કરી શકે. એશિયા કપમાં રોહિત શર્મા સાથે ઓપનીંગમાં કોને મોકલાશે તે સૌથી મોટો સવાલ છે. હાલ તૂર્ત તો કે.એલ.રાહુલનું જ નામ આવી રહ્યું છે. ગત વર્લ્ડકપમાં તેને જ ઓપનીંગમાં જ મોકલાયો હતો. પરંતુ ત્યારબાદ ઓપનર તરીકે માત્ર બે મેચ રમી શકયો છે. છેલ્લે નવેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો હતો. એટલે એશિયા કપમાં તેના પર માનસિક દબાણ રહી શકે છે.

રાહુલની ગેરહાજરીમાં ઓછામાં ઓછા છ ખેલાડીઓનો ઓપનર તરીકે પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાં ઇશાન કિશન, દિપક હુડા, સંજુ સેમસન, સુર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર તથા વિરાટ કોહલી સામેલ છે. નૈસર્ગિક ઓપનર તરીકે ઇશાન કિશન જ ઉભર્યો હતો પરંતુ હાલ તેનું નામ ટોચ પર નથી. મીડલ ઓર્ડર ખેલાડીઓ ક્રમ વિશે પણ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. નંબર-3 અર્થાત વનડાઉનમાં વિરાટ કોહલીના નામ વિશે કોઇ બેમત નથી. ભલે કેટલાક વખતથી એકધારૂ ફોર્મ દેખાતુ નથી પરંતુ તેના વિના છુટકો પણ નથી. ટીમ મેનેજમેન્ટો પણ અગાઉથી જ રૂખ સાફ કરી દીધુ છે.

ચાલુ વર્ષે કોહલી ચાર ટી-20 મેચ રમ્યો છે ને પૈકી ત્રણમાં આક્રમક માલુમ પડયો હતો જયારે એક મેચમાં સ્પીનર સામે ઝઝુમતો હોવાનું માલુમ પડયુ હતું. એશિયા કપ સંયુકત આરબ અમીરાતમાં રમવાનો છે. રશિદખાન, હસરંગા તથા શાદાબખાન જેવા બોલરો કોહલીને પરેશાન કરી શકે છે. બહાર જતા બોલ ઉપરાંત સ્પીન બોલીંગમાં પણ તેણે ભૂલ રોકવી પડશે. વર્લ્ડકપ પૂર્વે કોહલીને માટે આ મહત્વની તક હશે. મીડલ ઓર્ડરોમાં શ્રેયસ ઐયરનું ફોર્મ પણ ડામાડોળ છે જયારે દિપક હુડાએ જબરદસ્ત પ્રદર્શન કરીને દાવો પેશ કરી દીધો છે. તેણે છેલ્લા ચાર મેચમાં 166ની સ્ટાઇક રેટથી 196 રન બનાવ્યા છે. હુડા માટે એશિયા કપ મોટી તક બનશે.

દિનેશ કાર્તિકનું શું ?
કે.એલ.રાહુલ તથા વિરાટ કોહલીની વાપસીની સૌથી વધુ અસર કયા ખેલાડી પર પડશે ? દેખીતી રીતે દિનેશ કાર્તિકનું જ નામ આવે છે. ડેથ ઓવરમાં ‘ફીનીશર’ તરીકે અનેક મેચમાં સ્ફોટક દેખાવ કર્યો છે. જોકે આઇપીએલનું આ ફોર્મ આંતરરાષ્ટ્રીય મેચોમાં જાળવી શકયો નહોત. છેલ્લા 13 મેચમાં 173ની સ્ટાઇક રેટની ર1.33ની એવરેજથી રન બનાવ્યા હતા. ભલે સાતમા ક્રમે બેટીંગ મળતી હોવાથી સેટ થયા વિના જ આક્રમક બેટીંગ કરવાની મજબુરી હોય છતાં પંત, જાડેજા તથા હાર્દિક પંડયાની સરખામણી કરવામાં આવે તો હાર્દિકનું સ્થાન ડગુમગુ થઇ શકે છે.

રીઝર્વ સ્પીનર કોણ ? અશ્વીન કે બિશ્નોઇ
એશિયા કપમાં પસંદગીકારોએ બે સ્પીનરો આર.અશ્વીન તથા રવિ બિશ્નોઇને સ્થાન આપ્યું છે. તેના પરથી એવો સંકેત ઉઠે છે કે પસંદગીકારોમાં હજુ સર્વસંમતિ નથી આ બંનેમાંથી રિઝર્વ સ્પીનર કોણ રહેશે તે સવાલ છે. અશ્વીન ગત વર્લ્ડકપ રમ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં વિન્ડીઝ શ્રેણીમાં સ્થાન મેળવ્યું હતું. આ દરમ્યાન માત્ર આઇપીએલ રહ્યો હતો તેમાં 17 મેચમાં 12 વિકેટ મેળવી હતી. જયારે બિશ્નોઇની ગુગલીથી બેટસમેનો સતત મુંઝવણમાં મુકાતા હતા. વિન્ડીઝ સામેની ટી 20 શ્રેણીમાં સૌથી વધુ વિકેટ બિશ્નોઇના નામે રહી હતી. અશ્ર્વિન માટે જમાપાસુ એ છે કે ઓસ્ટ્રેલિયા સામે તેને બહોળો અનુભવ છે. જયારે બિશ્નોઇ સખ્ત વિકેટો પર વધારાના બાઉન્સ શકે છે.

ત્રીજો ફાસ્ટબોલર કોણ ?
હર્ષલ પટેલ સંપૂર્ણ ફીટ હોય તો ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ર્ચિત રહેવાની સંભાવના છે. તેના વિકલ્પમાં ઓવેશખાન તથા અર્શદીપસિંહના નામો પર ચર્ચા છે. શમીના સ્થાને તેમની પસંદગી સૂચક છે હર્ષલના વિકલ્પમાં અર્શદીપસિંહનું પલ્લુ ભારે ગણાય છે. ચાલુ વર્ષમાં ડેથ ઓવરોમાં પણ તેની એવરેજ પ્રતિઓવર 7.ર0 રનની જ હતી જયારે આવેશખાનની એવરેજ 11 રનથી પણ વધુની છે. આ ઉપરાંત અર્શદીપની પોર્કરની ખુબી પણ પ્રભાવ પાડે છે. આવેશખાનનું પરફોર્મન્સ આઇપીએલ જેવું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement