મુંબઈ : ફોન પર રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અફઝલ નામના શખ્સની ધરપકડ

15 August 2022 05:28 PM
India Maharashtra
  • મુંબઈ : ફોન પર રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અફઝલ નામના શખ્સની ધરપકડ

ફોન કરનાર માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે, છતાં વધુ તપાસ હાથ ધરાઈ છે : મુંબઈ પોલીસ

મુંબઈ:
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના પબ્લિક ડિસ્પ્લે નંબર પર આઠ ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે તેના સમગ્ર પરિવારને ત્રણ કલાકમાં મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં દહિસર વિસ્તારમાંથી એક અફઝલ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

હોસ્પિટલ મેનેજમેન્ટે આ મામલે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે ત્રણ ટીમો બનાવીને મામલાની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ફોન કરનાર એક જ છે અને તેણે સતત આઠ કોલ કર્યા છે. આ પછી ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરીને એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ હજુ ચાલુ છે.

● મુકેશ અંબાણીનું નામ લઈ ધમકી આપી

એચએન રિલાયન્સ હોસ્પિટલના સીઈઓ ડો. તરંગ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે, “અમે સ્વતંત્રતા દિવસ પર હોસ્પિટલમાં ધ્વજ ફરકાવતા હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. ફોન કરનાર અમારા ચેરમેનનું નામ લઈને ધમકી આપી રહ્યો હતો. ત્યારબાદ સવારે 10.45 થી 12.30 વચ્ચે હોસ્પિટલના પબ્લિક નંબર પર અજાણ્યા નંબરો પરથી આઠથી નવ કોલ આવ્યા હતા.

“કોલ મળ્યા પછી, અમે મુંબઈ પોલીસને જાણ કરી. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. હવે એવી માહિતી મળી છે કે શંકાસ્પદને દહિસર વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય છે. જો કે હજુ તેની વિગતવાર પૂછપરછ કરવાની બાકી છે. અગાઉ, અંબાણીને ધમકીની ફરિયાદ મળતા જ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. આ અંગે પોલીસ કમિશનરને પણ જાણ કરવામાં આવી હતી. હાલ અંબાણી પરિવાર અને એન્ટિલિયાની સુરક્ષા કડક કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement