કારકિર્દીના સૌથી ‘પ્રચંડ’ ફોર્મમાં રમી રહેલો પુજારા: હવે મહત્ત્વની ઈનિંગ રમી ટીમને અપાવી જીત

18 August 2022 11:25 AM
India Sports
  • કારકિર્દીના સૌથી ‘પ્રચંડ’ ફોર્મમાં રમી રહેલો પુજારા: હવે મહત્ત્વની ઈનિંગ રમી ટીમને અપાવી જીત

ઈંગ્લેન્ડ કાઉન્ટીમાં ડરહમ વિરુદ્ધ અણનમ 49 રન બનાવી ટીમને અપાવી શાનદાર જીત: પહેલી બે મેચમાં સદી ફટકાર્યા બાદ હવે અણીના સમયે ધરખમ બેટિંગ કરીને ટીકાકારોની બોલતી કરી બંધ

નવીદિલ્હી, તા.18
ચેતેશ્વર પુજારાનું બેટ શાંત થવાનું નામ લઈ રહ્યું નથી. તે અત્યારે ઈંગ્લેન્ડમાં છે અને કાઉન્ટી ટીમ સસેક્સ વતી રૉયલ લંડન વન-ડે ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. ટીમની આગેવાની કરી રહેલો પુજારા સતત ત્રીજી મેચમાં 50 રનની નજીક પહોંચી ગયો હતો. ટૂર્નામેન્ટમાં પુજારાએ બે સદી પણ બનાવી છે. તેણે ત્રીજી મેચમાં ડરહમ વિરુદ્ધ અણનમ 49 રન બનાવ્યા અને ટીમને જીત પણ અપાવી હતી. તેની આ ઈનિંગની ખાસિયત એ રહી કે તે કપરી સ્થિતિમાં જઈ રહેલી મેચમાં ટીમને જીતના ટ્રેક પર લાવ્યો હતો. ટીમે લક્ષ્યાંકને ચાર બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો.

ચેતેશ્વર 68 બોલમાં 49 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે આ ઈનિંગમાં માત્ર બે ચોગ્ગા લગાવ્યા હતા જે જોઈને તેની ઈનિંગ સંઘર્ષપૂર્ણ રહી તેમ કહી શકાય. તે જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ટીમનો સ્કોર બે વિકેટે 123 રન હતો પરંતુ બાદમાં તે પાંચ વિકેટે 184 રન થઈ ગયો હતો. આ પહેલાં ડરહમે પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટે 228 રન બનાવ્યા હતા. ઓપનર ગ્રાહમ ક્લાર્કે સૌથી વધુ 69 રન બનાવ્યા તો જેમ્સ કોલ્સે ત્રણ વિકેટ મેળવી હતી.

આ પહેલાં 34 વર્ષીય પુજારાએ 14 ઑગસ્ટે સરે વિરુદ્ધ 174 રનની તાબડતોબ ઈનિંગ રમી હતી. આ તેની લિસ્ટ ‘એ’ કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ હતી. તેણે 131 બોલનો સામનો કરીને 133ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા જેમાં 20 ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા મતલબ કે 110 રન તો તેણે બાઉન્ડ્રીથી જ લીધા હતા. ત્યારપછી 12 ઑગસ્ટે વાર્વિકશાયર વિરુદ્ધ 107 રન ઝૂડ્યા હતા. આ દરમિયાન તેણે એક ઓવરમાં 22 રન ફટકારી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement