ઉતરપ્રદેશ, ઝારખંડ અને બિહારમાં દુષ્કાળની સ્થિતિનો ભય

13 August 2022 02:32 PM
India
  • ઉતરપ્રદેશ, ઝારખંડ અને બિહારમાં દુષ્કાળની સ્થિતિનો ભય

ત્રણ રાજ્યોમાં 10 જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં સરેરાશથી 50 ટકા વરસાદ નોંધાયો : અનેક જિલ્લાઓ સાવ કોરા રહ્યા છે

નવી દિલ્હી,તા. 13
દેશમાં નૈઋત્યનું ચોમાસુ તમામ રાજ્યોને આવરીને આગળ વધી રહ્યું છે ત્યારે આગામી સમયમાં બિહાર, ઉતરપ્રદેશ અને ઝારખંડમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ શકે છે. ઉતરપ્રદેશ અને ઝારખંડમાં 122 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને એક તરફ ખેડૂતો હવે વિલંબના વરસાદથી અન્ય પાકો તરફ વળી રહ્યા છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. દેશના આ સૌથી મોટા રાજ્યમાં કે જ્યાં ચોખાની સૌથી વધુ ઉપજ થાય છે ત્યાં આ પરિસ્થિતિથી ચિંતા વધી છે. ઝારખંડમાં તા. 1 જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં 371 મીમી વરસાદ પડ્યો છે જ્યારે સામાન્ય રીતે અહીં આ સમયગાળા દરમિયાન 627 મીમી વરસાદ સરેરાશ પડતો હોય છે.

આમ અહીં 41 ટકાની ખાધ છે. અને 1901 બાદનો આ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન ખાતાના ડેટા કહે છે કે છેલ્લા એક દસકામાં ફક્ત બે વખત આટલો વરસાદ નોંધાયો છે જ્યારે ઉતરપ્રદેશમાં સરેરાશ 251.7 મીમી વરસાદ પડ્યો છે જ્યારે 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 449.1 મીમી વરસાદ પડતો હોય છે.

ઉતરપ્રદેશ એ દેશમાં સૌથી વધુ વરસાદી ખાધ ધરાવતુ રાજ્ય બની ગયું છે. અને રાજ્યમાં ફરુખાબાદ, જોનપુર, કાનપુર, બલીયા, અમેઠી, અયોધ્યા સહિતના વિસ્તારોમાં હાલની સ્થિતિમાં સરેરાશ કરતાં 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા મુજબ ઝારખંડમાં તમામ જળાશયોમાં પાણી ઘટવા લાગ્યું છે. ઉતરપ્રદેશમાં કુલ 8 મોટા ડેમમાં ફક્ત 28 ટકા જ પાણી છે.

બિહારમાં પણ 1972 બાદનો અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 375 મીમી વરસાદ પડ્યો છે જે વાસ્તવમાં 588 મીમી હોવો જરુરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement