દિવાળીમાં સસ્તા વિમાની પ્રવાસોને ભુલી જજો ! હવાઈ ભાડામાં 200થી 683 ટકાનો ધરખમ વધારો

29 August 2022 11:35 AM
Ahmedabad Gujarat Travel
  • દિવાળીમાં સસ્તા વિમાની પ્રવાસોને ભુલી જજો ! હવાઈ ભાડામાં 200થી 683 ટકાનો ધરખમ વધારો

અમદાવાદ,તા. 29
કેન્દ્ર સરકારે હવાઈ ભાડા પરની મર્યાદા દૂર કર્યાના પગલે એરલાઇન્સ વચ્ચે સ્પર્ધા વધશે અને હવાઈ યાત્રા સસ્તી બનશે તેવી અટકળોથી તદ્દન વિપરીત હાલત સર્જાઇ છે. બે મહિના પછી દિવાળીના દિવસોમાં હવાઈ ભાડામાં ધરખમ વધારો થયો છે અને લોકોને ફરજીયાતપણે વૈકલ્પીક માર્ગે પ્રવાસ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જુદા જુદા રુટ પરના હવાઈ ભાડા 200થી 683 ટકા સુધી વધી ગયા છે.

બે વર્ષ સુધી કોરોના કાળમાં પ્રવાસ કરનારા લોકો હવે મોટી સંખ્યામાં ફરવા નીકળવા લાગ્યા છે. દિવાળીના વેકેશનમાં પણ લાખો લોકો પ્રવાસમાં નીકળશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે તેવા સમયે વિમાની ભાડામાં તોતીંગ વધારો છે. ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ ઓફ ગુજરાતના પ્રમુખ અનુજ પાઠકે જણાવ્યું કે પ્રવાસન સ્થળોના ગેટ-વે ગણાતા સ્થળોના વિમાની ભાડા ધરખમ ઉંચા છે.

કેરળનું ગેટ-વે કોચ્ચી છે. 22 થી 31 ઓક્ટોબરના દિવાળીની રજાના સમયગાળાની ટીકીટ આજે બૂક કરાવવામાં આવે તો રીટર્ન ટીકીટના રૂા. 70464 છે જે સામાન્ય દિવસો કરતાં 683 ટકા ઉંચા છે.

આજ રીતે દાર્જીલીંગના ગેટ-વે બાગડોગરાનું વિમાની ભાડુ 38,774 જે 331 ટકા વધુ છે. ઉતરાખંડના પ્રવેશદ્વાર દહેરાદૂન, હિમાચલના ગેટ-વે ચંદીગઢ જેવા સેન્ટરોના વિમાની ભાડા પણ ઘણા ઉંચા છે. પ્રવાસન સ્થળો ઉપરાંત મેટ્રો શહેરોના વિમાની ભાડામાં પણ મોટો વધારો છે. આ વખતે દિવાળી સોમવારે છે એટલે શનિ-રવિની સળંગ રજાનો પણ લાભ મળવાનો છે.

વેપાર-ધંધાઓ લાભપાંચમથી ખુલતા હોય છે. ઘણા કિસ્સામાં કાર્તિક પુર્ણિમા સુધી વેપાર-ઉદ્યોગ બંધ રહેતા હોય છે. ટૂર ઓપરેટરોના કહેવા પ્રમાણે 22 થી 31 ઓક્ટોબરની રજા રહે તેમ છે અને તેને કારણે હવાઈ સફર મોંઘી છે.

જન્માષ્ટમી અને સ્વતંત્ર પર્વ પર પણ સળંગ રજાઓ આવી હતી અને ત્યારે પણ વિમાની ભાડા ઉંચા ગયા હતા. દિવાળીમાં પણ હવાઈ ભાડા ધરખમ ઉંચા રહેવાની આશંકાથી સંખ્યાબંધ પ્રવાસીઓ તથા ટ્રાવેલ એજન્ટોએ એડવાન્સમાં જ હજારો-લાખો ટીકીટ બૂક કરાવી લીધી હોવાના સંકેત છે. અત્યાર સુધીમાં ટીકીટ બૂક કરાવી ન હોય તેવા પ્રવાસીઓને હવે ઉંચા ભાડા ચૂકવવા પડશે અથવા પ્રવાસ માટે વૈકલ્પીક માર્ગ અપનાવવો પડશે.

વિમાની ટીકીટોની જેમ હોટલ બુકીંગમાં પણ તડાકો છે. ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, કેરળ અને પૂર્વોતર ક્ષેત્રના પ્રવાસન સ્થળો ભરચક્ક બની જવાના સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement