વન-ડે શ્રેણી માટે ઝીમ્બાબ્વે પહોંચી ટીમ ઈન્ડિયા: ગુરૂવારે પ્રથમ મુકાબલો

16 August 2022 11:02 AM
India Sports World
  • વન-ડે શ્રેણી માટે ઝીમ્બાબ્વે પહોંચી ટીમ ઈન્ડિયા: ગુરૂવારે પ્રથમ મુકાબલો

ખેલાડીઓની તનતોડ પ્રેક્ટિસ: ધવન, રાહુલ સહિતના ખેલાડીઓ પાસે ધોની, કોહલી, ગાંગૂલીનો રેકોર્ડ તોડવાની તક

નવીદિલ્હી, તા.16
ભારતીય ક્રિકેટ ટીમ ઝીમ્બાબ્વે પ્રવાસે પહોંચી ચૂકી છે. ટીમ અહીં ત્રણ મેચની વન-ડે શ્રેણી રમશે. શ્રેણીની પહેલી મેચ હરારે સ્પોર્ટસ ક્લબમાં 18 ઑગસ્ટથી રમાશે. આ શ્રેણી દરમિયાન ભારતીય ખેલાડી અને રેકોર્ડ તોડી શકે છે. ધવન પાસે ગાંગૂલી, ધોની, કોહલી જેવા દિગ્ગજોને પછાડવાની તક છે તો રાહુલ પણ રેકોર્ડ પોતાના નામે કરવાની અણી પર છે.

આ બન્ને હરારેમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટર બની શકે છે. અત્યારે આ રેકોર્ડ અંબાતી રાયડુ (સાત મેચ, 369 રન)ના નામે છે. ધવને અત્યાર સુધી ત્રણ મેચમાં 168 અને રાહુલે ત્રણ મેચમાં 196 રન બનાવ્યા છે.

ભારતીય ટીમની પ્રેક્ટિસને લઈને બીસીસીઆઈએ ટવી પર તસવીરો શેયર કરી છે જેમાં દીપક ચાહર, મોહમ્મદ સીરાજ, શુભમાન ગીલ અને ઋતુરાજ ગાયકવાડ સહિતના ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરતાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ઝીમ્બાબ્વેની રાજધાની હરારેથી ભારતીય ટીમના પ્રેક્ટિસની જે તસવીરો સામે આવી છે તેમાં ટીમના લગભગ તમામ ખેલાડી અભ્યાસ કરતાં જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સીરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરો સખત મહેનત કરી રહ્યા છે. આ તમામ બોલરો મુખ્ય ટીમનો હિસ્સો નથી પરંતુ આવનારા સમયમાં પોતાની જગ્યા પાક્કી કરી શકે છે.

ઝીમ્બાબ્વેને હરાવવાની તમામ તૈયારી સપોર્ટ સ્ટાફની નજરમાં ચાલી રહી છે. ભારતના નિયમિત કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. 27 ઑગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભારતની મુખ્ય ટીમ રમશે. આ પહેલાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

શ્રેણી પહેલાં જ ટીમ ઈન્ડિયાને ઝટકો: સુંદર બહાર
ઝીમ્બાબ્વે સામે ગુરૂવારથી વન-ડે શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટી ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ કાઉન્ટી ટીમ લંકાશાયર માટે રોયલ લંડન વન-ડે કપ રમી રહેલા વોશિંગ્ટન સુંદરને મેચ દરમિયાન ડાબા ખભા પર ઈજા પહોંચી હતી. આ ઈજાને કારણે તે હવે શ્રેણીમાં રમી શકશે નહીં. સુંદર અંદાજે 12 મહિનાથી અલગ-અલગ સમસ્યાને કારણે ટીમમાંથી બહાર થઈ ચૂક્યો છે. તે જાન્યુઆરીમાં કોરોના સંક્રમિત થયો હતો.

ભારતીય ટીમ: લોકેશ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમાન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકિપર), સંજુ સેમસન (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સીરાજ, દીપક ચાહર.


Related News

Loading...
Advertisement
Advertisement