વડોદરા નજીક કેમિકલ ફેકટરીમાંથી રૂા. 200 કરોડનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું

16 August 2022 04:38 PM
Vadodara Gujarat
  • વડોદરા નજીક કેમિકલ ફેકટરીમાંથી રૂા. 200 કરોડનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું

♦ ગુજરાત ATSનું વધુ એક ઓપરેશન : ભરૂચ સુધી તપાસ લંબાવાઈ

♦ હજુ ફેકટરી તૈયાર થઇ ન હતી પણ નશીલા પદાર્થ બનાવતી લેબ ધમધમતી હતી : ભરૂચ પાસે પણ કેમિકલ ફેકટરી સુધી તપાસ : મોટાપાયે ડ્રગ્સ ઝડપાય તેવી આશંકા

રાજકોટ,તા. 16
ગુજરાત ડ્રગનું હબ બની ગયું હોય તેવા વધુ એક દરોડામાં વડોદરા નજીક ચાલી રહેલી ડ્રગ બનાવવાની ફેકટરી ઝડપી લેવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ તથા એટીએસના સંયુક્ત ઓપરેશનમાં વડોદરાનાં સાવલી તાલુકાના મોક્ષી ગામમાં નેક્ટર કેમ કેમીકલ ફેકટરીમાં રસાયણ બનાવવાના ઓઠા હેઠળ એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ધમધમતી હતી.

એટીએસ તથા પોલીસએ ગઇકાલે રાત્રે અહીં દરોડા પાડીને અત્યાર સુધીમાં રૂા. 200 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તથા હવે આ ડ્રગ્સ ફેકટરીનું કનેકશન છેક ભરુચ સુધી ગયું છે અને ભરુચમાં પણ એટીએસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે તથા ત્યાંથી પણ જંગી માત્રામાં ડ્રગ્સ હોવાની શંકા પરથી અનેક ટેબ્લેટ અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યા છે તથા એફએસએલને બોલાવીને તેની ચકાસણી શરુ કરવામાં આવી છે.

વાસ્તવમાં આ કેમિકલ ફેકટરી તૈયાર થઈ ન હતી અને બાંધકામની આડ હેઠળ ફેકટરીના એક વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ચાલતી હતી અને તેમાં મોટાપાયે નશીલી ટેબ્લેટ બનતી હતી. જે એમડી તરીકે ઓળખાય છે અને પાર્ટી ડ્રગ્સ તરીકે તે વ્યાપક રીતે વેચાઇ છે. વડોદરા પાસે અનેક કેમિકલ ફેકટરીઓ આવેલી છે.

અહીં ડ્રગ્સ બનતું હોવાનું ભાગ્યે જ કોઇને શંકા આવી શકે. એટીએસએ બાતમી પરથી વડોદરા પોલીસને સાથે રાખીને આ દરોડા પાડ્યા હતા અને ગઇકાલ રાતથી આ ઓપરેશન ચાલુ છે તથા આસપાસની ફેકટરીઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું જાહેર થયું છે અને એટીએસે તેની ધરપકડ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement