કચ્છમાં હજુ વિનાશક ભૂકંપની શક્યતા : બે ફોલ્ટલાઇન વધુ સક્રિય

13 August 2022 11:16 AM
kutch Gujarat
  • કચ્છમાં હજુ વિનાશક ભૂકંપની શક્યતા : બે ફોલ્ટલાઇન વધુ સક્રિય

હવેના ભૂકંપો વધુ વિનાશકારી અને લાંબા સમયથી આર્થિક અસરો સર્જનારા હશે : કચ્છ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ

રાજકોટ,તા. 13
ગુજરાત અને દેશ હજુ 2001નાં કચ્છના ભૂકંપને ભૂલ્યું નથી . જેણે વિનાશની પરાકાષ્ઠાને પણ વટાવી દીધી હતી. પરંતુ ભવિષ્યમાં કચ્છમાં 2001 કરતાં પણ વધુ તીવ્રતા ધરાવતો અને વધુ વિનાશ સર્જી શકતો ભૂકંપ આવી શકે છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે દર 50થી 100 વર્ષે 2001 કરતાં ત્રણ ગણો વધુ શક્તિશાળી ભૂકંપ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં આવી શકે છે.

કચ્છ યુનિવર્સિટીના આઠ વૈજ્ઞાનિકો દ્વારા લગભગ છ વર્ષ સુધી કરાયેલા અભ્યાસમાં એકતારણ કઢાયું છે કે હવેનાં આ ભૂકંપો એ માનવ જાનહાની ઉપરાંત અર્થતંત્ર પર લાંબી અસર સર્જનારા હશે.

કચ્છમાં કુલ પાંચ ફોલ્ટલાઇન સક્રિય છે. જેમાં ત્રણ એ સૌથી વધુ સક્રિય છે. દક્ષિણ વાગડ ફોલ્ટ લાઇન ઉપરાંત કચ્છની મેઇન લેન્ડ ફોલ્ટલાઇન અને એક અન્ય ફોલ્ટ લાઇન એ આગામી 50થી 100 વર્ષમાં કચ્છમાં વધુ વિનાશક ભૂકંપ સર્જશે. આ પ્રકારની ફોલ્ટલાઇન એ ભૂકંપ માટે કારણ બને છે અને 2001માં કચ્છમાં આ સ્થાનિક ફોલ્ટ લાઇન દ્વારા જ વિનાશક ભૂકંપનું સર્જન કરવામાં આવ્યું છે.

તેમાં સાઉથ વાગડ ફોલ્ટ લાઇન તથા અન્ય ફોલ્ટ લાઇનએ કચ્છના મધ્યમાંથી પસાર થાય છે. 2001ના ભૂકંપમાં અબજો રુપિયાની મિલકતોનો પણ નાશ થયો હતો પરંતુ હવેનો ભૂકંપ એ આસપાસના 200 થી 300 કિલોમીટરના વિસ્તારમાં અસર કરી શકે છે. આ અભ્યાસના આધારે ભવિષ્યના ભૂકંપ અંગે બાંધકામ સહિતનાં નિયમોમાં પણ ફેરફારની આવશ્યકતા દર્શાવવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ પણ નિશ્ચિત કર્યું છે કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન ભવિષ્યમાં એ પ્રકારના હોવા જોઇએ કે જેથી વિનાશક ભૂકંપ સમયે ઓછામાં ઓછી જાનહાની થાય. ખાસ કરીને બાંધકામના જે નિયમો છે તેનો વ્યાપકપણે ભંગ થાય છે અને તેના કારણે આ પ્રકારના ભૂકંપ સમયે વધુ વિનાશ સર્જાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement