બોટાદ જિલ્લાના 20 ગામોના અમૃત સરોવર પાસે ધ્વજારોહણ: લોકોમાં છવાયો ઉત્સાહ

18 August 2022 11:33 AM
Botad
  • બોટાદ જિલ્લાના 20 ગામોના અમૃત સરોવર પાસે ધ્વજારોહણ: લોકોમાં છવાયો ઉત્સાહ
  • બોટાદ જિલ્લાના 20 ગામોના અમૃત સરોવર પાસે ધ્વજારોહણ: લોકોમાં છવાયો ઉત્સાહ

બોટાદ, તા.18
સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય અવસરની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. બોટાદના 20 અમૃત સરોવરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી રેલી યોજવામાં આવી હતી.

15 ઓગસ્ટ નિમિત્તે 20 અમૃત સરોવરો પાસે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ગામના સેનાનીઓ, વીર શહીદોના પરિવારજનો, ગ્રામ પંચાયતના આગેવાનો, ગ્રામજનો, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ધ્વજવંદનમાં ઉમંગભેર જોડાયા હતા. ધ્વજવંદન બાદ ગામોમાં રેલી યોજવામાં આવી હતી. અમૃત સરોવર તિરંગાથી શોભી ઉઠ્યા હતા. બોટાદ જિલ્લાના 20 ગામોમાં દેશના આઝાદીના 75 વર્ષની ઉજવણીથી સમગ્ર માહોલ તિરંગામય બની ઉઠ્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યુ હતું કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત નિર્માણ/વિકાસ કરવામાં આવે. તે અંતર્ગત બોટાદ જિલ્લામાં ખુબ ઝડપી ધોરણે કામગીરી ચાલી રહી છે. જે તળાવનો વિકાસ અથવા નિર્માણ કરવાનું હોય તેને અમૃત સરોવર નામ આપવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં તળાવ મહાત્મા ગાંધી નરેગા યોજના અન્વયે ઊંડું કરવાનું કાર્ય હાથ ધરાયુ છે અને ગામલોકો તળાવ નિર્માણની સાથોસાથ સુશોભનની કામગીરીમાં સહભાગી બની રહ્યા છે. કામગીરીમાં જોડાયેલા કામદારોને નરેગા યોજના અંતર્ગત રોજગારી મળી રહી છે.

ગામના લોકોને બેસવા માટે બાંકડા મુકવામાં આવ્યા તેમજ ધ્વજવંદન માટે પેવરબ્લોક, માહિતી બોર્ડ સાથે અમૃત સરોવર કાર્યસ્થળે લીમડા, પીપળા, બરગદ જેવા દેશી કુળના વૃક્ષોનું રોપણ કરી ઉછેર કરવામાં આવ્યા છે. ગામના પાદરમાં તળાવનું નિર્માણ થતા ખેડૂતો ઉપરાંત પશુપક્ષીઓને પીવા માટે પાણી મળી રહ્યું છે. રમત ગમતનું નાનું મેદાન તેમજ અન્ય સુશોભન માટે સહભાગી બનતા ગ્રામજનો ખુબ જ ઉત્સાહ બતાવી રહ્યા છે.
(તસ્વીર : રીમલ બગડીયા)


Loading...
Advertisement
Advertisement