કાલે નંદલાલાના જન્મ વધામણા : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર શોભાયાત્રા : ઉલ્લાસ

18 August 2022 11:52 AM
Rajkot Saurashtra
  • કાલે નંદલાલાના જન્મ વધામણા : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર શોભાયાત્રા : ઉલ્લાસ

લોકમેળાનો આનંદ લૂંટતા પ્રજાજનો : શહેરી વિસ્તારમાં ઠેર ઠેર ફલોટસની રચના : રાજકોટ, ધ્રોલ, ફલ્લા, વેરાવળ, ગોંડલ સહિતના ગામો-શહેરોમાં જામ્યો કૃષ્ણભકિતનો રંગ : ડાકોર, દ્વારકાના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવના વિશેષ આયોજનો : હવેલીઓમાં અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે

રાજકોટ, તા. 18
જન્માષ્ટમી પર્વની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ રહી છે. ગઇકાલે રાંધણ છઠ્ઠ હતી. લોકોએ રાંધણ છઠ્ઠની રસોઇ કરી હતી આજે શીતળા સાતમના લોકો ટાઢી રસોઇ આરોગશે તેમજ પરિવારના સભ્યો માતા શીતળાના મંદિરે જઇને પરિવારના તથા બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમજ કુલેર તથા શ્રીફળ ધરીને પૂજા-ભકિત કરી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે જન્માષ્ટમી નિમિતે ઠેર ઠેર જન્માષ્ટમી રથયાત્રાના આયોજનો કરાયા છે. આવતીકાલે લોકો કૃષ્ણના રંગમાં રંગાશે. કોરોનાના બે વર્ષ બાદ ઉત્સવ ઉજવવાની તક મળતા લોકોમાં અનેરો ઉલ્લાસ ઉમંગ છલકાઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ગામો-શહેરોમાં લોકમેળાનો પ્રારંભ થયો છે. મેળામાં ગઇકાલથી જ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે લોકો મેળામાં પહોંચ્યા હતા. લોકમેળો છ દિવસ સુધી ચાલવાનો છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફલોટસ રચવામાં આવ્યા છે જેમાં ‘શ્રીકૃષ્ણના જીવન પ્રસંગોની ઝાંખીના દર્શન લોકો કરી રહ્યા છે. આજથી જ ફલોટસ ખુલ્લા થયા છે.

ગોંડલ
ગોંડલમાં જન્માષ્ટમી નિમિતે ગોંડલમાં પ્રતિ વર્ષ યોજાતી શોભાયાત્રાનું આયોજન કોરોનાને કારણે બે વર્ષથી બંધ હોય આ વર્ષ અનેરા ઉત્સાહ સાથે હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઇ ટોળીયાએ જણાવ્યું કે ગોકુલ અષ્ટમીના શોભાયાત્રા પરંપરાગત રીતે શહેરમાં ફરશે. શોભાયાત્રામા ધાર્મિક, દેશભકિત તથા સાંસ્કૃતિને ઉજાગર કરતા 4પ ફલોટસ જોડાશે ઉપરાંત રાસ મંડળી, ભજન મંડળીઓ પણ જોડાનાર છે. ભગવતપરા પટેલવાડીથી શોભાયાત્રા પ્રસ્થાન થઇ મોટાપુલ, માંડવી ચોક, નાની બજાર, ઉદ્યોગભારતી ચોક, ભોજરાજપરા, મોટીબજાર થઇ વેરી દરવાજા હવેલીએ પૂર્ણ થશે. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ શહેરની સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો, આગેવાનો સહિત નગરજનો જોડાશે. જન્માષ્ટમી શોભાયાત્રાને લઇને શહેરભરમાં જબરો માહોલ છવાયો છે.

ધ્રોલ
ધ્રોલ હિન્દુ સેના દ્વારા કાલે તા. 19ના જન્માષ્ટમી પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા વૈષ્ણવોની હવેલી ખાતેથી સવારે 9 વાગ્યે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં ધ્રોલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો કૃષ્ણ ભકતો હાજરી આપશે તેમજ શહેરના વિવિધ સંસ્થાના હોદ્દેદારો, હિન્દુ સંગઠનો, ધાર્મિક સંગઠનો, ભજન મંડળો, ધુન મંડળો, સામાજિક આગેવાનો સહિત વ્યાપારી સમુદાય આ ભવ્ય શોભાયાત્રામાં જોડાશે. આ જન્માષ્ટમીના મહાન ધાર્મિક પ્રસંગે યોજવામાં આવેલ. શોભાયાત્રામાં હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઇ મહેતા અને ધર્મભકતોને વિશાળ સંખ્યામાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવેલ છે.

કોડીનાર
છેલ્લા 2 વર્ષ થી કોરોના કાળ ના તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ હતા જે આ વર્ષે થી યોજાવા નું નક્કી થતાં કોડીનાર નગર પાલિકા દ્વારા શહેરીજનો નો ઉત્સાહ વધારવા આગામી તા. 19 ને શુક્રવારના રોજ આવતા જન્માષ્ટમીના તહેવારમાં કોડીનાર નગરપાલિકા દવારા જુદા જુદા વિસ્તારોમાં આવેલ મટકી શણગાર તથા તે સાથે સામેલ જરૂરી ફલોટને પ્રથમ , બીજો અને ત્રીજો આપવાનું નકકી કરેલ હોય આ બાબતે યુવક મંડળ / ગ્રુપો ને જરૂરી સુચનો આપવા તા .18 ને ગુરૂવારના રોજ સવારના 11-00 કલાકે નગરપાલિકા કચેરી - કોડીનાર ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે અને વધુ ને વધુ યુવક મંડળો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય તેવું કોડીનાર નગર પાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ ભટ્ટે અખબારી યાદીમાં જણાવાયું છે.

વેરાવળ
વેરાવળમાં આવેલ ગોવર્ધનનાથજી હવેલી એ કોરોનાને કારણે મુલત્વી રહેલ "મટકીફોડ ઉત્સવ" આ વર્ષે ધામધૂમ પુર્વક યોજવામાં આવનાર છે.આ મટકીફોડ ઉત્સવ ની શરૂઆત નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને હાલના નગરસેવક ઉદયભાઇ શાહ સહીતના મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ જે અનુસંધાને આ વર્ષે ગોવર્ધનનાથજી હવેલી એ "મટકીફોડ ઉત્સવ" નું આયોજન આઠમ નાં દિવસે શુક્રવારે તા.19 નાં રોજ રાત્રે દસ વાગ્યા થી મહિલાઓનાં રાસ ગરબા અને શ્રી કૃષ્ણનાં જન્મ સમયે રાત્રે બાર વાગ્યે મટકીફોડ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ વર્ષે જન્માષ્ટમીનાં દિવસે પ.પુજય માધવરાયજી મહારાજ ની આજ્ઞાનુંસાર વરણાગી (શોભાયાત્રા) નું આયોજન આઠમનાં દિવસે શુક્રવારે તા.19 નાં સાંજે 4-30 કલાકે ગોવર્ધનનાથજી હવેલીએ થી પ્રસ્થાન કરી 60 ફુટ રોડ. વિદ્યુત નગર. ભવાની હોટલ રેયોન. બસ સટેશન. ટાવર. લાઈબ્રેરી. સટ્ટા બજાર અને સુભાષ રોડ દ્વારકાધિશજીની હવેલીએ પુર્ણ થનાર છે. આ બંન્ને અલૌકિક મનોરથોનાં લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ હવેલીનાં સંચાલક મંડળ વતી ભાદાભાઈ રાયઠઠા અને નગરસેવક ઉદયભાઇ શાહે અખબારી યાદીમાં જણાવેલ છે.

ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામ તથા નજીકનાં ગામોમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખુબ જ ધામધુમપૂર્વક ઉજવવામાં આવશે. ફલ્લામાં જન્માષ્ટમીનાં દિવસે વહેલી સવારે શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા ગામનાં શ્રી રણછોડરાયજીનાં મંદિરેથી નીકળીને શ્રી તપેશ્વર મહાદેવનાં મંદિરે પૂર્ણ થશે. ગામનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રાને આવકારવામાં આવશે. વર્ષોની પરંપરા મુજબ શ્રી તપેશ્વર મહાદેવનાં મંદિરે ડેમની નજીકમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ગ્રામ્ય મેળો ભરાશે. રાસ મંડળીની રમઝટ બોલાશે. મહાદેવજીનાં દર્શન માટે અબાલ-વૃધ્ધ સૌ ઉમટી પડશે. જયારે રાત્રે શ્રી રણછોડરાયજીનાં મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. કાનુડામાં આગમનને વધાવવા માટે ફલ્લા તથા નજીકનાં ગામોના શિવ મંદિરો, શ્રીકૃષ્ણ મંદિરો, ગામનાં મુખ્ય માર્ગો, ચોક વગેરેને રંગબેરંગી ધજા-પતાકા તથા રોશનથી શણગારવામાં આવ્યા છે.

અમરેલી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા આગામી તા. 19ના જન્માષ્ટમી નિમિતે અમરેલી શહેરમાં કૃષ્ણ મહોત્સવમાં રાત્રીના 11 થી 12 સીનીયર સીટીજન પાર્કમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આયોજીત કાર્યક્રમો આપશે ત્યાંથી તા.20ના રોજ અંટાળીયા મહાદેવ મંદિર મહાઆરતી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળભાઇ ખુમાણના નિવાસે મુલાકાત લેશે. ડો. તોગડીયા પોતાના વતન સાજનટીબામાં ટુંકુ રોકાણ કરશે તેમની સાથે ડો. ગજેરા, નિર્મળભાઇ ખુમાણ વિગેરે કાર્યકર્તાઓ જોડાશે.


Related News

Loading...
Advertisement
Advertisement