ગોંડલના અનીડાવાછરામાં પત્નીને તેડવા ગયેલા આર્મીમેન અને તેના ભાઈ પર સાસરીયાનો હુમલો

18 August 2022 12:34 PM
Gondal
  • ગોંડલના અનીડાવાછરામાં પત્નીને તેડવા ગયેલા આર્મીમેન અને તેના ભાઈ પર સાસરીયાનો હુમલો

કાલાવડના ખડધોરાજી વતન આવેલા આર્મીમેન ગૌતમભાઈએ પિયર ગયેલી પત્નીને વિડીયો કોલ કરતા માથાકૂટ થઈ: મોટાભાઈ સાથે પત્નીને તેડવા ગયાને મામલો બિચકયો: સાસુ-સસરા, સાળી સહિત 10 શખ્સો તુટી પડયા: બન્નેને સારવારમાં ખસેડાયા

રાજકોટ તા.18
ગોંડલના અનીડા વાછરામાં માવતર ગયેલી પત્નીએ વિડીયોકોલમાં વાત કરવાની ના પાડતા તેડવા ગયેલ આર્મીમેન ગૌતમ ચંદ્રપાલ અને તેના મોટાભાઈ પર સાસરીયા પક્ષના દસ શખ્સોએ ધોકા અને પાઈપથી હુમલો કરતા બન્નેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડના ખડધોરાજીમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા ગૌતમભાઈ માવજીભાઈ ચંદ્રપાલ (ઉ.22) અને તેના ભાઈ ગીરીશભાઈ ચંદ્રપાલ (ઉ.38) ગત રોજ રાત્રીના સમયે તેમના સસરાના ઘરે ગોંડલ અનીડા વાછરા ગયા હતા જયાં સાસરીયા તુષાર, જેન્તી, કાંતી, ધવલ, દાના, મીહીર, દયા અને શીલુબેન સહીતના શખ્સોએ ઝગડો કરી ધોકા અને પાઈપથી ફટકારતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

વધુમાં ઈજાગ્રસ્ત આર્મીમેન ગૌતમભાઈએ જણાવ્યું હતું કે મારા લગ્ન બે વર્ષ પહેલા ગોંડલના અનીડા વાછરાની ચાંદની સાથે થયા હતા અને સંતાનમાં એક પુત્ર છે તેમજ હું અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવું છું. થોડા દિવસ પહેલા હું રજા પર વતન આવેલ હતો અને મારી પત્ની માવતરે ગયેલ હોવાથી મે તેમને ગત રોજ વિડીયો કોલ કરવાનું કહ્યું હતું. ત્યારે મારી સાળીએ વીડિયો કોલ કરવાની ના પાડી હતી. જેથી હું અને મારો મોટોભાઈ તેમને લેવા માટે અનીડા વાછરા ગયેલ હતા. જયાં હાજર મારા સસરા જેન્તીભાઈ, સાળો, સાળી સહીતના શખ્સોએ ઝઘડો કરી તુટી પડયા હતા.


Loading...
Advertisement
Advertisement