ભાવનગરના યુવાનને ફોન પર ધમકી આપનારા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ: પોલીસની કાર્યવાહી

13 August 2022 12:45 PM
Bhavnagar
  • ભાવનગરના યુવાનને ફોન પર ધમકી આપનારા  શખ્સો વિરૂદ્ધ ફરિયાદ: પોલીસની કાર્યવાહી

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.13
ભાવનગર શહેરના યુવાન એ ઓનલાઇન લોન એપ્લિકેશન મારફત બેન્ક ખાતામાં રૂ.9 હજાર જમા કરી રૂ.17 હજારથી વધુ રકમની ઉઘરાણી કરતા ફોન કરી ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના સીદસર રોડ,લક્ષ્મીનગર,પ્લોટ નં.117 માં રહેતા અને નિરમા કંપનીમાં નોકરી કરતા ગૌરાંગગીરી પ્રવીણગીરી ગૌસ્વામીએ ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.24/7 ના રોજ તેમનો પુત્ર યશ તેમના મોબાઈલમાં ફેસબૂક જોતો હતો તે દરમિયાન ફૂલપોઇન નામની ઓનલાઈન લોન આપતી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી.ફરિયાદીના પુત્રએ તેમાં જણાવેલ આધારકાર્ડ અને પાનકાર્ડ અપલોડ કરેલ પરંતુ તેમના મોબાઈલમાં લોન મળવાપાત્ર નથી તેવો મેસેજ આવતા તેમણે આ એપ્લિકેશન ડીલીટ કરી દીધી હતી.

એપ્લિકેશન ડીલીટ કર્યા બાદ ગૌરાંગગીરીના એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાં તિરૂપતિ એન્ટરપ્રાઇઝના નામથી રૂ.9000 જમા થતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો, બેન્ક તરફથી ભૂલથી નાણાં જમા થયા હશે,ફરિયાદ આવશે તો તમારા ખાતામાંથી પરત આપવા પડશે તેવો જવાબ મળ્યો હતો.

બેંકમાં નાણાં જમા થાય બાદ અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી રૂ.17,780 જમા કરાવવા અવારનવાર ફોન આવતા ગૌરાંગગીરીએ મળેલી લિંક પરથી રૂ.1,500ઓનલાઈન જમા કરાવેલ ત્યાર બાદ પણ ઉઘરાણી કરી ઘરના સભ્યોના મોબાઈલ ઉપર ફોન કરી અલગ અલગ ભાષામાં બોલતા સભ્યો ધમકી આપતા હોય,તેમજ એક કલાકમાં નાણાં જમા નહિ કરવો તો તમારા ઘરે પોલીસ આવશે અને જેલમાં પુરી દેશે તેવી ધમકી આપતા ગૌરાંગગીરીએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement