એલન મસ્કને ફૂટબોલનો લાગ્યો ચસ્કો: મેન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ ખરીદશે !

17 August 2022 11:03 AM
India Sports World
  • એલન મસ્કને ફૂટબોલનો લાગ્યો ચસ્કો: મેન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ ખરીદશે !

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે ટીમ વતી રમે છે તે ઈંગ્લીશ ફૂટબોલ ક્લબ મેન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદવાની ટવીટ મારફતે કરી જાહેરાત

નવીદિલ્હી, તા.17
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એક ઈંગ્લીશ ફૂટબોલ ક્લબને ખરીદવાનું મન બનાવી લીધું છે. આ વાતનું એલાન તેણે સોશ્યલ મીડિયા દ્વારા કરી દીધું છે. મસ્કના આ ટવીટ બાદ સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. મસ્કે જણાવ્યું કે તેઓ એક ઈંગ્લીશ ફૂટબોલ ક્લબને ખરીદવા જઈ રહ્યા છે.

મસ્કે સોશ્યલ મીડિયા પર અમુક રાજકીય ટવીટસ કર્યા હતા. આ સિલસિલામાં તેમણે એક ટવીટ કરતાં એવું એલાન પણ કરી દીધું કે તેઓ ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ મેન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદી રહ્યા છે. પોર્ટુગલનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ જ ક્લબ વતી રમે છે.

જો કે મસ્કે ક્લબ ખરીદવા સંબંધી કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી. મસ્કે એક ટવીટ કરીને લખ્યું કે, એ વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે રીપબ્લીકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીને હું સરખો જ સહકાર આપું છું. આ પછી મસ્કે આગલું ટવીટ કરીને લખ્યું કે હું મેન્ચેસ્ટર યુનાઈટેડ ખરીદવા જઈ રહ્યો છું. તમારું સ્વાગત છે. મસ્કના આ ટવીટ બાદ સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.

ઉલ્લેખનીય છે કે મસ્કને વિવાદાસ્પદ અને ટ્રેન્ડમાં ટકી રહેવા માટેના ટવીટ કરવા માટે ઓળખવામાં આવે છે. આ વખતે પણ એવા જ ટવીટ કરીને તેઓ ટ્રેન્ડમાં આવી ગયા છે. પોતાના ટવીટમાં મસ્કે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી કે તેઓ મેન્ચેસ્ટર યુનાઈટેડને સુરક્ષિત કરવા માટે ખરીદી રહ્યા છે કે બીજું કોઈ કારણ છે. ઈંગ્લીશ ફૂટબોલ ક્લબ મેન્ચેસ્ટર યુનાઈટેડ અત્યારે અમેરિકી ગ્લેઝર ફેમિલીના કંટ્રોલમાં છે. મસ્કના ટવીટ બાદ ગ્લેઝર ફેમિલીનું અત્યાર સુધી કોઈ જ પ્રકારનું રિએક્શન સામે આવ્યું નથી. બીજી બાજુ મસ્કના પણ આ એક ટવીટ બાદ ખરીદીને લઈને બીજું કોઈ જ ટવીટ કરવામાં આવ્યું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement