શિવ સ્તુતિ શિવ આરાધનાનું મહત્વ

16 August 2022 12:25 PM
Dharmik
  • શિવ સ્તુતિ શિવ આરાધનાનું મહત્વ

ૐ નમ: શિવાય, હર હર મહાદેવ, બમ બમ ભોલે, શિવ ભોલા ભંડારી વગેરે મંત્રજાપ તથા શિવ સ્તુતિના રંગે રંગાયેલ ભકતજનોના ભાવભર્યા શબ્દોથી શિવ મંદિરોનું વાતાવરણ હૃદયસ્પર્શી બની જાય છે. શિવસ્તુતિમાં લીન ભકતજનો શરીરભાનથી પણ ન્યારા બની સમયને પણ ભુલી શિવમય બની જાય છે. શિવ સ્તુતિ કે આરાધનામાં શિવ મહિમાનું જ મહત્વ છે. ભોળાનાથના ગુણોની મહિમા ગાતા ગાતા અને અજપા જાપથી શિવભકતો મગન બની જાય છે. શિવ પરમાત્મા કહે છે, ‘હું જે છું, જેવો છું, મારામાં જે શકિતઓ છે... તેને તમે ઓળખી, વિધિપૂર્વકની યાદમાં સ્વયંને મગ્ન કરો તે જ વાસ્તવમાં સાચી શિવ સ્તુતિ છે.

શિવ સ્તુતિમાં મંત્રજાપનું રહસ્ય :
જાપ એટલે રટણ. મંત્રજાપ એટલે મંત્રનું ઘડી ઘડી રટણ કરવું. મુખથી રટણ કરીએ અને મન શું કરશે ? ચારે બાજુ ચકકર મારતું ફરશે તેનો કોઇ અર્થ નથી. વાસ્તવમાં મંત્રનો અર્થ છે- મંત્રણા કરવી. આત્મા માલિક કર્મેન્દ્રીયો રૂપી મંત્રી સાથે મંત્રણા કરી તે દરેકને શાંત, શીતળ બનાવે તે જ વાસ્તવમાં મંત્રજાપ છે. આમ મંત્રનો અર્થ સમજી તે સ્વરૂપમાં સ્થિત થઇને સ્વયંની શ્રેષ્ઠ સ્થિતિ બનાવવી જોઇએ.

શિવ પરમાત્માએ આપેલ વશીકરણ મંત્ર છે - મનમનાભવ
કહેવાય છે કે- મંત્રોચ્ચારણથી ભૂત ભાગે છે અને મંત્ર ભૂતોને પણ વશીભૂત કરી દે છે. વાસ્તવમાં ભૂત એટલે મનુષ્યાત્માઓની અંદર રહેલી આસુરી વૃતિઓ, સ્વભાવ અને પુરાના સંસ્કારો, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારરૂપી આ પાંચ મોટા ભૂત દરેકની અંદર સર્વવ્યાપ્ત છે. આ ભૂતો ભર્યા અંદર અને બાહિયક મુખથી મંત્રોચ્ચાર કરવાથી તે ભાગશે ખરા તે ચિંતન માંગી લેશે. તેને અંદરથી જ કાઢવા પડશે, ભસ્મ કરવા પડશે. શિવ પરમાત્મા આ ભૂતોને ભસ્મ કરવાનો મંત્ર આપે છે-મનમનાભવ, આથી તેને ભૂતોને નાથનાર ‘ભૂતનાથ’ પણ કહેવાય છે. મનમનાભવ મંત્રરૂપે જાપ નથી કરવાનો પરંતુ તેના અર્થમાં બુધ્ધિથી સ્થિત થવાનું કે ટકવાનું છે.

મનમનાભવ અર્થાત હે મનુષ્ય, તું મન એક મારામાં (પરમાત્માની યાદમાં) લગાવ, મારી યાદમાં રહે, ઘડી ઘડી મનથી મારાથી નજીક પહોંચ (આમ શરીરના ભાનને ભૂલવાનું કહે છે), સ્વયંના દેહને યાદ કરીશ તો એવા એ ભૂતો આગળ-પાછળ જ ચકકર લગાવશે પરંતુ દેહથી અલગ સ્વયંને શકિતશાળી આત્મા નિશ્ર્ચય કરીશ તો તે બધા શકિતહીન બની જશે અને ભસ્મ થશે. આમ, આ મંત્રનો અભ્યાસ જે ભૂતો વશ કરવાનો છે તેની તેને વશીકરણ મંત્ર પણ કહે છે.


Related News

Loading...
Advertisement
Advertisement