ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ: ઓડ-મેન આઉટ- હવે મંત્રીમંડળ પુન:રચના પર નજર

18 August 2022 10:48 AM
India Politics
  • ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ: ઓડ-મેન આઉટ- હવે મંત્રીમંડળ પુન:રચના પર નજર
  • ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ: ઓડ-મેન આઉટ- હવે મંત્રીમંડળ પુન:રચના પર નજર

► નિતીન ગડકરીની વિદાય: આરએસએસને પણ ખાસ સંદેશ!

► 2009 થી ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં સ્થાન ધરાવનાર હેવીવેઈટ નેતા હાલના બોર્ડમાં ‘અલગ’ પડતા હતા: 2013માં જ પ્રથમ ટાર્ગેટ બન્યા: 2022માં હિસાબ વસુલાયો

► શિવરાજ ચૌહાણની આઠ વર્ષથી પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં કોઈ મહત્વની ભૂમિકા જ નથી: નવા ઉભરી રહેલા રાષ્ટ્રીય વિકલ્પ યોગીની આગેકૂચ રોકવા કેરમની જેમ સ્ટ્રાઈકરે એક જ શોટથી બે કુકરી આઉટ કરી!

► 77 વર્ષના યેદીયુરપ્પાની એન્ટ્રી ભાજપની 75 વર્ષની ફોર્મ્યુલામાં અપવાદ: હવે કર્ણાટકમાં બોમ્મઈ પર જોખમ: મહારાષ્ટ્રમાં ફરજીયાત ડેપ્યુટી સીએમ બનાવાયેલા ફડનવીસને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સ્થાન આપી મહત્વ જાળવી રખાયું

રાજકોટ: મીશન-2024 લોકસભા ચૂંટણી અને તે પુર્વેની 18 રાજયોની ધારાસભા ચૂંટણીઓ માટેની એક સૌથી મોટી કેન્દ્રીય કવાયતમાં ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની પુન: રચના અને કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં પણ ફેરફાર એ એક તરફ લાંબા સમયથી આ ઈન્તજાર પણ હતા અને સાથોસાથ પક્ષમાં સંકેત પણ છે અને વધુ એક વખત ‘બોસ-કોણ’ એ સંદેશો પણ આપી દેવાયો છે. ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં જ્ઞાતિ, જાતિ કે પ્રદેશનું સંતુલન સધાયું હોવા કે સૌને પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કર્યાના અર્થઘટન વજૂદ વિહોણા છે.

ચોકકસપણે આગામી સમયમાં ચૂંટણીમાં જઈ રહેલા તેલંગાણા સહિતના રાજયોનું પ્રતિનિધિત્વ આવ્યું છે. આ કોઈ ચૂંટાયેલી બોડી નથી કે તેમાં પ્રતિનિધિત્વ નહી મળવાથી કોઈ નારાજ થઈ શકે. આ એક નિર્ણય લેનારી સર્વોચ્ચ બોડી છે જે ફકત ચૂંટણી લક્ષી જ નહી દેશમાં ભાજપના શાસનના અને વિપક્ષો સામેની રણનીતિ આ વ્યાપક રીતે વિચારીને આખરી નિર્ણય લેનારી સંસ્થા છે અને તેથી જ તેમાં થતા ફેરફાર એ લાંબા સમયના પક્ષના સંચાલન અને રાજયોના મુખ્યમંત્રીઓથી વડાપ્રધાન પદ સુધીના નિર્ણયો પર અસર કરે છે પરંતુ હાલના ભાજપમાં સતાનું કેન્દ્રીયકરણ વધુ મજબૂત બન્યું છે અને બે-ત્રણ વ્યક્તિઓની આસપાસ જ તમામ સતા કેન્દ્રીત થઈ છે. તેથી તેમાં સમાવેશ અને કોને બહાર કઢાયા કે બહાર રખાયા તે મહત્વનું બની જાય છે.

સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી શ્રી નિતીન ગડકરીને 2009માં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા. તે પુર્વે મહારાષ્ટ્રના રાજકારણમાં હતા અને તેઓ આ સમયથી ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડના સભ્ય છે તથા 13 વર્ષમાં તેઓ હંમેશા મોદી કેમ્પ વિરોધી જ રહ્યા હોવાની છાપ છે અને 2013માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભાજપના 2014ની લોકસભા ચૂંટણીના વડાપ્રધાનપદના દાવેદાર તરીકે જાહેર કરવામાં એકમાત્ર વિઘ્ન રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિતીન ગડકરી હતા. જેથી તેમના આ પદથી રાજીનામું ‘લેવરાવી’ને રાજનાથસિંઘને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા હતા.

જો કે એક શક્તિશાળી રાજનેતા આર.એસ.એસ.ના પીઠબળથી તેઓ કેન્દ્રીય રાજકારણમાં અને મોદી સરકારમાં સતત છે પણ હવે ભાજપે સંગઠનાત્મક જરૂરી પ્રક્રિયા પુરી કરી છે. તેથી કેન્દ્રીય મંત્રીમંડળની પુન: રચના હવે તોળાઈ રહી છે અને ગુજરાત હિમાચલની ધારાસભા ચૂંટણી પુર્વે થશે તેવા સંકેત છે તેમાં હવે નિતીન ગડકરી તેમનું સ્થાન જાળવી રાખે છે કે પછી વિદાય અપાય છે તેના પર સૌની નજર હશે.

ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં બીજી બાદબાકી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની છે અને કદાચ તેમની વિદાય કોઈ મોટા આંચકા કે પ્રત્યાઘાત સર્જશે નહી તેઓ રાષ્ટ્રીય ઉપપ્રમુખ, પાર્લીયામેન્ટ્રી બોર્ડના સભ્ય અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એમ ત્રણ પદ પર હતા અને ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં અને મુખ્યમંત્રી હોય તેવા એક જ વ્યક્તિ હતા અને તેઓને પડતા મુકાયા છે તેમાં અનુમાન છે કે રાજયોના કોઈ મુખ્યમંત્રીઓને પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં સ્થાન નહી તેવો સંદેશ અપાયો છે.

ખાસ કરીને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથના વધતા કદ પછી તેઓની રાષ્ટ્રીય મહાત્વાકાંક્ષાને કાબુમાં રાખવા શિવરાજ ચૌહાણને પડતા મુકીને યોગીને પણ દિલ્હીમાં આવવાની તક નથી તે નિશ્ર્ચિત કરવા પ્રયાસ કરાયા છે. બીજી તરફ 2024 બાદ પણ મોદી પછી નંબર ટુ અમીત શાહ એ પણ સંદેશ છે.

ભૂતકાળમાં અનેક મુખ્યમંત્રીઓ ભાજપના પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં રહી ચૂકયા છે. જેમાં શ્રી મોદીનો પણ સમાવેશ થાય છે. આમ આરએસએસ ને પણ તેની સાંસ્કૃતિક ‘ભૂમિકા’ સુધી જ મર્યાદીત રહેવા પણ સંદેશો છે. સૌથી મહત્વનું ભાજપને હવે ‘કેડર’ની જરૂર નથી તે પણ નિશ્ચિત કરી દેવામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસને કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં સ્થાન આપીને તે રીતે નિતીન ગડકરીની બાદબાકીને પણ સમતોલ કરાઈ છે. બન્ને મહારાષ્ટ્રના છે બન્ને બ્રાહ્મણ છે અને ખાસ કરીને દેવેન્દ્ર ફડનવીસને જે રીતે મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી પદ ફરજીયાત સ્વીકારવું પડયું તે તેમના માટે એક પીછેહઠ હતી અને તેથી તેઓને આ સ્થાન આપવામાં આવી છે.

કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી શ્રી બી.એમ.યેદીયુરપ્પાનું ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં સમાવેશ આશ્ચર્ય અને મજબૂરી બન્ને છે. શ્રી યેદીયુરપ્પાએ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી છે પણ તેમાં કર્ણાટકમાં હજું રાજકીય હેવીવેઈટ ગણાય છે. લીંગાયત સમુદાય જે ભાજપની વોટબેન્ક છે. તેના પર તેમની મજબૂત પકકડ છે. વર્તમાન મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, રાજકીય હેવીવેઈટ નથી મૂળ ભાજપના પણ નથી. ફકત યેદીયુરપ્પાના ખાસ છે. તેથી સી.એમ. બન્યા. 2023ની ધારાસભા 2024ની લોકસભા ચૂંટણીમાં હજું યેદીયુરપ્પા મહત્વના છે તે ભાજપે સ્વીકાર્યુ છે તો તેઓને દિલ્હી લાવી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષની ભૂમિકા ઘટાડાશે તેવું પણ માનવામાં આવે છે.

લઘુમતી પ્રતિનિધિત્વ શૂન્ય થયું
રાજકોટ: ભાજપમાં હવે કેન્દ્રીય મંત્રીમંડળ તથા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં લઘુમતી ખાસ કરીને મુસ્લીમ પ્રતિનિધિત્વ શૂન્ય થયું છે. અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળમાં રહેલા મુખ્તાર અબ્બાસ નકવીની રાજયસભાની ટર્મ પુરી થયા બાદ તેમને રીપીટ કરાયા ન હતા અને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પણ રાજીનામુ આપવાની ફરજ પડી.

જયારે હવે કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં સ્થાન ધરાવતા શાહનવાઝ હુશેનને પણ નવા ફેરફારમાં પડતા મુકાયા છે અને તેઓને એક તબકકે બિહારમાં જનતાદળ (યુ) સાથેની સરકાર સમયે ઉદ્યોગમંત્રી તરીકે સ્થાન મોકલાયુ હતું પણ હવે બિહારમાં પણ ભાજપ જનતાદળ (યુ)ની સરકાર રહી નથી અને તેથી હવે ભાજપ કોઈ મુસ્લીમ પ્રતિનિધિત્વમાં નવો ચહેરો શોધે છે કે કેમ તેના પર સૌની નજર છે.


Related News

Loading...
Advertisement
Advertisement