ભારતીય ખેલાડીઓ વિદેશની એક પણ લીગમાં નહીં રમી શકે: BCCI

17 August 2022 11:02 AM
India Sports World
  • ભારતીય ખેલાડીઓ વિદેશની એક પણ લીગમાં નહીં રમી શકે: BCCI

ખેલાડીઓએ આઈપીએલ અને બોર્ડ પ્રત્યે કટિબદ્ધતા રાખવી પડશે: આફ્રિકાની ટી-20 લીગની ટીમમાં ધોની મેન્ટોર બનશે તેવી અફવાઓ વહેતી થતાં કરાયેલી સ્પષ્ટતા

નવીદિલ્હી, તા.17
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે બોર્ડની એવી કોઈ જ પોલિસી નથી જે ભારતીય ખેલાડીઓને વિદેશી ક્રિકેટ લીગમાં ભાગ લેવાની પરવાનગી આપે. શુક્લાની આ પ્રતિક્રિયા પૂર્વ ભારતીય કેપ્ટન અને ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન ધોની અંગે ફેલાઈ રહેલી અફવાઓને લઈને આવી છે જેમાં કહેવાઈ રહ્યું હતું કે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ટી-20 લીગના ઉદ્ઘાટન સત્રમાં ધોની ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીની માલિકીવાળી ટીમ જોહાનિસબર્ગ સુપરકિંગ્સનો મેન્ટોર બની શકે છે.

દરમિયાન રાજીવ શુક્લાએ જણાવ્યું કે અમે ખેલાડીઓને વિદેશમાં કોઈ અન્ય ક્રિકેટ લીગ માટે ઉપલબ્ધ કરાવતા નથી. આ અંગે અમારી સીધી પોલિસી છે. અમારી ઈન્ડિયન પ્રિમીયર લીગ એક બહુ મોટી લીગ છે એટલા માટે અમે અમારા કોઈ પણ ખેલાડીઓને વિદેશી લીગ સાથે જોડાવાની મંજૂરી ન આપી શકીએ. આફ્રિકા અને યુએઈ ક્રિકેટ બોર્ડે આગલા વર્ષે શરૂ થનારી પોતાની ટી-20 લીગની જાહેરાત કરી દીધી છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ જેવી આઈપીએલ ફ્રેન્ચાઈઝી સાથે આ બન્ને લીગોમાં ટીમોને ખરીદવાની સાથે જ એવી આશા રખાઈ રહી હતી કે તેમાં ભારતીય ખેલાડીઓ પણ સામેલ થશે પરંતુ બીસીસીઆઈ ઈચ્છે છે કે ખેલાડી બોર્ડ અને આઈપીએલ પ્રત્યે પોતાની કટિબદ્ધતાને પૂર્ણ કરે.


Related News

Loading...
Advertisement
Advertisement