ગિરનાર ડુંગર ઉપર અનરાધાર 9 ઇંચ વરસાદ ખાબક્યો

18 August 2022 12:22 PM
Junagadh
  • ગિરનાર ડુંગર ઉપર અનરાધાર 9 ઇંચ વરસાદ ખાબક્યો

જિલ્લામાં 3 થી 5 ઇંચ : હસ્નાપૂર ડેમ છલકાયો, દામોદર કુંડ, સોનરખ નદી ફરી બે કાંઠે : વિલીગ્ડન ડેમ અને નરસિંહ મહેતા તળાવ ઓવરફલો

જુનાગઢ,તા. 18 : જુનાગઢમાં ગઇકાલે બુધવારના ભારે મેઘ ખાંગા થયા હોય તેમ મેઘતાંડવ સર્જાયું હતું. ગિરનાર પર્વત ઉપર મુશળધાર વરસાદ તુટી પડ્યો હતો. 9 ઇંચ વરસાદ ખાબકતા ગિરી કંદરાઓ, ખીણોમાંથી તેમજ ગિરનારના પગથીયા પરથી ધોધ વછુટ્યા હતા. જુનાગઢમાં સીઝનનો 107 ટકા વરસાદ નોંધાયો છે જેના કારણે જૂુનાગઢનો હસ્નાપુર ડેમ વિશાળ છલકાઈ જવા પામ્યો છે.

જે ઓવરફલો થઇને વહી રહયો છે. તેમજ નરસિંહ મહેતા સરોવર, સોનેરખ નદી, લોલ નદી, કાળવો બે કાંઠે ગઇકાલે વહેતા થયા હતા. જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ત્રીજી વખત ઓવરફલો થવા પામ્યો છે. નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થઇ જતાં શહેરની સોસાયટીઓમાં પાણી ઘુસી જવા પામ્યા હતા. સોનરખ નદી બે કાંઠે વહેતી થઇ જવા પામી હતી. લોકોના ઘરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા. કાળવાના ઘોડાપુર વંથલી રોડ પરની વિશ્વકર્મા સોસાયટીઓમાં ઘુસી જતાં 15 જેટલા ઘરોમાં નુકશાન થવા પામ્યું હતું.

સૌથી વધુ જુનાગઢમાં 5 ઇંચ વરસાદ જુનાગઢ તાલુકામાં પણ ખાબક્યો હતો. સોસાયટીઓમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.દોલતપરા, ગોવર્ધનપાર્ક, ઝાંઝરડા રોડ ઉપર ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. સોસાયટીઓમાં ઠેર ઠેર પાણી ઘુસી ગયા હતા.જુનાગઢ શહેરના વૈભવ રોડ, જોષીપરાનું ગળનાળું, મજેવડી દરવાજા, સરદારબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.

માણાવદર અને તાલુકામાં 6 ઇંચ તૂટી પડ્યો હતો. વંથલીમાં ચાર ઇંચ, ભેંસાણ-વિસાવદર કેશોદ, મેંદરડા ખાતે ત્રણ-ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.આજે સવારથી સુર્યનારાયણના દર્શન થતા સાતમ આઠમના તહેવારોમાં લોકો ફરવા માટે નીકળતા જોવા મળી રહ્યા છે. ખેડુતો હવે ખમૈયા કરતો તેનાં નાદથી મેઘરાજાને વિનવી રહ્યા છે. મગફળી, કપાસ, મગ, તલ, અડદ, સોયાબીનના પાકો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યો છે. હવે વરાપની ખાસ જરુરત હોવાનું ખેડૂત વર્ગમાંથી બોલાઇ રહ્યું છે. આજે વહેલી સવારે વિસાવદરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો બાકી જિલ્લામાં મોડી રાત્રિથી મેઘરાજાએ વિરામ લીધો છે.


Loading...
Advertisement
Advertisement