રવીન્દ્ર જાડેજા-ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે ‘બ્રેકઅપ’ ફાઈનલ: ચાર મહિનાથી બન્ને વચ્ચે કોઈ સંપર્ક નહીં

16 August 2022 10:59 AM
India Sports
  • રવીન્દ્ર જાડેજા-ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે ‘બ્રેકઅપ’ ફાઈનલ: ચાર મહિનાથી બન્ને વચ્ચે કોઈ સંપર્ક નહીં

જડ્ડુ ચેન્નાઈના એક પણ અભિયાનમાં ભાગ નથી લઈ રહ્યો: હવે ટીમ તેને રિટેન કરે તેવી શક્યતા નહીંવત્

નવીદિલ્હી, તા.16
ચેન્નાઈ સુપરકિંગ્સ અને સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું. આવનારા થોડા જ મહિનામાં બન્ને અલગ થઈ શકે છે. મેમાં આઈપીએલ પૂર્ણ થયા બાદથી ભારતીય ઑલરાઉન્ડર ચેન્નાઈ ટીમ મેનેજમેન્ટના સંપર્કમાં નથી. ચેન્નાઈની ટીમ ખેલાડીઓને એક પરિવારની જેમ રાખે છે અને વર્ષભર તેની સાથે સંપર્કમાં રહે છે પરંતુ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં રિહેબિલિટેશન પ્રક્રિયામાં રહેલા જાડેજાએ ફ્રેન્ચાઈથી અંતર જાળવ્યું છે. તે ચેન્નાઈના કોઈ પણ અભિયાનમાં ભાગ લઈ રહ્યો નથી.

જાડેજાને આઈપીએલ વચ્ચે જ કેપ્ટનપદેથી હટાવી દેવાયો હતો કેમ કે મેનેજમેન્ટને લાગ્યું કે નેતૃત્વનો બોજ તેની રમતને પ્રભાવિત કરી રહ્યો છે. જાડેજાએ આ પગલાંને પોતાના અપમાન તરીકે ગણ્યું છે. જાડેજા ચેન્નાઈમાં કેપ્ટન તરીકે સફળ થયા બાદ ભારતીય ટીમની કમાન સંભાળવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. તેની જગ્યાએ ધોનીને ફરીથી કેપ્ટન બનોવવામાં આવ્યો છે જેના કારણે જાડેજા નારાજ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

મેના મધ્યમાં જ્યારથી તેણે મુંબઈમાં ટીમ હોટેલ છોડી છે ત્યારથી ફ્રેન્ચાઈઝી તેની સાથે મતભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. દરમિયાન જાડેજાએ ચેન્નાઈ સુપરકિંગ્સ સંબંધિત તમામ સોશ્યલ મીડિયા પોસ્ટ પણ ડિલિટ કરી નાખી છે. તે એકમાત્ર ખેલાડી હતો જે એ વીડિયોનો હિસ્સો નહોતો જેમાં ચેન્નાઈએ કેપ્ટન ધોનીને તેના જન્મદિવસ પર શુભકામના આપવા માટે પોસ્ટ કરી હતી.

ધોનીએ પહેલાંથી જ કહી દીધું છે કે તે આગલી આઈપીએલ રમશે અને સંભવત: ટીમનું નેતૃત્વ કરશે. આવામાં એ વાતની સંભાવના બહુ ઓછી છે કે જાડેજા ટીમમાં પરત આવવા માટે તૈયાર થશે. જાડેજા ટીમમાંથી બહાર થવા માંગે છે. આવામાં જ્યારે રિટેન કરવાનો વારો આવશે એટલે ફ્રેન્ચાઈઝી તેને બહાર કરી શકે છે.
જાડેજા ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે 2012માં જોડાયો હતો.

10 વર્ષમાં તેણેટીમ સાથે બે ખીતાબ જીત્યા હતા. આ વર્ષે ટૂર્નામેન્ટ શરૂ થવાના બે દિવસ પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનું એલાન કર્યું હતું અને રવીન્દ્રને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે 37 દિવસ બાદ જ પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો એટલે ધોનીને ફરીથી ટીમની કમાન સોંપાઈ હતી. ચેન્નાઈએ જાડેજાને 16 કરોડ રૂપિયા ચૂકવી રિટેન કર્યો હતો અને ધોનીને માત્ર 12 કરોડ જ અપાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement