રાજકોટ એક જ દિવસે રામ-કૃષ્ણમય બન્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

18 August 2022 02:55 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટ એક જ દિવસે રામ-કૃષ્ણમય બન્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રાજકોટ એક જ દિવસે રામ-કૃષ્ણમય બન્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રાજકોટ એક જ દિવસે રામ-કૃષ્ણમય બન્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રાજકોટ એક જ દિવસે રામ-કૃષ્ણમય બન્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

► મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદો મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા સહિતનાની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ, તા.18 : જન્માષ્ટમીના તહેવારો આવે અને રાજકોટમાં લોકમેળાનું આયોજન ન થાય તેવું બની શકે ખરું ? જો કે પાછલા બે વર્ષ દરમિયાન આવું બન્યું પણ છે કેમ કે ત્યારે કોરોના નામના રાક્ષસે લોકોના આ આનંદને છીનવી લીધો હતો. હવે આ રાક્ષસ ધીમે ધીમે ‘ટાઢો’ પડી રહ્યો હોવાથી બે વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ પર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદીનો અમૃત લોકમેળો’ નામથી આયોજિત આ મેળાને ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

► રામવન ખુલ્લું મુક્યા બાદ ‘આઝાદીનો અમૃત લોકમેળા’નું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીનું સંબોધન: માહિતીખાતાના પ્રદર્શન અને પોલીસના શસ્ત્ર પ્રદર્શન તેમજ સખીમંડળની બહેનોના સ્ટોલ્સની પણ લીધી મુલાકાત

જે ખુલ્લો મુકાતાંની સાથે જ હજારો લોકો મેળો મ્હાલ્વા માટે પહોંચી ગયા હતા. દરમિયાન મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે આજે રાજકોટ એક જ દિવસે રામ-કૃષ્ણમય બની ગયું છે જે જોઈને અનહદ આનંદ થઈ રહ્યો છે. મેળો ખુલ્લો મુકતાં પહેલાં મુખ્યમંત્રીએ અલૌકિક રામવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં રાજકોટ પ્રભુ શ્રીરામ અને શ્રીકૃષ્ણના રંગે રંગાઈ ગયું છે. આપણે રામવન નામે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું અને અહીં કૃષ્ણમય બનેલા લોકમેળાનો આજથી પ્રાંભ કર્યો છે.

સનાતન હિન્દુ સંસ્કૃતિના બે મહાન પ્રતીક ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામ સાથે જોડાયેલી ઘટનાઓ રાજકોટમાં આકાર લઈ રહી છે. ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ લોકો કૃષ્ણને માને અને અનુસરે છે. ભારતમાં થયેલા ઈશ્ર્વરીય અવતારો આપણી સંસ્કૃતિ, માન્યતાઓ, ઉપાસના અને આરાધના, તહેરો તેમજ ઉત્સવોના કેન્દ્રસ્થાને રહ્યા છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિ ઉપર ભગવાન શ્રીકૃષ્ણનો ઉંડો પ્રભાવ છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સહિતનાએ પણ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધન કર્યું હતું.

► જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.51,11,111નો ચેક અર્પણ: ઉદ્ઘાટન પૂર્વે જ મેળો મ્હાલવા હજારો લોકો પહોંચી ગયા

આ ઉદ્ઘાટન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ, જ્લિા કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સ્પેશ્યલ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ, રેન્જ આઈજી સંદીપ સિંઘ, એસપી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, નગરપાલિકાના પ્રાદેશિક નિયામક ધીમંત વ્યાસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં મેળાની કુલ આવકના 25% લેખે રૂા.51,11,111નો ચેક અર્પણ કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગને સંબોધન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતાના પ્રદર્શનનો સ્ટોલ તેમજ પોલીસના શસ્ત્રપ્રદર્શન તેમજ સખીમંડળની બહેનોના સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી.

શું હવાઈ ગયેલા ફટાકડાની જેમ બોલો છો, જોરથી બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય...વજુભાઈએ ચડાવ્યો પાનો
હંમેશા તળપદી ભાષામાં સંબોધન કરવા માટે જાણીતા ગુજરાતના પૂર્વ નાણામંત્રી તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધન શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં કૃષ્ણ કનૈયાલાલ કી જય...થી ઉદ્બોધન કર્યું હતું. જો કે આ વખતે લોકોનો અવાજ ધીમો આવતાં તેમણે ટકોર કરી કે ‘શું હવાઈ ગયેલા ફટાકડાની જેમ બોલી રહ્યા છો, જોરથી બોલો...’ આ પછી તેમણે તેમનું ‘તકિયાકલામ’ ‘ઈ-કરીને’ પણ વારંવાર બોલતાં લોકોમાં અનેરો પાનો ચડેલો જોવા મળ્યો હતો.


મેળામાં આવ્યા હોય’ને ચકડોળમાં ન બેસીએ એવું ન બને: મુખ્યમંત્રી સહિતનાએ માણી ચકરડીની મોજ
લોકમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મેળો મ્હાલ્યો હતો અને ત્યારપછી તેમણે સૌથી ઉંચા એવા ફજતફાળકામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરતાં તેમની સાથે તમામ નેતાઓ અને મહાનુભાવો ફજતફાળકામાં બેઠા હતા અને રાઈડની દિલથી મોજ માણી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement