કલ્યાણપુરના લાંબા ગામે રહેણાંક મકાનમાં ઘરફોડી: દાગીના સહિતના મુદ્દામાલની ઉઠાંતરી

18 August 2022 01:47 PM
Jamnagar
  • કલ્યાણપુરના લાંબા ગામે રહેણાંક મકાનમાં ઘરફોડી: દાગીના સહિતના મુદ્દામાલની ઉઠાંતરી

સવાલાખની ચોરીમાં હમીરનું શકદાર તરીકે નામ

જામ ખંભાળિયા, તા. 18
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરમુખભાઈ અરસીભાઈ મંડોરા નામના 51 વર્ષીય પ્રજાપતિ આધેડના રહેણાંક મકાનમાં ગત તારીખ 11 ઓગસ્ટ પછીના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, આ મકાનમાં રાખવામાં આવેલી પોણા તોલાની સોનાની વીંટી, પોણા બે તોલા સોનાનો ચેન, સોનાની ગળામાં પહેરવાની પોણા બે તોલાની હાંસડી, તથા ચાંદીના પગમાં પહેરવાના બે નંગ સદરા વિગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આમ, કુલ રૂપિયા 1,28,300 ના મુદ્દામાલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 447 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં શકદાર તરીકે લાંબા ગામના હમીર નામના શખ્સ અથવા અન્ય કોઈ તસ્કર સંડોવાયેલો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે દિશામાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

પતિ- સસરા સામે ફરિયાદ
ભાણવડ તાલુકાના રોઝડા ગામે હાલ રહેતી અને નારણભાઈ ભાદરવાડાની 29 વર્ષની પરિણીત પુત્રી શોભનાબેન પંકજભાઈ શિંગલને તેણીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા એકાદ વર્ષથી રાજકોટના હનુમાન મઢી વિસ્તારમાં રહેતા પતિ પંકજ રવજીભાઈ શિંગલ તથા સસરા રવજીભાઈ વીરાભાઈ શિંગલ દ્વારા શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

વૃદ્ધાને મારી નાખવાની ધમકી:
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા સવધીબેન પાંચાભાઈ હાજાભાઈ પિપરોતર નામના 65 વર્ષના સગર વૃદ્ધાને આ જ વિસ્તારમાં રહેતા નાથાભાઈ જેઠાભાઈ પિપરોતર, વિજયાબેન નાથાભાઈ, અરશીભાઈ જેઠાભાઈ, સતીબેન અરશીભાઈ અને નિલેશ અરશીભાઈ પિપરોતર નામના પાંચ પરિવારજનોએ મળી, બિભત્સ ગાળો કાઢી, ઢિકા- પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી સવધીબેન પોતાના ઘરે હતા, ત્યારે આરોપી નાથા જેઠા પીપરોતર તેમના મકાનની વંડી ઉપર ચડતા બોલાચાલી થયા બાદ આ બનાવ બન્યો હોવાને પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસ આઈપીસી કલમ 323, 337, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement