ગુજરાતની 16 કંપનીમાં ઈન્વેસ્ટરોને 6.57 લાખ કરોડની કમાણી

18 August 2022 10:51 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતની 16 કંપનીમાં ઈન્વેસ્ટરોને 6.57 લાખ કરોડની કમાણી

બે મહિનામાં અદાણી ગ્રુપ, સન ફાર્મા, ઝાયડસ, કલોરોકોમ જેવી કંપનીઓમાં તગડુ રીટર્ન

રાજકોટ તા.18
શેરબજારમાં તેજી વચ્ચે સેન્સેકસ 60000ની સપાટી ક્રોસ કરી ગયો છે ત્યારે ગુજરાતની કંપનીઓના રોકાણકારોને પણ મોટો ધનલાભ થયો છે. ગુજરાતની 16 કંપનીઓના માર્કેટકેપમાં છેલ્લા બે મહિનામાં 6.57 લાખ કરોડનો વધારો થયો છે. આ દરમ્યાન સેન્સેકસમાં 17.3 ટકાની વૃદ્ધિ થઈ છે.

ગુજરાતની કંપનીઓમાં સૌથી વધુ અદાણી ગ્રુપની કંપનીઓએ ઈન્વેસ્ટરોને કમાવી દીધા છે. અદાણી ટ્રાન્સમીશનના માર્કેટકેપમાં 1.75 લાખ કરોડ, અદાણી ટોટલગેસમાં 1.45 લાખ કરોડ, અદાણી એન્ટરપ્રાઈઝમાં 1.12 લાખ કરોડ, અદાણી ગ્રીન એનર્જીમાં 84913 કરોડ, અદાણી પાવરમાં 45743 કરોડ તથા અદાણી પોર્ટમાં 32762 કરોડની માર્કેટકેપ વધી છે.

આ ઉપરાંત સન ફાર્મના માર્કેટકેપમાં 30430 કરોડ તથા ઝાયડસ લાઈફસાયન્સમાં 6090.7 કરોડનો વધારો થયો છે. ગુજરાત ફલોરોકોમમાં 11477 કરોડનો વધારો છે.

શેરબ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા બે મહિનાઓમાં ગુજરાતની કંપનીઓ ઝગમગી છે. ભાવિ અંદાજો સારા મુકવામાં આવ્યા હોવાથી ઈન્વેસ્ટરોનો રસ વધ્યો છે. અદાણી ગ્રુપની કંપનીઓના પરિણામો અફલાતુન આવ્યા હોવાનો પડઘો છે. કેટલીક કંપનીઓમાં વિદેશી ઈન્વેસ્ટરોની ખરીદી થયાનું પણ મનાય છે. છેલ્લા છ મહિનામાં માર્કેટે ઉતાર-ચડાવ નિહાળ્યો છે. હવે ઈન્વેસ્ટરોનું માનસ બદલાઈ ગયું છે.

નવા નાણાં ઠાલવવા લાગ્યા છે. વિદેશી ઈન્વેસ્ટરો કેટલાંક દિવસોથી જંગી ખરીદી કરવા લાગ્યા હોવાના રિપોર્ટથી પણ માનસ પલ્ટામાં મહત્વનો ભાગ ભજવાયો છે. ક્રુડતેલમાં ઘટાડો થતા મોંઘવારી નીચી આવવાના આશાવાદનો પણ પ્રભાવ છે.


Related News

Loading...
Advertisement
Advertisement