જસદણના પ્રતાપપુરમાં દલિત યુવાનની પત્નીના પ્રેમીએ કરી કરપીણ હત્યા

17 August 2022 01:14 PM
Jasdan Crime Rajkot
  • જસદણના પ્રતાપપુરમાં દલિત યુવાનની પત્નીના પ્રેમીએ કરી કરપીણ હત્યા

► આટકોટ પોલીસના પીએસઆઈ મેતા અને તેમની ટીમે ગુનો નોંધી ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી

(કરશન બામટા) આટકોટ,તા. 17
રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલ પ્રતાપપુર (નવાગામ) ખાતે દલિત યુવાનની તેની જ પત્નીના પ્રેમીએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા ભારે ચકચાર મચી ગઇ છે. આટકોટ પોલીસે ગુનો નોંધી ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

હત્યાના બનાવની વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રે બારેક વાગ્યે પ્રતાપપુર (નવાગામ)માં રહેતા કમલેશ મોહનભાઇ ચાવડા (ઉ.વ.26) નામના દલિત યુવાનની હત્યા નિપજાવી યશવંત ઉર્ફે અશ્ર્વીન મહેશભાઈ મકવાણા (કોળી) (રહે.મોટા વડીયા-કુકાવાવ, જિ. અમરેલી) નાસી છુટ્યો હોવાની વિગત મળતા આટકોટ પોલીસ મથકના પીએસઆઈ કે.પી. મેતા અને આટકોટ પોલીસ મથક અને સાણથલી આઉટ પોસ્ટ ચોકીનો સ્ટાફ દોડી ગયો હતો. સૌ પ્રથમ જરુરી કાગળ કાર્યવાહી કરી પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. તપાસમાં આરોપીએ બેરહેમીપૂર્વક આડેધડ છરીના ઘા મૃતકના શરીરમાં માર્યા હોવાનું જણાયું હતું.

► બે દિવસ પહેલા જ મૃતક કમલેશ ચાવડાના વડીયા રહેતી યુવતિ કોમલ સાથે બીજા લગ્ન થયેલા, આરોપી યશવંત કોળીને અગાઉ કોમલ સાથે પ્રેમસંબંધ હોય અને કમલેશે તેણી સાથે લગ્ન કરી લેતા આ વાતનો ખાર રાખી હત્યા નિપજાવી

દરમિયાન પરિવારજનોની પુછપરછ બાદ પોલીસે જણાવ્યું હતું કે, મૃતક કમલેશ કડીયાકામ સેન્ટ્રીંગ કામની મજુરી કરે છે. અગાઉ તેના લગ્ન થયા હતા. પ્રથમ પત્ની સાથે છુટાછેડા થઇ ગયા બાદ પોતાના કૌટુંબિક સગાના કુટુંબની વડીયા ગામે રહેતી કોમલ સાથે બે દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા, અને પ્રતાપપુર આવ્યા હતા. આ કોમલને અગાઉ વડીયાના જ કોળી યુવક યશવંત ઉર્ફે અશ્વીન સાથે પ્રેમસંબંધ હતો. કોમલ સાથે કમલેશે લગ્ન કરી લેતા તેનો ખાર રાખી આરોપીએ હત્યાનો ગુનો આચર્યો હતો.

બનાવ અંગે મૃતક કમલેશના મોટાભાઈ વિનોદ મોહનભાઈ ચાવડા (ઉ.37)એ આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિનોદે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે કડીયાકામ તથા સેન્ટ્રીંગ કામ કરે છે. તેનો ભાઈ કમલેશ પણ તેની સાથે કામ કરતો હતો. કમલેશે સંબંધી અને વડીયા ગામે રહેતી તેની જ્ઞાતિની દીકરી કોમલ સાથે તા. 15-8-2022ના રોજ બીજા લગ્ન કર્યા હતા. જો કે, કમલેશની પત્ની કોમલને અગાઉ વડીયાના યશવંત મકવાણા સાથે પ્રેમસંબંધ હતો અને અગાઉ બન્ને કોઇને કહ્યા વગર સાથે પણ જતા રહયા હતા.

► ગઇકાલે રાત્રે બારેક વાગ્યે વડીયા રહેતો યશવંત પ્રતાપપુર (નવાગામ) આવેલો અને છરો લઇ કમલેશનાં ઘરમાં ઘુસી આડેધડ ઘા ઝીંકી ફરાર થઇ ગયો હતો

જો કે, બાદમાં કોમલ પોતાના માતા-પિતાના ઘરે પાછી આવી ગઇ હતી અને પછી કમલેશ સાથે લગ્ન કરી લીધા હતા. કોમલના લગ્ન કમલેશ સાથે થયા તે યશવંત ઉર્ફે અશ્વીનને પસંદ ન આવતા તેનો ખાર રાખી રાત્રે સાડા અગીયાર વાગ્યાથી પોણા બારેક વાગ્યા વચ્ચે કમલેશના ઘરે છરી સાથે આવી યશવંતે હત્યા નીપજાવી હતી અને ફરાર થઇ ગયો હતો.બનાવના પગલે ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 302, 447 અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement