વેરાવળ નજીક તોફાની દરિયામાં ફિશીંગ બોટ ફસાઇ

13 August 2022 11:18 AM
Veraval Gujarat
  • વેરાવળ નજીક તોફાની દરિયામાં ફિશીંગ બોટ ફસાઇ
  • વેરાવળ નજીક તોફાની દરિયામાં ફિશીંગ બોટ ફસાઇ

સાત ખલાસીઓને માછીમાર આગેવાનોએ કોઠાસૂઝથી બચાવી લીધા: જો કે તંત્ર ફરકયું નહી!

વેરાવળ તા.13
અરબી સમુદ્રમાં ભારે પવનની સાથે તોફાની મોજા ઉછળતા વેરાવળ નજીક એક બોટ ફસાઈ ગયેલ જેને માછીમાર આગેવાનોએ પોતાની કોઠા સુઝથી બોટમાં રહેલ સાત ખલાસીઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે કલાક સુધી દરીયામાં ઉછળતા તોફાની મોજા વચ્ચે દિલધડક રીતે ખલાસીઓને બચાવ્યા હતા. આવા બનાવ સમયે પણ તંત્ર સ્થળ ઉપર ફરક્યું ન હોવાનો વસવસો માછીમારો કરી રહ્યા હતા.

અરબી સમુદ્રમાં છેલ્લા બે દિવસથી ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયામાં ગયેલ એક ફિશીંગ બોટ વેરાવળ બંદરમાં પ્રવેશ કરી રહેલ એ સમયે દિશા સુચક રસ્તો બતાવતી લાઈટો ન હોવાના કારણે દરીયાઈ તોફાની મોજાની ઝપટમાં ચડી ગયેલ બોટ કાંઠા નજીક આવી ફસાઈ ગઈ હતી ત્યારે બોટમાં સવાર સાતેક ખલાસીઓને સ્થાનીક માછીમારોએ ત્રણેક કલાકના દિલધડક રેસ્ક્યુ કરી મહામહેનતે હેમખેમ બચાવી લીધા હતા. આ બોટ ફસાઈ જતા તેને કાંઠા સુધી લાવવામાં નિષ્ફળતા મળતા બોટ માલિકને લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે ભીડીયા બોટ એસો.ના રમેશભાઈ ડાલકીએ જણાવેલ કે છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ફીશીંગ કરવા ગયેલ બોટોને નજીકના બંદરોમાં પહોંચી જવા જાણ કરાતા વેરાવળના માછીમાર અરવિંદ ગોવિંદ ગોહેલ ની ફિશીંગ બોટ નજીકમાં હોવાથી ગઈ કાલે બપોરના સમયે વેરાવળ બંદરમાં પરત આવી રહી હતી.

એ સમયે દરીયામાં તોફાની મોજા ઉછળી રહેલ ત્યારે બંદરમાં પ્રવેશવા માટે દિશા સુચક લાલ-લીલી લાઈટો ન હોવાથી બોટ રસ્તો ભટકી ગઈ હતી. બાદમાં તોફાની મોજાના કારણે બોટનું એન્જીન બંધ પડી ગયા બાદ નજીકમાં ભીડીયા બદરના કાંઠાથી 50 મીટર દુર કાંઠાલ દરીયામાં ફસાઈ ગઈ જતા તેમાં રહેલ ખલાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેની જાણ વાયરલેસ મારફત બોટ માલીકને થતા તેઓ માછીમાર આગેવાનો સાથે બંદર કાંઠે દોડી આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.

બાદમાં માછીમાર આગેવાનોએ પોતાની કોઠા સુઝથી ફસાઈ ગયેલ બોટમાં રહેલ સાત ખલાસીઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ જેમાં કાંઠેથી દોરડું ફસાઈ ગયેલ બોટ સુધી પહોંચાડી તેના મારફત ખલાસીઓને બોટમાંથી કાઢી સલામત રીતે કાંઠે લઈ આવવામાં આવી બચાવી લેવાયા હતા. આશરે બે કલાક સુધી માછીમારોએ દરીયામાં ઉછળતા તોફાની મોજા વચ્ચે દિલધડક રીતે ખલાસીઓને બચાવ્યા હતા. તેમ છતાં તંત્ર સ્થળ ઉપર ફરક્યું ન હોવાનો વસવસો માછીમારો કરી રહ્યા હતા. આ ઉપરાંત બે દિવસ પૂર્વે વેરાવળ બંદરની એક બીજી બોટ મહારાષ્ટ્રના દરીયામાં ભારે પવન અને કરંટના કારણે ફસાઈ હતી.

મુંબઈ નજીક જળજીરા બંદર કિનારા નજીક દરીયામાં ઉછળતા તોફાની લહેરના કારણે ફીશીંગ બોટનું એન્જીન બંધ પડી જતા તેમાં રહેલા ખલાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એ સમયે તંત્રની મદદ માંગતા કોસ્ટગાર્ડની ટીમ હેલીકોપ્ટર સાથે મદદે પહોંચી હતી. બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement