ખંભાળિયા સહિત જિલ્લામાં હર ઘર તિરંગા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ

13 August 2022 03:06 PM
Jamnagar
  • ખંભાળિયા સહિત જિલ્લામાં હર ઘર તિરંગા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ
  • ખંભાળિયા સહિત જિલ્લામાં હર ઘર તિરંગા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ

રાષ્ટ્રધ્વજ ખરીદવા લોકોની ભીડ: ઠેર ઠેર તિરંગા લહેરાયા

જામ ખંભાળિયા, તા. 13 દેશના 75 માં સ્વાતંત્ર દિન નિમિત્તે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરા ઉત્સાહનો માહોલ આમ જનતામાં જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત સરકાર દ્વારા હર ઘર તિરંગાના આપવામાં આવેલા સૂત્રને ચરિતાર્થ કરવા ખંભાળિયામાં લોકો સ્વૈચ્છિક અને હોંશભેર જોડાઈ રહ્યા છે. તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખંભાળિયા નગરપાલિકાને સરકારી તંત્ર તરફથી રૂપિયા 21 ના પ્રત્યેક લેખે 6,000 રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા. તેમાંથી 5,000 રાષ્ટ્રધ્વજ નયારા કંપનીએ ખરીદીને તેમના કર્મચારીઓને આપ્યા છે. જ્યારે એક હજાર દ્વારકા પોલીસ દ્વારા ખરીદવામાં આવતા ખંભાળિયા માટે સલાયા નગરપાલિકા પાસે 1,000 ધ્વજ ઉછીના લેવામાં આવ્યા છે.

સુરજકરાડીના ચુસ્ત આર.એસ.એસ. વાદી 87 વર્ષના વૃદ્ધ રમણીકલાલ પારેખે પણ રાષ્ટ્રધ્વજ લગાવીને અને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. પ્રત્યેક પૂનમમાં ખંભાળિયાથી દ્વારકા દર્શનાર્થે જતા અહીંના અગ્રણીઓ ઇન્દ્રજીતસિંહ પરમાર, દિલીપભાઈ ઘઘડા, રવિરાજસિંહ જાડેજા, મનુભાઈ મોટાણી, વિગેરે દ્વારકાધીશ મંદિરે દર્શને જતા તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. ખંભાળિયામાં નાના બાળકો, વિદ્યાર્થીઓ પણ પોતે રાષ્ટ્રધ્વજ ખરીદી અને પોતાના ઘરે તિરંગા લહેરાવી દેશદાઝની લાગણી વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય તે જોવા તંત્રને અપીલ ખંભાળિયા માં અનેક ઘરો તથા દુકાનોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા છે. પરંતુ કેટલીક દુકાનો તથા ઘરોમાં કેટલાક સ્થળોએ રાષ્ટ્રધ્વજ નમેલા જોવા મળ્યા હતા. લોકોએ ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ લગાવ્યા છે. પરંતુ ઉત્સાહના અતિરેકમાં ક્યાંક રાષ્ટ્રધ્વજની ગરિમા ન જળવાતી હોય તેવું જોવા મળતા તંત્ર દ્વારા રાષ્ટ્રધ્વજને સુવ્યવસ્થિત રીતે લગાવવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી છે.

કેટલાક ઘરોમાં તિરંગા ઉભા રાખવાના બદલે આડી ઝંડીની જેમ તો ક્યાંક રાષ્ટ્રીય શોકમાં જેમ ધ્વજ રાખવામાં આવે છે, તેમ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકતા જોવા મળતા આ બાબતને યોગ્ય ન ગણાવી લોકોની જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર પંડ્યા દ્વારા પણ રાષ્ટ્રધ્વજને ગરીમા સાથે તેમજ પુરા આન, બાન અને શાનથી આ ઉજવણી કરવા અનુરોધ કરાયો છે.


Loading...
Advertisement
Advertisement