કડીમાં તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લીધા

13 August 2022 03:38 PM
Gujarat
  • કડીમાં તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લીધા
  • કડીમાં તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લીધા

રખડતા ઢોરની સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ આવ્યો ન હતો : યાત્રા વચ્ચે ઘુસી ગયેલી ગાયએ નાસભાગ મચાવી: નીતિનભાઈને પગમાં ઈજા: એક મહિના સુધી આરામ કરવો પડશે

કડી તા.13 : રસ્તે રખડતા ઢોરની અડફેટે સામાન્ય જન અવારનવાર આવતા હોય છે, જેમાં ઘાયલ થવાની સાથે સાથે મોતના પણ બનાવો બન્યા છે ત્યારે આજે કડીમાં ભાજપની તિરંગા યાત્રામાં એક ગાયે ઘુસી આવી પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેના પગલે તિરંગા યાત્રામાં અફડાતફડી મચી હતી અને નીતિનભાઈને ઢીંચણના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે આજે કડીમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા કરણનગર શાક માર્કેટ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમય દરમિયાન એકાએક એક ગાય પાછળથી આવી પહોંચી હતી અને તિરંગો લઈને ચાલતા ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પાછળથી અડફેટે લીધા હતા. આંખના પલકારામાં બનેલા આ બનાવમાં નીતિન પટેલ કંઈ સમજે તે પહેલા ગાયે તેમને શિંગડે ભરાવ્યા હતા. જેથી તે નીચે પટકાયા હતા.

નીતિનભાઈ ગાયની અડફેટે આવતા તિરંગા યાત્રામાં દોડધામ મચી ગઈ હતી અને લોકોએ ગાયને ભગાડી હતી. પૂર્વ ડેપ્યુટી સીએમને ઢીંચણમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કડીમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ છે. પણ પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. આમજન તો ઠીક પણ આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગાયની ઠોકરનો ભોગ બનતા પાલિકા તંત્ર રખડતા ઢોર મામલે પગલા લેશે કે કેમ તેવો લોકોમાં પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. નીતિનભાઈને ઢીંચણમાં ઈજા થવાથી હવે તેમને એક મહિનો ઘેર આરામ કરવાની ડોકટરોએ સલાહ આપી છે.


Related News

Loading...
Advertisement
Advertisement