રામવનમાં પ્રવેશની ફી રૂા. 10 અને 20!

18 August 2022 03:21 PM
Rajkot
  • રામવનમાં પ્રવેશની ફી રૂા. 10 અને 20!

દરખાસ્ત તૈયાર થશે : સીટી બસ લંબાવાશે : સીસીટીવીની મુખ્ય વ્યવસ્થા જ બાકી

રાજકોટ, તા. 18
રાજકોટમાં આજી ડેમ બાજુના રસ્તે વિશાળ રામવન ગઇકાલે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તા. 28 ઓગષ્ટ એટલે કે શ્રાવણ મહિનામાં લોકોને આ અર્બન ફોરેસ્ટમાં વિનામૂલ્યે પ્રવેશ મળવાનો છે ત્યારે આવતા મહિને ટીકીટના દર ફાઇનલ થઇ જાય તેવી શકયતા છે.

ભવ્ય રામવનમાં પ્રવેશદ્વાર પર જ ટીકીટ બુથ બનાવવામાં આવ્યું છે. દિવ્ય રામવનના ઉદઘાટન સાથે લોકો આ ફરવાના નવા સ્થળે પહોંચવા લાગ્યા છે. મહાપાલિકા દ્વારા શ્રાવણ માસમાં લોકોને રામવનમાં ફ્રી એન્ટ્રી આપવા જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ આજી ડેમ નજીકથી રામવન તરફ જવા માટે સીટી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હવે ટીકીટના દર માટેની દરખાસ્ત તૈયાર થઇ રહી છે.

બાળકોનો ટીકીટ દર રૂા. 10 અને વયસ્કોનો દર રૂા. 20 નકકી કરવામાં આવે તેવી ધારણા છે. પ્રદ્યુમન પાર્ક અને ગાંધી મ્યુઝીયમની જેમ જ રામવનમાં પણ પ્રવેશ ટીકીટ લાગુ થવાની છે. જોકે હજુ ઘણી કામગીરી પણ કરવાની છે. સૌથી મહત્વની વાતમાં રામવનમાં હજુ સીસીટીવી ઇન્સ્ટોલેશન થઇ શકયું નથી. આ માટે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગોંડલ રોડ, માધાપર ચોક, ભકિતનગર સહિતના રસ્તે રામવન જવાના સીટી બસના કનેકશન લંબાવવામાં આવી રહ્યા છે. એકંદરે આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક સુધી જતા લોકો સરળતાથી રામવન પણ જઇ શકે તે પ્રકારની વ્યવસ્થા મનપા કરવાની છે. હાલ તા. 28 સુધી રામવનમાં પ્રવેશ ફ્રી છે. તે બાદ ટીકીટ લઇને વનમાં જવું પડશે. હજુ વનમાં રામધુન સહિતની સંગીતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. ભવિષ્યમાં અહીં લાઇટ એન્ડ સાઉન્ડ સહિતના આકર્ષણ ઉભા કરવા અંગે પણ આયોજન થશે તેવું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement