મંગળવારે અશોક ગેહલોટ રાજકોટમાં; સૌરાષ્ટ્રની બેઠકોનો રીપોર્ટ મેળવશે

13 August 2022 03:52 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • મંગળવારે અશોક ગેહલોટ રાજકોટમાં; સૌરાષ્ટ્રની બેઠકોનો રીપોર્ટ મેળવશે

► કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વરનો બે વખત રદ થયેલો ગુજરાત પ્રવાસ ફરી ગોઠવાયો : 16 થી 18 ભરચકક બેઠકો

રાજકોટ, તા. 13 : ગુજરાત વિધાનસભાના ચૂંટણી વર્ષમાં રાજકીય પક્ષોએ તૈયારી તેજ કરી જ દીધી છે. કોંગ્રેસ દ્વારા ફરી એક વખત ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકો રાખવામાં આવી છે અને તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોટ હાજરી આપશે. તેઓ 16 ઓગષ્ટને મંગળવારે રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મુખ્ય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટની નિયુકિત કરી હતી. છેલ્લા એકાદ મહિના દરમ્યાન બે વખત તેમની હાજરીમાં મહત્વપૂર્ણ રણનીતિક બેઠક નકકી કરવામાં આવી હતી.

► 16મીએ સવારે દક્ષિણ ઝોનની બેઠકોનું મંથન કર્યા બાદ બપોરે 4 વાગે હેમુ ગઢવી હોલ રાજકોટમાં સૌરાષ્ટ્રના આગેવાનો સાથે મીટીંગ

પરંતુ આરોગ્ય જેવા કારણોસર આવી શકયા ન હતા. હવે ફરી વખત ત્રણ દિવસનો પ્રવાસ ગોઠવાયો છે અને 16થી 18 ઓગષ્ટ દરમ્યાન ગુજરાતમાં કેમ્પ કરશે. પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું હતું કે 16મીએ સવારે અશોક ગેહલોટ સુરત આવશે જયાં દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક યોજશે. આ જ દિવસે બપોરે 4 વાગ્યે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેશે. 17મીએ મધ્ય તથા ઉતર ઝોનમાં આ પ્રકારની બેઠક કરશે. 18મીએ ચૂંટણી જવાબદારી ધરાવતા અને હાઇકમાંડે નિયુકત કરેલા તમામ ઓબ્ઝર્વરો તથા પ્રદેશ નેતાગીરી સાથે બેઠક કરશે તેમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાથી તેના માપદંડ સહિતના રણનીતિક નિર્ણયો લેવામાં આવશે

તેવી શકયતા છે. રાજકોટની મંગળવારની બેઠકમાં સૌરાષ્ટ્રભરના શહેર-જીલ્લા પ્રમુખો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, નિરીક્ષકો-પ્રભારીઓને તેડાવાયા છે. બપોરે 4 વાગ્યે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાશે. ગેહલોટની ગેરહાજરીમાં છેલ્લી બેઠકમાં સંસદીય મતક્ષેત્ર દીઠ નિયુકત કરાયેલા નિરીક્ષકોને પોતપોતાના જીલ્લામાં ત્રણ દિવસ કેમ્પ કરીને રાજકીય પરિસ્થિતિ-માહોલનો તાગ મેળવવા કહેવામાં આવ્યું હતું. રાજકોટની જવાબદારી રાજસ્થાનના ખાણ ખનીજ મંત્રી પ્રમોદ જૈન હસ્તક છે તેઓ શહેર જીલ્લામાં અલગ અલગ બેઠકો કરી હતી. આગેવાનોને રૂબરૂ મળ્યા હતા અને રાજકીય માહોલની જાણકારી મેળવી હતી.

► લોકસભા મતક્ષેત્ર દીઠ 3-3 દિવસ સુધી માહોલ-સ્થિતિનો સર્વે કરનારા નિરીક્ષકોના રીપોર્ટની સમીક્ષા અને રણનીતિ ઘડાશે

સુત્રોના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના જુદા જુદા સંસદીય મતક્ષેત્રો હેઠળની વિધાનસભા બેઠકોનો રીપોર્ટ નિરીક્ષકોએ તૈયાર કર્યો છે કે અશોક ગેહલોટ મેળવશે અને તેના આધારે સૌરાષ્ટ્ર ઝોન બેઠકમાં સમીક્ષા કરીને આગેવાનોને માર્ગદર્શન આપશે રાજકોટની જેમ તમામ ઝોન બેઠકમાં સમાન એજન્ડા રાખવામાં આવ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવે તેવા નિર્દેશ છે. રાજયમાં વિધાનસભા ચૂંટણીને આડે પુરા ચાર મહિના પણ બાકી રહ્યા નથી. કોંગ્રેસને આ વખતે અનેક પડકારો છે. દર વખતે સીધા ચૂંટણી જંગને બદલે આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલવો પડે તેમ છે કારણ કે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠક લડવાની છે. આ સિવાય પાર્ટીના અર્ધો ડઝન ધારાસભ્યો પક્ષપલ્ટો કરે તેવી અટકળો છે અને આવી શંકા ખુદ પાર્ટી પ્રભારીએ દર્શાવી છે.

‘આપ’ દ્વારા પણ પ્રચાર શરૂ કરી દેવાયો છે. કોંગ્રેસમાં અમુક અંશે આંતરીક જુથબંધી પણ છે. આંતરીક પડકારો વચ્ચે પણ પાર્ટીએ તૈયારી જોરશોરથી આગળ ધપાવી જ છે. ગઇકાલે જ ખેડુતો-પશુપાલકોને લોન માફી, મફત વિજળી, દુધ ઉત્પાદનમાં બોનસ જેવા 11 વચન જાહેર કર્યા હતા. હજુ વધુ ચૂંટણી વચનો પણ જાહેર કરનાર છે. બે દિવસ ઝોનવાઇઝ બેઠક બાદ ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપવા પ્રભારી રઘુ શર્મા ઉપરાંત સહપ્રભારીઓ, તમામ સંસદીય નિરીક્ષકો તથા પ્રદેશ નેતાએ સાથે ગુરૂવારે બેઠક કરવામાં આવશે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયાથી માંડીને માપદંડો વિશે નિર્ણય થઇ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement