ખેડાના ત્રાજ ગામે સરાજાહેર ધારદાર હથિયારથી તરુણીની હત્યા કરતો આધેડ

18 August 2022 03:01 PM
Gujarat
  • ખેડાના ત્રાજ ગામે સરાજાહેર ધારદાર હથિયારથી તરુણીની હત્યા કરતો આધેડ

મોદીની નારી સન્માનની વાતો વચ્ચે નારીની હત્યાનો સિલસિલો : તરુણીની હત્યાનું કારણ અકબંધ: હત્યારાને ગામ લોકોએ પકડીને પોલીસને સોંપ્યો: હત્યા કરનારને જાહેરમાં સજા કરવા લોકમાંગ

ખેડા તા.18
વડાપ્રધાને સ્વાતંત્ર્ય દિન પર્વે પોતાના સંબોધનમાં નારી સન્માનની વાત કરી હતી. પરંતુ દેશમાં નારીની હત્યાનો વધુ એક બનાવ હવે ગુજરાતમાં ખેડા જિલ્લામાં બન્યો હતો. જિલ્લાના માતર ગામે એક 16 વર્ષની તરુણી પર 46 વર્ષના આધેડ શખ્સે સરાજાહેર છરીના ઘા મારી હત્યા કરતા ખળભળાટ મચ્યો છે.

લોકોએ હત્યારાને ઝડપીને પોલીસને સોંપીને તેને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે. કયા કારણોસર આધેડે તરુણીની હત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બુધવારની સમી સાંજે તરુણી તેની બહેનપણીઓ સાથે ગામના મંદિરમાં દર્શન કરીને ઘેર પાછી ફરી રહી હતી. દરમિયાન બસસ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ ડ્રીંકસની દુકાનમાં તે ઠંડુ પીણું ખરીદવા ગઈ હતી. એ સમયે એકાએક ગામના 46 વર્ષીય રાજૂ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલે તરુણી પર હુમલો કરીને ધારદાર હથિયારથી ગળુ કાપી નાખ્યું હતું. તરુણીના હાથ પર પણ તેણે છરીના ઘા કર્યા હતા. તરુણી લોહીથી લથપથ ગંભીર રીતે ઘવાઈ હતી.

દુકાન પાસે જ લોહીના ખાબોચીયા ભરાયા હતા. ઘટના બાદ આસપાસના લોકોએ હત્યારા રાજૂને ઝડપીને માતર પોલીસના હવાલે કર્યો હતો. બીજી બાજુ તરુણીને સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી પણ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે ગામમાં રોષ ફાટી નીકળ્યો છે, સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માતર પોલીસે રાજૂ સામે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આ શખ્સે કયા કારણે તરુણીની ક્રુરતાથી હત્યા કરી છે તેનું રહસ્ય અકબંધ છે. પોલીસ હત્યારાની પુછપરછ કરી રહી છે, બીજી બાજુ હત્યારાને જાહેરમાં સજા થાય તેવી માંગ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement