આવતીકાલે ભાવનગરમાં ભવ્યાતિભવ્ય 'તિરંગા યાત્રા' : ૨૫,૦૦૦થી વધુ લોકો જોડાશે

12 August 2022 10:17 PM
Bhavnagar Saurashtra
  • આવતીકાલે ભાવનગરમાં ભવ્યાતિભવ્ય 'તિરંગા યાત્રા' :  ૨૫,૦૦૦થી વધુ લોકો જોડાશે

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના યાત્રા'માં સહભાગી થશે

વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર, તા.12
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અન્વયે ભાવનગરમાં પણ આવતીકાલે બપોરે ૪-૩૦ કલાકે ભવ્યાતિભવ્ય 'તિરંગા યાત્રા' યોજાવા જઈ રહી છે. આ 'તિરંગા યાત્રા'ને યાદગાર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો આ 'તિરંગા યાત્રા'માં સહભાગી થશે.

આ ઉપરાંત સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબાળા દાણીધારિયા સહિતના સ્થાનિક ધારાસભ્યઓ અને શહેરના ગણમાન્ય નાગરિકો પણ જોડાશે. આ તિરંગા યાત્રા એ.વી.(ધનેશ મહેતા) સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, હલુરીયા ચોક, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઘોઘા ગેટ, કાર ગેટ, મામા કોઠા, બાર્ટન લાઇબ્રેરી, હલુરીયા ચોકથી પરત એ.વી.સ્કૂલ પરત ફરશે. આ 'તિરંગા યાત્રા'માં અંદાજે ૨૫,૦૦૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાશે. આ યાત્રામાં ચાર જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરતાં સ્ટેજ પણ બનાવવામાં આવશે.

આ યાત્રામાં રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશન પોતાના ડ્રેસ કોડ સાથે જોડાશે. પોલીસ બેન્ડ, વિવિધ શાળાના બેન્ડ આ પ્રસંગે રાષ્ટ્રગીતોની સંગીતમય પ્રસ્તુતિ પણ રજૂ કરશે. આ યાત્રા ભાવનગરના ઇતિહાસની એક અદભુત અને અપ્રતિમ યાત્રા બની રહેવાની છે. રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રજૂ કરતી આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર યોગેશ નિરગુડેએ અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement