રક્ષાબંધન: રસપ્રદ વિષયનું ફીંડલું વાળી દેતી અધકચરી ફિલ્મ!

13 August 2022 10:39 AM
Entertainment India
  • રક્ષાબંધન: રસપ્રદ વિષયનું ફીંડલું વાળી દેતી અધકચરી ફિલ્મ!
  • રક્ષાબંધન: રસપ્રદ વિષયનું ફીંડલું વાળી દેતી અધકચરી ફિલ્મ!

અક્ષયકુમારને માથે પનોતી બેઠી હોય એવું લાગે છે. માંડ હજુ તો ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની નિષ્ફળતામાંથી બોલિવૂડ બહાર આવવા માટે મથી રહ્યું હતું, એવામાં ‘બોયકોટ્ટ રક્ષાબંધન’ અને ‘બોયકોટ્ટ લાલસિંહ ચઢ્ઢા’એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઊંઘ હરામ કરી નાંખી. રક્ષાબંધન ફિલ્મ માટે પ્રેક્ષકોમાં ઉત્સાહ હતો, પરંતુ તેની લેખિકા કનિકા ધિલ્લોનની વિવાદાસ્પદ ટિવ્ટ્સ લોકોના ધ્યાનમાં આવતાં આખી ફિલ્મ અડફેટે ચડી! તનુ વેડ્સ મનુ (ભાગ-1 અને 2), રાંઝણા, શુભ મંગલ સાવધાન, શુભ મંગલ ઝયાદા સાવધાન, હેપ્પી ભાગ જાયેગી વગેરે જેવી ફિલ્મોમાં ક્યારેક ડિરેક્ટર તો ક્યારેક પ્રોડ્યુસર રહેલાં આનંદ એલ. રાયનું નામ સફળ ફિલ્મો આપનારા ફિલ્મ-મેકર્સની યાદીમાં મૂકાય છે. આમ છતાં, આજ વખતે તમામ સિનેમેટિક સક્સેસને બાજુ પર મૂકીને બોક્સ-ઑફિસ ફક્ત લોકજુવાળ પર આધારિત જોવા મળી રહી છે!

ચાટની દુકાન ચલાવતાં લાલા કેદારનાથ (અક્ષયકુમાર)ને માથે પોતાની ચાર અપરિણિત બહેનોની જવાબદારી છે. તેની માતા મૃત્યુ પામતાં પહેલાં લાલા પાસેથી તેની બહેનોને પરણાવ્યા બાદ જ પોતે પરણશે, એવું વચન લઈ ચૂકી હતી. આથી 40 વર્ષનો થયો હોવા છતાં લાલાના લગ્ન થયા નથી. પરંતુ તેની પ્રેમિકા સપના (ભૂમિ પેડણેકર)ના અન્ય વ્યક્તિ સાથે લગ્નની વાત સામે આવતાં જ હવે લાલા કેદારનાથ પોતાની બહેનોને જલ્દીથી જલ્દી પરણાવીને સપના સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ નડી રહી છે દહેજની સમસ્યા! ચાર બહેનોના દહેજની લાખો રૂપિયાની રકમ આખરે લાવવી ક્યાંથી?

વિષય અત્યંત ચોટદાર. દહેજ-પ્રથા ઉપર બનનારી ફિલ્મોમાં ઠીકઠાક કહી શકાય, એવી એવરેજ વાર્તા! પરંતુ ફિલ્મના એક્ઝિક્યુશન સામે મોટો પ્રશ્ર્નાર્થ છે. ફક્ત 1 કલાક 50 મિનિટની ફિલ્મનો ફર્સ્ટ-હાફ તો હસી-મજાક અને વાર્તા ગોઠવવામાં પૂરો થઈ જાય છે. પરંતુ સેકન્ડ-હાફમાં વાર્તાને રાજધાની-એક્સપ્રેસની માફક ભગાવવામાં આવી છે. એમાં પણ આનંદ એલ. રાયની ફિલ્મમાં દર વખતે જોવા મળતી ફ્લેવર, આજ વખતે ‘રક્ષાબંધન’માંથી ગાયબ છે.

બીજી બાજુ, અક્ષયકુમારની અભિનય-ક્ષમતાને હવે કાટ ચડી ગયો છે. તે જાણે પોતાને અપડેટ કરવા જ ન માંગતો હોય એવી રીતે એક જ પ્રકારનું પુનરાવર્તન પામતું પર્ફોમન્સ આપ્યા રાખે છે. પ્રેક્ષકો હવે ખરેખર તેના એકસરખા એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ, ઑવરઑલ એક્ટિંગ જોઈને કંટાળ્યા છે. બીજી બાજુ, ભૂમિ પેડણેકર અને અક્ષયકુમારની બહેન બનેલી 4 અભિનેત્રીઓના ફાળે બહુ જ ઓછો સ્ક્રીન-ટાઇમ આવ્યો હોવાને લીધે ફિલ્મ મોનો-ટોનસ બની જાય છે. નીરજ સૂદ અને સીમા પાહવા જેવા કલાકારો વચ્ચે-વચ્ચે ફિલ્મને રસપ્રદ બનાવે છે. પરંતુ અક્ષયકુમારના લસ્ત પર્ફોમન્સને કારણે ફિલ્મમાં ખાસ કંઈ મજા આવતી નથી.

કેમ જોવી?: ઑટીટી પ્લેટફોર્મ પર તમામ શ્રેષ્ઠ વેબસીરિઝ અને ફિલ્મો જોઈ કાઢી હોય અને હવે જોવાલાયક બીજું કંઈ બચ્યું ન હોય તો!
કેમ ન જોવી?: અક્ષયકુમારની ઑવર-એક્ટિંગ અને જોકરવેડાથી કંટાળ્યા હો તો!

-: ક્લાયમેક્સ :-
ફિલ્મના લેખકો કનિકા ધિલ્લોન અને હિમાંશુ શર્માએ જે રીતે સ્ત્રીઓના વર્ણ, જાડાપણા અને એમના શારીરિક દેખાવ અંગે મજાક ઉડાવી છે, એ જોતાં આ ફિલ્મ પ્રેક્ષકોના હ્રદયમાં રાજ તો નહીં જ કરે, એટલું નક્કી છે.

સાંજસ્ટાર:
બે ચોકલેટ


Related News

Loading...
Advertisement
Advertisement