ગુજરાતમાં ફરી ચોમાસાની જમાવટ : સુરત જીલ્લો જળબંબોળ

16 August 2022 11:24 AM
Surat Gujarat
  • ગુજરાતમાં ફરી ચોમાસાની જમાવટ : સુરત જીલ્લો જળબંબોળ

◙ રાજ્યના 221 તાલુકામાં વરસાદ : સિઝનનો 88.54 ટકા વરસી ગયો

◙ પલસાણામાં 8.50 ઇંચ ખાબક્યો : બારડોલી-ડોલવાનમાં 7, વ્યારામાં 8, સોનગઢમાં 6, મહુવા-માંડવી-વાલોદમાં 5-5 ઇંચ

રાજકોટ,તા. 16
ગુજરાતમાં ચોમાસુ ફરી જમાવટ કરવા લાગ્યું હોય તેમ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રેલમછેલ થઇ હતી. મેગરાજાએ જોર પકડ્યું હોય તેમ 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત પાણી-પાણી થયું હતું.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના તમામ 33 જીલ્લાના 221 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદથી જળબંબાકારની હાલત સર્જાઇ હતી. આ સિવાય બારડોલીમાં સાત ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. મહુવા તથા માંડવીમાં પાંચ ઇંચ, ઉમરપાડામાં ચાર ઇંચ તથા સુરત શહેર અને ચોર્યાસીમાં 3-3 ઇંચ પાણી વરસ્યું હતું.

તાપી જીલ્લો પણ પાણી-પાણી થયો હતો. વ્યારામાં મુશળધાર 8 ઇંચ, ડોલવાનમાં સાત ઇંચ, સોનગઢમાં 6 ઇંચ તથા વાલોદમાં પાંચ ઇંચ વરસાદ થયો હતો. વલસાડ જીલ્લાના ધરમપુરમાં ચાર ઇંચ, કપરાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. નવસારીમાં ધોધમાર સાડા ચાર ઇંચ તથા જલાલપોરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગમાં સાર્વત્રિક 3 ઇંચ વરસાદ થયો હતો.

ઉતર ગુજરાતમાં મેઘરજમાં 4 ઇંચ વરસાદ થયો હતો. અન્યત્ર સર્વત્ર બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. મધ્ય ગુજરાતમાં અમદાવાદના અનેક વિસ્તારો ભારે વરસાદથી પાણી-પાણી થઇ ગયા હતા. ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર જેવા જીલ્લાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. કચ્છમાં અંજાર તથા ભુજમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 156.04 મીમી વરસાદ થયો છે. ચોમાસામાં અત્યાર સુધીનો કુલ વરસાદ 752.73 મીમી થયો છે જે સીઝનના 88.54 ટકા થવા જાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement