ઈંગ્લેન્ડમાં બોલરોની બેફામ ધોલાઈ કરતો પુજારા: સતત બીજી મેચમાં ફટકારી સદી

16 August 2022 10:57 AM
India Sports World
  • ઈંગ્લેન્ડમાં બોલરોની બેફામ ધોલાઈ કરતો પુજારા: સતત બીજી મેચમાં ફટકારી સદી

વોરવિકશાયર વિરુદ્ધ 79 બોલમાં 107 રન ઝૂડ્યા બાદ સરે સામે 131 બોલમાં 174 રન બનાવ્યા: એક જ ઓવરમાં 22 રન બનાવી પોતે માત્ર ‘ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ’ જ નથી તેવું સાબિત કરી બતાવ્યું: આઠ વર્ષ બાદ વન-ડે ટીમમાં એન્ટ્રીની શક્યતા

નવીદિલ્હી, તા.16
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટર ચેતેશ્વર પુજારા શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી રોયલ લંડન વન-ડે કપ ટ્રોફીમાં તેનું બેટ જોરદાર ગરજી રહ્યું છે. જે પુજારાને તેની ધીમી બેટિંગ માટે વારંવાર ટ્રોલ કરવામાં આવ્યો હતો તે પુજારા અત્યારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી રહ્યો છે. શુક્રવારે વારવિકશાયર વિરુદ્ધ 79 બોલમાં 107 રન બનાવ્યા બાદ હવે સરે વિરુદ્ધ 131 બોલમાં 174 રનની ઈનિંગ રમીને પુજારાએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.

ચેતેશ્વર પુજારાએ ભારત માટે માત્ર પાંચ વન-ડે મેચ રમી છે. 2014થી તેને વન-ડેમાં રમવાની તક મળી નથી. આ પ્રદર્શનથી તેણે વન-ડે ટીમની દાવેદારી કરી લીધી છે. પુજારાએ વારવિકશાયર વિરુદ્ધ એક ઓવરમાં 22 રન ઝુડ્યા હતા. જ્યારે સરે વિરુદ્ધની ઈનિંગમાં તેણે 20 ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. આ પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન તેણે પોતાની તરફ આકર્ષિત કર્યું છે. પુજારાનું બબ્બે સદી એવા સમયે નીકળી છે જ્યારે ટીમ ઈન્ડિયાને હજુ પણ વન-ડે ટીમ માટે મીડલ ઑર્ડરમાં એક વિશ્વાસું બેટરની જરૂર છે જે કોઈ પણ પરિસ્થિતિમાં રમી શકે.

પુજરા વિરુદ્ધ જો કોઈ વાત વધુ બોલવામાં આવી રહી હોય તો તે તેની ઉંમર છે. પસંદગીકારો વન-ડેમાં સતત યુવા ખેલાડીઓને તક આપી રહ્યા છે. રોહિત શર્મા અને શિખર ધવનની ઉંમર 35ને પાર કરી ગઈ છે. વિરાટ પણ 34 વર્ષનો થવાનો છે. પુજારાની ઉંમર પણ 34 વર્ષથી વધુ છે. આ જ કારણ છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખી યુવા ખેલાડીઓને વધુ તક મળી રહી છે. આવામાં પુજારા માટે સારી રમત બતાવ્યા બાદ પણ વાપસી મુશ્કેલ દેખાઈ રહી છે.

100થી વધુ લિસ્ટ ‘એ’ મતલબ કે 50 ઓવરની મેચ રમનારા ખેલાડીઓમાં ચેતેશ્વર પુજારાની બેટિંગ સરેરાશ ચોથા નંબરે રહી છે. તેણે 106 ઈનિંગમાં 55.95ની સરેરાશથી 4812 રન બનાવ્યા છે. તેના કરતાં સારી સરેરાશ માત્ર ઑસ્ટ્રેલિયાના માઈકલ બેવન, ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમની છે. આ ત્રણેયની ગણતરી વન-ડેના મોટા ખેલાડીઓમાં થાય છે પરંતુ પુજારા ઉપર શરૂઆતથી જ ટેસ્ટ બેટરનું ટેગ લાગેલું છે. આ જ કારણથી તેને માત્ર પાંચ વન-ડેમાં તક અપાયા બાદ બહાર કરી દેવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement