ભાદર-1માં પોણા ત્રણ ફુટ સહિત 30 ડેમોમાં નવા નીર

18 August 2022 11:19 AM
Rajkot Top News
  • ભાદર-1માં પોણા ત્રણ ફુટ સહિત 30 ડેમોમાં નવા નીર

રાજકોટના આજી-ન્યારી ઉપરાંત ગોંડલી, સુરવો, માલગઢ, મચ્છુ, વર્તુ, વાસલ, ભોગાવો-2માં પાણીની આવક ચાલુ

રાજકોટ,તા. 18 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલી અવિરત મેઘસવારીના પગલે જળાશયોમાં પણ સતત નવા નિરની આવક યથાવત રહેવા પામી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ ફલડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના એક ડઝન સહિત સૌરાષ્ટ્રના 30 ડેમોમાં વધુ એકથી પાંચ ફૂટ જેટલા નવા નિરની આવક થઇ છે.

ખાસ કરીને રાજકોટને પીવાનું પાણી પુરુ પાડતા ભાદર-1, આજી-1 અને ન્યારી-1માં પણ છેલ્લા 24 કલાક દરમિયાન નવા નિરની આવક થવા પામી છે. ફલડ સેલના જણાવ્યા અનુસાર ભાદર-1માં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા ત્રણ ફૂટ જેટલું નવું પાણી આવી જતા ડેમની સપાટી 29 ફૂટ ઉપર પહોંચી ગઇ છે અને ભાદર-1 ડેમ 69 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ઉપરાંત રાજકોટનાં મોજમાં પોણો ફૂટ, આજી-1 ડેમમાં પણ અડધો ફૂટ નવું નિર આવ્યું છે.

આજી-1માં નવા પાણીની આવકના પગલે ડેમની સપાટી 21.80 ફૂટે પહોંચી ગઇ છે. જ્યારે રાજકોટ જિલ્લાનાં ઓવરફલો થઇ રહેલા સુરવો ડેમમાં પણ પાંચ ફૂટ નવું પાણી આવેલ છે.તેમજ ગોંડલીમાં પોણા બે ફૂટ, વાછપરીમાં એક ફૂટ, ન્યારી-1માં 0.33 ફૂટ, ફાળદંગ બેટીમાં અડધો ફૂટ, ઇશ્વરિયામાં બે ફૂટ, કર્ણુકીમાં પણ બે ફૂટ અને માલગઢમાં ચાર ફૂટ નવા પાણીની આવક થઇ છે.

તેમજ મોરબી જિલ્લાનાં મચ્છુ-1 ડેમમાં પોણો ફૂટ, મચ્છુ-2માં અડધો ફૂટ, ડેમી-1માં 0.13 ફૂટ, ડેમી-2માં પોણો ફૂટ અને ડેમી-3માં સવા ફૂટ નવા પાણીની આવક થઇ છે.જ્યારે જામનગર જિલ્લાનાં છ ડેમોમાં પણ નવા નિરની આવક થઇ છે જેમાં સસોઇમાં સવા ફૂટ, ફૂલઝર-1માં એક ફૂટ, સપડામાં અડધો ફૂટ, કંકાવટીમાં 0.20 ફૂટ, રુપાવટીમાં અઢી ફૂટ અને સસોઇ-2 ડેમમાં પોણા ત્રણ ફૂટ નવા પાણીની આવક છેલ્લા 24 કલાકમાં થઇ છે.

જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાનાં 12 પૈકી 4 ડેમોમાં પણ નવા નિર આવ્યા છે જેમાં વર્તુ-2માં એક ફૂટ, વેરાડી-1માં અડધો ફૂટ, કાબરકામાં પોણો ફૂટ અને મીણસાર (વાનાવડ) ડેમમાં દોઢ ફૂટ નવા પાણીની આવક થઇ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 પૈકી બે ડેમોમાં નવા પાણીની આવક થઇ છે જેમાં વાસલ ડેમમાં સવા ફૂટ અને લીંબડી ભોગાવો-2 (વડોદ)માં એક ફૂટ નવું પાણી આવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement