મેઘરાજાનો મુકામ: રાજયના 251માંથી 246 તાલુકામાં મહેર: કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ

17 August 2022 11:38 AM
Ahmedabad Gujarat
  • મેઘરાજાનો મુકામ: રાજયના 251માંથી 246 તાલુકામાં મહેર: કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ

31 તાલુકામાં 4થી8 ઈંચ વરસાદ: અમદાવાદ, વડોદરા, સુરતના નીચાણવાળા ભાગો જળબંબાકાર

અમદાવાદ તા.17
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર ચાલુ રહી હોય તેમ 251માંથી 246 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજયમાં સિઝનનો 93.32 ટકા વરસાદ થઈ ગયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 251માંથી માત્ર પાંચ તાલુકા વરસાદ વિના કોરા હતા. બાકી 246 તાલુકામાં હળવો-ભારે વરસાદ થયો હતો. આજે સવારની સ્થિતિએ રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ 793.36 મીમી વરસાદ થઈ ગયો છે.દક્ષિણ ગુજરાતમાં કેટલાંક દિવસોથી વરસાદનું જોર વધુ છે.

હવે કચ્છ બાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં પણ સીઝનનો વરસાદ 100 ટકાથી વધુ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 104.42 ટકા, કચ્છમાં 143.22 ટકા, ઉતર ગુજરાતમાં 90.49 ટકા, મધ્ય ગુજરાતમાં 77.78 ટકા તથા સૌરાષ્ટ્રમાં 84.44 ટકા પાણી વરસ્યુ છે.રાજયના તાપી જીલ્લાના સોનગઢમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ થયો હતો. ડીસામાં સાડા સાત ઈંચ, દાંતીવાડા, પોરગામમાં સાડા છ ઈંચ, વડગામ, પોસીના તથા મહેસાણા-દાંતામાં 6-6 ઈંચ વરસાદ થયો હતો.

વલસાડ જીલ્લો પાણી-પાણી થયો હતો. ધરમપુર, કપરાળા, પારડી, વલસાડ, વાપીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદથી નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો હતા. તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ સહિતના જીલ્લાઓમાં બે થી સાત ઈંચ વરસાદ નોંધાયો હતો.અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. શહેરમાં સરેરાશ દોઢ ઈંચ પાણી વરસ્યુ હતું. ખેડા, આણંદ, છોટા ઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના જીલ્લાઓમાં 1થી4 ઈંચ વરસાદ થયો હતો.ઉતર ગુજરાતતમાં પણ મેઘરાજા મહેરબાન હતા. અમીરગઢ, સિદ્ધપુર, દાંતા, ફાંતીવાડા, પાલનપુર, ધાનેરા, વડગામ, બેચરાજી, મહેસાણા, સતલાસણા, ઈડર, પોસીના, વડાલી, દહેગામ વગેરે તાલુકાઓમાં 4થી6 ઈંચ વરસાદ નોંધાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement