જામનગર શહેરમાં આખરે લમ્પિ વાયરસના કારણે મૃત્યુનો આંક શૂન્યનો થયો

17 August 2022 02:25 PM
Jamnagar Health
  • જામનગર શહેરમાં આખરે લમ્પિ વાયરસના કારણે મૃત્યુનો આંક શૂન્યનો થયો

શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લમ્પિ વાયરસના કારણે એક પણ ગૌવંશના મૃત્યુ નહીં: 32 સારવાર હેઠળ

જામનગર તા.17:
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લમ્પિ વાયરસ ના કારણે હાકાર મચી ગયો હતો, અને અસંખ્ય ગૌવંશ ના મૃત્યુ થયા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશન અભિયાન તેમજ પશુઓ માટેનો ખાસ સારવાર કેન્દ્ર શરૂ કરાયા પછી આખરે લમ્પિ વાયરસને કાબુમાં લેવામાં મહાનગરપાલિકાના તંત્રને સફળતા સાંપડી છે, અને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લમ્પિ વાયરસના કારણે એક પણ ગૌવંશના મૃત્યુ થયા નથી, જેથી રાહતના સમાચાર મળ્યા છે.

જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે અનેક ગૌવંશ મૃત્યુ પામી રહ્યા હતા. જામનગર મહાનગર પાલિકા દ્વારા તારીખ 1.7.2022 થી તારીખ 16.8.2022 સુધીના સમયગાળા દરમિયાન કુલ 1,905 ગૌવંશ ના મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં લમ્પિગ્રસ્ત ગાયો નો પણ સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકા અને પશુપાલન વિભાગ દ્વારા શહેર અને આસપાસ ના વિસ્તારમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી, અને કુલ 5,386 પશુઓમાં વેક્સીનેશન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં ગાયોની સારવાર માટેનું આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા સતત તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, અને હાલ તેમાં લમ્પિગ્રસ્ત 32 ગૌવંશ સારવાર હેઠળ છે.

શહેરમાં લમ્પિગ્રસ્ત ગૌવંશની સારવાર તેમજ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવંતી બનાવ્યા પછી આખરે તેના મૃત્યુ પર અંકુશ લાવી શકાયો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લમ્પિગ્રસ્ત ગૌવંશ નો મૃત્યુનો આંકડો શુન્યનો રહ્યો છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રવિવારે સાત ગૌવંશ ના મૃત્યુ થયા હતા, જયારે સોમવારે 12 અને મંગળવારે 18 વાછરડા સહિતના ગૌવંશના મૃત્યુ થયા હતા. જે પૈકી લમ્પિગ્રસ્ત એક પણ ગાય અથવા અન્ય ગૌવંશ ના મૃત્યુ થયાના અહેવાલો મળ્યા નથી. ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં લમ્પિગ્રસ્ત ગાયોની સારવાર માટેનો પણ છેલ્લા બે દિવસથી એક પણ કોલ આવ્યો નથી, જેથી મહદઅંશે લમ્પિ વાયરસ પર નિયંત્રણ લાવવામાં આખરે સફળતા સાંપડી છે. જેથી ગૌ પ્રેમીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement