પાંચ વર્ષ સુધી ક્રિકેટનો ભરપૂર ‘ડોઝ’: 12 ટીમો રમશે 777 મેચ: ટીમ ઈન્ડિયા 141 મુકાબલા

18 August 2022 11:20 AM
India Sports World
  • પાંચ વર્ષ સુધી ક્રિકેટનો ભરપૂર ‘ડોઝ’: 12 ટીમો રમશે 777 મેચ: ટીમ ઈન્ડિયા 141 મુકાબલા

► 30 વર્ષ બાદ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી: 2023થી 2027 વચ્ચે 12 ટીમો વચ્ચે 173 ટેસ્ટ, 281 વન-ડે અને 323 ટી-20 મુકાબલા સામેલ

► ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ જ દ્વિપક્ષીય શ્રેણી નહીં: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે સીઝન રમાશે: 2023નો વર્લ્ડકપ ભારતમાં: ત્યારપછી વિન્ડિઝ અને યુએસએ કરશે ટી-20 વર્લ્ડકપની યજમાની: 2025માં પાકિસ્તાનમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી

► પાંચ વર્ષ સુધી આઈપીએલ દરમિયાન એક પણ આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન નહીં થાય

► ટીમ ઈન્ડિયા પાંચ વર્ષમાં 42 વન-ડે, 38 ટેસ્ટ અને 61 ટી-20 મુકાબલા રમશે: આઈસીસીએ જાહેર કર્યો પાંચ વર્ષનો ફ્યુચર ટૂર પ્રોગ્રામ

નવીદિલ્હી, તા.18
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ વર્ષ 2023થી લઈને 2027 સુધીના પુરુષ ક્રિકેટનો એફટીપી (ફ્યુચર ટુર પ્રોગ્રામ) જાહેર કરી દીધો છે. 2023થી 2027 સુધીની ક્રિકેટ સાઈકલમાં પુરુષ ટીમો કુલ 777 આંતરરાષ્ટ્રીય મેચ રમશે જેમાં 173 ટેસ્ટ, 281 વન-ડે અને 323 ટી-20 મેચ સામેલ છે. આ તમામ મેચ આઈસીસી ઈવેન્ટસ, દ્વિપક્ષીય શ્રેણી અને ત્રિકોણિય શ્રેણીનો હિસ્સો ગણાશે. આ સાઈકલ પુરુષ ક્રિકેટના 12 સભ્ય દેશો માટે છે. પાછલી ક્રિકેટ સાઈકલની તુલનામાં આ વખતે 83 મેચ વધારી દેવામાં આવ્યા છે. પાછલી ક્રિકેટ સાઈકલમાં કુલ મેચોની સંખ્યા 694 હતી.

આ ઉપરાંત આઈપીએલ માટે આઈસીસીએ અલગથી અઢી મહિનાની વિન્ડો આપી છે. મધ્ય માર્ચથી લઈને મેના અંત સુધીનો સમય આઈપીએલને આપવામાં આવ્યો છે. એ દરમિયાન પાંચેય વર્ષે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાય. તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઈપીએલ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. આ ઉપરાંત એક રસપ્રદ વસ્તુ એવી પણ છે જે આ ફ્યુચર ટુર પ્રોગ્રામમાં જોવા મળી છે જે એ છે કે 2026 ટી-20 વર્લ્ડકપ બાદ સાડા પાંચ મહિનામાં આફ્રિકાએ કોઈ ક્રિકેટ રમવાનું રહેશે નહીં.

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ટેસ્ટ મેચોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. 2023થી એક ટેસ્ટ શ્રેણીમાં મેચની સંખ્યા ચારથી વધારીને પાંચ કરાઈ છે. પાછલી વખતે બન્ને ટીમો 1992માં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટક્કર થઈ હતી. ઑસ્ટ્રેલિયાએ હવે 2023થી 2027 વચ્ચે દર વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાંથી કોઈ એક શ્રેણી રમવાની જ છે. ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારત 2023થી 2027ના એફટીપી સાયકલ દરમિયાન સૌથી વધુ ટેસ્ટ મેચ રમશે જેમાં ઈંગ્લેન્ડ 22, ઑસ્ટ્રેલિયા 21 અને ભારત 20 ટેસ્ટ મેચ રમશે.

જ્યારે ભારતના મેચોની વાત કરવામાં આવે તો તેનો પ્રારંભ આવતાં વર્ષે જૂલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી થશે. આ પ્રવાસે ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને બે ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. આ પછી ડિસેમ્બર-2023માં ભારત-આફ્રિકાના પ્રવાસે આવશે. જાન્યુઆરી-2023માં ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની જમીન ઉપર પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. 2024ના નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ તેના ઘરમાં શ્રેણી રમશે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જૂન-2025માં એક શ્રેણી રમશે. આ ઉપરાંત 2027ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના ઘરમાં શ્રેણી રમશે.

આગલા એફટીપીમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે સીઝન રમાશે. આ ઉપરાંત ચાર વધુ આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન થશે. આઈસીસી ઈવેન્ટસની શરૂઆત આગલાં વર્ષે ભારતમાં થનારા વન-ડે વિશ્વકપથી થશે. ત્યારપછી 2024માં વિન્ડિઝ અને યુએસએ ટી-20 વિશ્વકપની મેજબાની કરશે. 2025માં પાકિસ્તાનની મેજબાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. ત્યારપછી ભારત-શ્રીલંકા સંયુક્ત રીતે 2026માં ટી-20 વર્લ્ડકપની મેજબાની કરશે. 2027માં આફ્રિકા, ઝીમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત મેજબાનીમાં વન-ડે વર્લ્ડકપ રમાશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ જ દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં. પાકિસ્તાન આગામી એફટીપી સાઈકલમાં 12 સભ્ય દેશોમાંથી 10 વિરુદ્ધ દ્વિપક્ષીય શ્રેણી રમશે. પાકિસ્તાન ચાર વર્ષના ગાળામાં 27 ટેસ્ટ, 47 વન-ડે અને 56 ટી-20 મેચ રમશે. પાકિસ્તાન આ દરમિયાન ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને ઝીમ્બાબ્વેની મેજબાની કરશે. સાથે જ 2023 એશિયા કપની મેજબાની પણ કરશે.

આ ઉપરાંત પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પોતાના ઘરમાં ત્રિકોણિય શ્રેણી પણ રમશે. 2023-24 સીઝનમાં અફઘાનિસ્તાને છ ટેસ્ટ મેચ રમવાની છે તેમાંથી ત્રણ ટેસ્ટ (બે ઝીમ્બાબ્વે વિરુદ્ધ અને એક આયર્લેન્ડ સામે) અફઘાનિસ્તાનની ટીમ પોતાના ઘરમાં રમશે. જ્યારે ત્રણ ટેસ્ટ (બે બાંગ્લાદેશ અને એક શ્રીલંકા) વિદેશી જમીન પર રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા, ઑસ્ટ્રેલિયા, વિન્ડિજ અને આયર્લેન્ડ વિરુદ્ધ પણ ટેસ્ટ મેચ રમશે. બીજી બાજુ આયર્લેન્ડ આગલી સાઈકલમાં 14 ટેસ્ટ મેચ રમશે જેમાં અફઘાન અને ઝીમ્બાબ્વે વિરુદ્ધ ચાર-ચાર ટેસ્ટ, બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રર, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક-એક ટેસ્ટ સામેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement