મધ્યપ્રદેશને રણજી ચેમ્પિયન બનાવનારા ચંદ્રકાંત પંડિત કોલકત્તા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ બન્યા

18 August 2022 11:21 AM
India Sports
  • મધ્યપ્રદેશને રણજી ચેમ્પિયન બનાવનારા ચંદ્રકાંત પંડિત કોલકત્તા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ બન્યા

આગલી સીઝનથી જ ટીમને કોચિંગ આપશે: મેક્કયુલમની જગ્યા ‘લક્કી’ ગણાતાં પંડિતે લીધી

નવીદિલ્હી, તા.18
ઘરેલું ક્રિકેટમાં સૌથી સફળ કોચ પૈકીના એક એવા ચંદ્રકાંત પંડિત હવે આઈપીએલમાં કોચિંગ કરતાં જોવા મળશે. પંડિતને કોલકત્તાએ પોતાના હેડ કોચ બનાવ્યા છે. તેઓ ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કયુલમની જગ્યા લેશે. મેક્કયુલમે આઈપીએલ-2022 બાદ કેકેઆરનો સાથ છોડી દીધો હતો. તે ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા છે ત્યારથી કેકેઆરના હેડ કોચનું પદ ખાલી હતું. ફ્રેન્ચાઈઝીએ સોશ્યલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે. પંડિત આગલી સીઝનમાં જ કોલકત્તાની ટીમને કોચિંગ આપશે.

ચંદ્રકાંતિ પંડિતે મધ્યપ્રદેશને રણજી ચેમ્પિયન બનાવ્યું હતું. તેઓ ટીમ સાથે હેડ કોચ તરીકે જોડાયા હતા. ત્યારે મધ્યપ્રદેશે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 41 વખતની ચેમ્પિયન મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. મધ્યપ્રદેશના બેટરોએ ફાઈનલ મુકાબલાના અંતિમ દિવસે 108 રનના લક્ષ્યાંકને ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

ચંદ્રકાંત પંડિત ભારતના ઘરેલું ક્રિકેટના સૌથી સફળ કોચ છે. એવું કહેવાય છે કે પંડિત જે ટીમ સાથે જોડાય છે તેની કિસ્મત ચમકી ઉઠે છે. ચંદ્રકાંત પંડિતે ક્રિકેટને સચિન તેંડુલકરના ગુુરુ અને જાણીતા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર પાસેથી જાણ્યું-શીખ્યું છે. ખેલાડી તરીકે તેમણે ટીમ ઈન્ડિયા માટે પાંચ ટેસ્ટ અને 36 વન-ડે મુકાબલા રમ્યા છે. તેઓ 1986ની વર્લ્ડકપ ટીમનો હિસ્સો છે. ડૉમેસ્ટિક કરિયરની વાત કરવામાં આવે તો મુંબઈ વતી 138 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમના નામે 48.57 રનની સરેરાશથી 8209 રન છે. આ દરમિયાન તેમણે 22 સદી અને 42 ફિફટી બનાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement